ભાજપ અને ઇન્ડિ ગઠબંધન વચ્ચે ખરાખરીની લડાઈ ચાલી રહી છે. ડીપ ફેક ટૅક્નાલાજી પણ હવે મેદાનમાં આવી છે. ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે મુસ્લિમોને મઝહબના આધાર પર જે અનામત અપાઈ હતી તે દૂર કરી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગને અનામતનો અધિકાર પાછો આપીશું તેને તોડીમરોડી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને મળતી અનામત દૂર કરીશું તેવો વીડિયો ફરતો કરાયો. તેમાં તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીને દિલ્લી બોલાવાયા છે. કાંગ્રેસ અને આઆપના નેતાઓ આ અપરાધમાં સંલિપ્ત હોવાના અહેવાલો છે.
આ સાથે આરએસએસના વડા મોહન ભાગવત તેમજ સહ સર કાર્યવાહ મનમોહન વૈદ્યે પણ અનામત દૂર કરવાની વાત કરી હોવાના ખોટા અહેવાલો વહેતા કરાયા હતા. એટલે ચૂંટણીમાં બધા દાવો અજમાવાઈ રહ્યા છે.
પરંતુ એક મોટો દાવ જે મીડિયાનો એક વર્ગ ઊભો કરે છે તેના તરફ કોઈનું ધ્યાન જતું નથી. આ વર્ગ દર વખતે એવું ચિત્ર ઊભું કરે છે જેના કારણે એવું લાગે કે આમ જ થશે. દા. ત. અમેઠી-રાયબરેલીમાંથી રાહુલ ગાંધી ચૂંટણી લડશે. હવે જો તે ન લડે તો ભાજપને કહેવાની તક મળે કે ડરીને ભાગી ગયા. આ જ રીતે ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય કે વર્તમાન લોકસભાની ચૂંટણી, પહેલો તબક્કો પતે એટલે ઓછું મતદાન થયું તેમ સમાચાર આવે, પછી વિશ્લેષણાત્મક સમાચાર આવે, પછી કાલમિસ્ટોના લેખો આવે, ઇલેક્ટ્રાનિક મીડિયામાં ડીબેટ થાય. તેમાં પાછી એવી વાત વહેતી કરવામાં આવે કે ઓછું મતદાન ભાજપને નુકસાન કરાવે છે. આવાં સમીકરણો ક્યાંથી બંધ બેસાડી દેવામાં આવે છે તે સમજાતું નથી.
અને પાછું આ વિશ્લેષણ માત્ર ભાજપ શાસિત રાજ્યો પૂરતું જ હોય. પ્રજ્ઞાઅંધો એ ન જુએ કે તમિલનાડુ, કેરળ વગેરે વિપક્ષી રાજ્યોમાં પણ પ્રમાણમાં ઓછું મતદાન થયું છે.
આ વખતે ભાજપ સામે સૌથી મોટા મુદ્દા પૈકીનો એક હોય તો તે છે ભાજપનું વાશિંગ મશીન. ઈન્દોરમાં વડા પ્રધાન મોદીએ મહારાષ્ટ્રના (તે વખતે) પૂર્વ મુખ્ય પ્રધાન અજિત પવાર સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો અને તેના થોડા જ દિવસોમાં અજિત પવારે કાકાની ‘ઘડિયાળ’ છોડી ભાજપ સાથે ચાલવામાં ‘સમય’ હોવાનું સ્વીકારી લીધું. અલબત્ત, અજિત પવાર શરદ પવાર સાથે હતા ત્યારે પણ (અને જ્યારે ભાજપનું ગજું નહોતું) તેમના કાકા સાથે તેમના અણબનાવોના સમાચારો તો આવતા જ હતા કારણકે શરદરાવ તેમનાં પુત્રી સુપ્રિયા શૂળેને આગળ કરતા રહ્યા હતા. એ જ રીતે રાજ ઠાકરે પણ કાકા બાળ ઠાકરેના પુત્ર ઉદ્ધવ પ્રત્યેના અંધ મોહના કારણે જ દુઃખી થઈ અલગ થઈ ગયા હતા, તે વર્ષ હતું ૨૦૦૬. જો એ ન થયું હોત તો આજે શિવસેનાની જે દશા છે તે હોત?
