અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર દિલિપસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. નિવાસી અધિક કલેક્ટરએ માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરતા વાહન ચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીઓને જરુરી દિશાનિર્દેશ આપ્યા હતા. વાહન ચાલકોની સલામતી માટે અમરેલી જિલ્લાના વિવિધ રસ્તા પર આવશ્યકતા મુજબ જરુરી સૂચનાઓ સાથેના સાઈન બોર્ડ, સ્પીડ બ્રેકર, સ્પીડ લિમિટ દર્શાવતા બોર્ડ, રેડિયમ, માર્કિંગ પટ્ટા, બેરિયર લગાવવા સહિતના સૂચન કર્યા હતા. આ બેઠકમાં શાળાઓ આગળ સાઇન બોર્ડ લગાવવાની કામગીરી અંગે પણ સમિતિએ ચર્ચા કરી અને માર્ગો પર આવતી શાળાઓની યાદી તૈયાર કરવાની તજવીજ હાથ ધરવા જણાવ્યુ હતું. રોડ સેફટી સંદર્ભે વિવિધ વિભાગ કચેરીઓ દ્વારા થયેલી કામગીરીની પણ સમીક્ષા કરી માર્ગ સલામતી માટે જરુરી પગલાંઓ લેવા માટે પરામર્શ કરવામાં આવ્યો હતો. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીઓ પઢિયાર અને શાહે માર્ગ સલામતી માટે વિવિધ કચેરીઓ દ્વારા થયેલી કામગીરીની સંકલિત વિગતો પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, જિલ્લા શિક્ષણાધિકારી ગોહિલ સહિત કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.