ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં ૪૬ વર્ષથી બંધ પડેલા હિન્દુ મંદિરને ફરીથી ખોલવાનો અને ત્યાં પૂજા શરૂ કરવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. હવે આવો જ એક કિસ્સો વારાણસીમાં સામે આવ્યો છે. વાસ્તવમાં, અહીં મુસ્લીમ બહુમતીવાળા વિસ્તારમાં, ચાર દાયકાથી બંધ પડેલા ઉપેક્ષિત હિંદુ મંદિરને ફરીથી ખોલવાની માંગ છે. મંદિર ખોલવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા છે, જેના કારણે પ્રશાસને આ વિસ્તારમાં પીએસી તૈનાત કરી છે અને મંદિરની માલિકીના દસ્તાવેજા શોધવાનું શરૂ કરી દીધું છે.
અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે બંધ મંદિર ખોલવા માટે વારાણસીના મદનપુરા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ જૂથનું નેતૃત્વ સનાતન રક્ષા દળના નેતાઓ કરી રહ્યા હતા. પાર્ટીના નેતા અજય શર્માએ કહ્યું- “આ મંદિર એવા વિસ્તારમાં આવેલું છે જ્યાં મુખ્યત્વે મુસ્લીમ સમુદાયના લોકો વસે છે અને વર્ષોથી તેની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. મંદિર પરિસર ગંદકી અને કાટમાળથી ભરેલું છે. તેની આસપાસની જમીનના માલિકો હિંદુ હતા. પરંતુ તે પછીથી મુસ્લીમ પરિવારો દ્વારા ખરીદી લેવામાં આવ્યું હતું આ કારણે મંદિર સમય સાથે ખાલી થઈ ગયું હતું.”
સમગ્ર મામલાની તપાસ માટે જિલ્લા પ્રશાસન અને પોલીસની ટીમ પણ મંદિરમાં ગઈ હતી. મંદિરના તાળાની ચાવી કોની પાસે છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે કહ્યું છે કે રેવન્યુ અને એડમિનિસ્ટ્રેશન ટીમ તપાસ કરી રહી છે. જૂના રેકોર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે. જે પણ કાયદાકીય પ્રક્રિયા થશે, તેનો અમલ કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકોએ મંદિર ખોલવા સામે કોઈ વાંધો વ્યક્ત કર્યો નથી. જા કે સુરક્ષાના કારણોસર પીએસીના જવાનોને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે અને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
સનાતન રક્ષા દળના ઉત્તર પ્રદેશ પ્રમુખ અજય શર્માએ કહ્યું છે કે મંદિર ખોલવાનો પ્રયાસ કોઈ વિવાદ કે સંઘર્ષને કારણે કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું છે કે મંદિરને ફરીથી ખોલવાને લઈને કોઈ વિરોધ કે વિવાદ નથી. પોલીસે સહકાર આપ્યો છે અને સ્થાનિક અધિકારીઓની દેખરેખ હેઠળ મંદિરની સફાઈ ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે. સાથે જ પ્રશાસને કહ્યું છે કે જો આ મંદિરને સાર્વજનિક સંપત્તિ જાહેર કરવામાં આવશે તો મંદિર દરેક માટે ખોલવામાં આવશે.