મમતા બેનર્જી અને તેમના રાજકીય વારસદાર મનાતા ભત્રીજા અભિષેક બેનર્જી વચ્ચેની ખટપટ પણ ચાલી રહી છે. અભિષેક બેનર્જીના જમણા હાથ મનાતા કુણાલ ઘોષને મમતાએ તૃણમૂલમાંથી હાંકી કાઢ્યા છે. તમિલનાડુમાં દ્રમુક પક્ષમાં સત્તાની લડાઈમાં ભાઈ અલાગીરીને એમ. કે. સ્ટાલિને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. કાંગ્રેસમાં પણ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા વચ્ચે સત્તાની ખેંચતાણની ચર્ચા છે જ. અમેઠીમાં હજુ કંઈ નક્કી નથી અને વાયનાડમાં રાહુલ ગાંધીને હરાવવા ઇન્ડિ ગઠબંધનના જ સીપીઆઈએ મજબૂત મહિલા અભ્યર્થી એન્ની રાજાને ઉતાર્યા તેથી અમેઠીની બેઠક પર રાહુલ ગાંધી ઝંપલાવે તેવી શક્યતા હતી ત્યાં અમેઠીમાં રાહુલ ગાંધીના બનેવી રાબર્ટ વાડ્રા ચૂંટણી લડે તેવાં પાસ્ટર લાગી ગયાં. કોઈ એમ કહી શકે કે આ તો ભાજપે કરાવ્યું હશે, પરંતુ રાબર્ટ વાડ્રાએ પોતે ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવી.
આ બધામાં એક ચર્ચા ઇન્ડિ ગઠબંધનના વાશિંગ મશીનની પણ થવી જોઈએ જે કોઈ કરતું નથી.
જે ઈન્દિરાજીએ પિતા અને વડા પ્રધાન નહેરુને કહીને કેરળની પ્રથમ સામ્યવાદી પક્ષની સરકાર (ઈ. એમ. એસ. નાંબુદિરીપાદ)ને ઉથલાવી રાષ્ટ્રપતિ શાસન લાદી લીધું હતું તે સામ્યવાદી પક્ષોએ કટોકટીમાં ઈન્દિરા ગાંધીને સમર્થન આપ્યું હતું! બધા જાણે છે તેમ સામ્યવાદી પક્ષો ભાજપ પર અભિવ્યક્તિની સ્વતંત્રતા, પ્રેસ ફ્રીડમ વગેરેનું ગળું ઘોંટવાના આક્ષેપો ૧૯૯૮માં પહેલી ભાજપની મોરચા સરકાર બની ત્યારથી કરે છે, પરંતુ કટોકટીમાં તો સમાચારપત્રોમાં એક લીટી પણ સરકારને પૂછ્યા વગર છાપી શકાતી નહોતી અને તોય સામ્યવાદી પક્ષોના વાશિંગ મશીનમાં ધોવાઈને ઈન્દિરા ગાંધી અને કાંગ્રેસ સ્વચ્છ બની ગયાં હતાં! આ સામ્યવાદી પક્ષો ૧૯૫૨ની ચૂંટણીમાં કાંગ્રેસને જમીનદારોનો પક્ષ ગણાવતા થાકતા નહોતા! પરંતુ ૧૯૭૫માં કાંગ્રેસ તેમના વાશિંગ મશીનમાં ધોવાઈને ગરીબોનો પક્ષ બની ગઈ હતી!
