વિંછીયામાં થોરીયાળી ગામના ઘનશ્યામભાઈ રાજપરા નામના યુવાનની થયેલી હત્યાની ઘટનામાં પકડાયેલા આરોપીઓના રિકન્સ્ટ્રકશન સમયે વિંછીયા પોલીસ સ્ટેશન સામે હજારો લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બાદમાં રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતા ભારેલા અગ્નિ જેવી સ્ફોટક સ્થિતિ સર્જાતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. છતાં લોકોના ટોળા નહી વિખેરાતા પોલીસને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. આ ઘટનાને લઈને રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓની પોલીસ ટીમના ધાડેધાડા વિંછીયા ખાતે ઉતારી દેવામાં આવ્યા હતા અને વિંછીયામાં કર્ફ્યું જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતા રાજકોટ એસ.પી. હિંમકરસિંહ તાત્કાલિક વિંછીયા ખાતે દોડી આવ્યા હતા અને પોલીસ પર પથ્થરમારો કરનારા ૫૨ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં રાજકોટ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતેથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો વિંછીયા ખાતે ઉતારી દેવામાં આવ્યો હતો. આ પથ્થરમારાની ઘટનામાં ૫ જેટલા પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.