૧૯૮૨ની પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં સામ્યવાદી પક્ષો ઈન્દિરા ગાંધીને આૅથરિટેરિયન એટલે કે સત્તાવાદી (તેઓ આજે નરેન્દ્ર મોદીને પણ આ જ ઉપમા આપે છે) ગણાવતા હતા તે સામ્યવાદી પક્ષો માટે તે પછી કાંગ્રેસ ભાજપ જેવા કોમવાદી પક્ષને હરાવવા માટે સ્વચ્છ બની ગઈ હતી. કાંગ્રેસના ભાગલા થયા ત્યારે સામ્યવાદી પક્ષો ઈન્દિરા ગાંધીની કાંગ્રેસની પડખે ચડી ગયા હતા અને આર્થિક નીતિથી માંડીને શિક્ષણ નીતિ, વિદેશ નીતિ વગેરે પર આધિપત્ય જમાવી લીધું હતું.
૧૯૮૨ની પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીએ ડાબેરી પક્ષોને ઉત્તર આપતા કહ્યું હતું કે માર્ક્સવાદ અને લોકતંત્ર બંને સાથે-સાથે ચાલી ન શકે. કયા સામ્યવાદી દેશમાં એક કરતાં વધુ પક્ષોની પ્રણાલિ છે? (એટલે કે સામ્યવાદી પક્ષ સિવાયના પક્ષને સત્તા મળી શકે છે?) પરંતુ એ જ સામ્યવાદી પક્ષો સાથે કાંગ્રેસ ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૧૪ અને અત્યારે ૨૦૨૪ની ચૂંટણીમાં ગઠબંધન કર્યું!
જે કાંગ્રેસ શંકરસિંહ વાઘેલાને કોમવાદી ગણાવતી હતી તે કાંગ્રેસ સાથે શંકરસિંહે ગઠબંધન કરી સરકાર બનાવી અને તે પછી કાંગ્રેસમાં ભળી ગયા એટલે શંકરસિંહ બિનસાંપ્રદાયિક થઈ ગયા! પરંતુ જેવા શંકરસિંહે ૨૦૧૭માં પ્રશ્નો ઉઠાવી ત્યાગપત્ર આપ્યો એટલે એ ભાજપના એજન્ટ થઈ ગયા!
૧૯૯૬માં કાંગ્રેસ જનતા દળ (એસ), રામવિલાસ પાસવાનના લોજપ, સીપીઆઈ, સીપીએમની સામે લડેલી, પરંતુ અટલબિહારી વાજપેયીને હટાવવા રાતોરાત કાંગ્રેસે આ પક્ષો સાથે ગઠબંધન કરેલું અને તેમાં સૌથી ઓછી (૪૬) બેઠકો સાથે દેવેગોવડા વડા પ્રધાન બની ગયા હતા.
૧૯૯૯માં સોનિયા ગાંધીના વિદેશી કુળના મુદ્દે શરદ પવાર, તારીક અનવર અને પી. એ. સંગમાને કાંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. શરદરાવ, તારીક અને સંગ્માએ રાષ્ટ્રવાદી કાંગ્રેસ પક્ષ રચ્યો. માત્ર ચાર જ મહિનામાં કાંગ્રેસના વાશિંગ મશીનમાં શરદરાવનો આ પક્ષ ચોખ્ખો થઈ ગયો કારણકે મહારાષ્ટ્રમાં બંનેએ ભેગા મળીને સરકાર રચવાની હતી. આજે તારીક અનવર તો એનસીપીમાં પણ નથી, તેઓ કાંગ્રેસમાં પાછા આવી ગયા છે.
કાંગ્રેસ જેમની કોમવાદી હોવાની ટીકા કરતાં થાકતી નહોતી તેવા બાળ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ૨૦૨૦માં કાંગ્રેસના વાશિંગ મશીનમાં બિનસાંપ્રદાયિક બની ગયા! કારણ હતું સત્તામાં ભાગબટાઈ!
જે કાંગ્રેસે ઈન્દ્રકુમાર (આઈ. કે.) ગુજરાલની સરકારને ટેકો પાછો ખેંચવા કારણ આપ્યું હતું કે દ્રમુક (ડીએમકે)નું રાજીવ ગાંધીના હત્યારા સંગઠન એલ. ટી. ટી. ઇ. સાથે જોડાણ છે, તે જ દ્રમુક ૨૦૦૪માં યુપીએમાં કાંગ્રેસનો સહયોગી પક્ષ બની ગયો અને કાંગ્રેસના વાશિંગ મશીનમાં તેની સામેના એલટીટીઇ જેવા ત્રાસવાદી સંગઠનના આરોપો ધોવાઈ ગયા! તે પછી તો સોનિયા-રાહુલ-પ્રિયંકા ગાંધી વાડ્રાએ તો રાજીવ ગાંધીના હત્યારાઓને પણ ક્ષમા આપી દીધી! આ રાજકારણ છે!
જે. જયલલિતાએ ૧૯૯૮ની લોકસભાની ચૂંટણી પહેલાં કહેલું કે જો સોનિયા ગાંધી દેશનાં વડા પ્રધાન બનશે તો તે રાષ્ટ્રીય દુઃખદ ઘટના હશે. તેની વિરુદ્ધ કાંગ્રેસે પણ જે. જયલલિતા પર આક્ષેપો કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. પરંતુ તમિલનાડુની દ્રમુક સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લાદવાની જયલલિતાની માગણીને અટલજીએ ન માની તેથી દુઃખી થઈ જયલલિતાએ સુબ્રમણિયમ સ્વામીની ઉશ્કેરણીથી સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’ કરી. તેમણે ટેકો પાછો ખેંચ્યો. અટલજી સામે અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યો. અટલજી એક મતથી હારી ગયા. કાંગ્રેસ અને જયલલિતા બંને એકબીજાનાં વાશિંગ મશીનમાં ધોવાઈને સ્વચ્છ થઈ ગયાં હતાં!
૨૦૧૧માં અન્ના હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન પછી કાંગ્રેસને કેજરીવાલ આંખમાં કણાની જેમ ખૂંચતા હતા. કેજરીવાલે જ્યારથી આમ આદમી પક્ષ સ્થાપવાની જાહેરાત કરી ત્યારથી એક અગ્રણી દૈનિકમાં તો આઆપને લગતા કોઈ સમાચાર છાપવાની તેના સ્વામીની મનાઈ હતી. પરંતુ ૨૦૧૩ની દિલ્લી વિધાનસભા ચૂંટણી પછી કાંગ્રેસે સામે ચાલીને બિનશરતી ટેકો આઆપને આપી આઆપની પહેલી સરકાર બનાવડાવી. તે પછી કેજરીવાલની તોપનું નાળચું કાંગ્રેસના બદલે ભાજપ, વિશેષતઃ નરેન્દ્ર મોદી સામે તકાઈ ગયું હતું એટલે ઉક્ત દૈનિકમાં આઆપના સમાચાર ગાઈવગાડીને લેવાનું શરૂ થઈ ગયું હતું.
જે કેજરીવાલ સામે કાંગ્રેસ ખાલિસ્તાનીઓ પાસેથી ફંડ લેવાનો, ભારત વિરોધી ફાર્ડ ફાઉન્ડેશન પાસેથી દાન લેવાનો આક્ષેપ કરતી હતી, ભાજપની ‘બી’ ટીમ હોવાનો આક્ષેપ કરતી હતી, દારૂ કૌભાંડ, જળ બાર્ડ કૌભાંડ, નિઃશુલ્ક વીજળી કૌભાંડના આક્ષેપો કેજરીવાલ સરકાર પર કરતી હતી તે કેજરીવાલ કાંગ્રેસના વાશિંગ મશીનમાં ધોવાઈને સ્વચ્છ થઈ ગયા. જે કેજરીવાલ કાંગ્રેસના નેતાઓ – રાહુલ ગાંધી, વડા પ્રધાન મનમોહનસિંહ, પી. ચિદમ્બરમ્, સુશીલકુમાર શિંદે, કપિલ સિબલ, સલમાન ખુર્શીદ, કમલનાથ પર ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપો કરી રોજ પત્રકાર પરિષદ કરતા હતા, લાલુપ્રસાદ યાદવ, શરદ પવાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા હતા તે કેજરીવાલના વાશિંગ મશીનમાં ધોવાઈને રાહુલ ગાંધી, લાલુ, શરદ પવાર સ્વચ્છ થઈ ગયા અને ૨૦૧૫માં જ બિહારમાં આઆપનું કોઈ ઠેકાણું ન હોવા છતાં સ્ટેજ પર જઈ લાલુપ્રસાદ યાદવ અને રાહુલ ગાંધીને ગળે
મળીને સ્વચ્છતાનું પ્રમાણપત્ર હાથોહાથ આપી દીધું હતું.
પરંતુ ૨૦૨૨ની ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પાછો કાંગ્રેસ અને આઆપ પર મેલ ચડી ગયો હતો એટલે બંને એકબીજા પર ભાજપની ‘બી’ ટીમ હોવાના આક્ષેપો કરતા હતા. હવે આ બંને બી ટીમોએ એકબીજાને સ્વચ્છતાનું પ્રમાણપત્ર આપી દીધું છે. પોતાના પક્ષના નેતાઓ પી. ચિદમ્બરમ્ જેલમાં ગયા કે ઝારખંડમાં જેની સાથે યુતિ સરકાર છે તેવા હેમંત સોરેન જેલમાં ગયા ત્યારે રેલી-આંદોલન ન કરનાર કાંગ્રેસે કેજરીવાલ જેલમાં ગયા તે પછી બે-બે સંમેલનો કરી કેજરીવાલને જેલમાંથી છોડવા અપીલ કરી.
ભાજપ વિરોધી ઇકા સિસ્ટમ માટે ૨૦૧૪ સુધી જે અર્બન નક્સલો હતા અને જેને યુપીએ સરકાર જેલમાં પૂરતી હતી તે ભાજપનું શાસન આવતા ભીમ-કોરેગાંવ અને અન્ય કેસોમાં જેલમાં ગયા ત્યારે એ જ અર્બન નક્સલો કાંગ્રેસના વાશિંગ મશીનમાં ધોવાઈને માનવ અધિકારવાદી બની ગયા!
ઈન્દિરાજી તેમના વિરોધીઓને આઈએસઆઈ અથવા અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએના એજન્ટ કહેતા હતા, પણ કોઈને કેજીબી (સોવિયેત સંઘ/રશિયાની જાસૂસી સંસ્થા) નહોતા કહેતા. આજે તેમના પૌત્ર રાહુલ ગાંધી અમેરિકા-યુરોપમાં જઈને ભારતમાં લોકતંત્ર સ્થાપવામાં તેમની મદદ કરવા ટહેલ નાખે છે. અર્થાત્ કાંગ્રેસના વાશિંગ મશીનમાં હવે અમેરિકા પણ પવિત્ર છે.
અહીં ભાજપનો કોઈ બચાવ નથી. પરંતુ પહેલાં ‘સગવડિયું ગઠબંધન’ શબ્દ પ્રયોગ થતો હતો, આજે ‘વાશિંગ મશીન’ તરીકે ઉલ્લેખાય છે. પરિભાષા બદલાય છે, બાકી કેન્દ્રમાં રહે છે સત્તા જ. હા, અગત્યનું એ બની રહે છે કે સત્તામાં આવ્યા પછી દેશ આગળ વધે તેવી નીતિ કોણ અપનાવે છે, દેશની મૂળ સંસ્કૃતિ તરફ કોણ લઈ જાય છે, ભારતના શત્રુ દેશો ભીખ માગતા થઈ જાય તેવી સ્થિતિ કોણ નિપજાવે છે અને કોણ દેશ વિરોધીઓ પ્રસન્ન થાય તેવી નીતિ અપનાવે છે, કોણ એન્કાઉન્ટરમાં ત્રાસવાદીઓ મરે ત્યારે આંસુ સારે છે. બાકી બધું ગૌણ બની રહે છે.