કોલકાતામાં મહિલા ડાક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસની સુઓમોટો સંજ્ઞાન લીધા બાદ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને તાજા સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે. આ સિવાય સીજેઆઇ ચંદ્રચુડ, જસ્ટીસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે પશ્ચિમ બંગાળ પોલીસને મૃતક ડાક્ટરનો ઓટોપ્સી રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વિકિપીડિયાને મૃતક તાલીમાર્થી ડોક્ટરનું નામ અને ફોટો હટાવવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે કહ્યું કે બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર ન કરવી જોઈએ. પીડિતાના માતા-પિતાના વકીલે કોર્ટને જણાવ્યું કે વિકિપીડિયાએ નામ અને ફોટોગ્રાફ હટાવવાનો ઇનકાર કર્યો છે. સીજેઆઇ ચંદ્રચુડે કહ્યું કે અમે વિકિપીડિયાને પીડિતાનો ફોટો અને નામ હટાવવાની ચેતવણી આપીએ છીએ.
સોલિસિટર જનરલે કહ્યું કે પીડિતાની ખાસ હેરસ્ટાઇલ હતી જે ઘણી જગ્યાએ બતાવવામાં આવી રહી હતી. કોર્ટે કહ્યું કે પીડિતાનું નામ અને ઓળખ બિલકુલ જાહેર ન કરવી જોઈએ. પશ્ચિમ બંગાળ સરકાર વતી હાજર રહેલા કપિલ સિબ્બલે કહ્યું કે આ સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ બંધ કરવું જોઈએ. તેમણે કહ્યું કે બંગાળ સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલોને સોશિયલ મીડિયા પર બળાત્કાર અને એસિડ એટેકની ધમકી આપવામાં આવી રહી છે.
સીજેઆઇ ચંદ્રચુડે કહ્યું કે આ જાહેર હિતનો મુદ્દો છે અને તેથી લાઇવ સ્ટ્રીમિંગ બંધ કરવામાં આવશે નહીં. જો કોઈને જોખમ હશે તો જરૂરી પગલાં લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પીડિતાની તસવીરો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દેવી જોઈએ. આ સિવાય સીબીઆઈએ ૧૭ સપ્ટેમ્બર સુધીમાં કોર્ટમાં તપાસનો નવો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવો જોઈએ.
ખંડપીઠે કહ્યું કે ડાક્ટરોએ તેમની હડતાલ સમાપ્ત કરી બુધવારે સાંજે ૫ વાગ્યા સુધીમાં કામ પર પાછા ફરવું જાઈએ, અન્યથા તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય કોર્ટે સીઆઈએસએફને આવાસ આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. ૯ સપ્ટેમ્બરે સુનાવણી દરમિયાન, બેચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પીડિતાની ઓળખ દૂર કરવા માટે સૂચનાઓ આપી હતી. સીજેઆઇ ચંદ્રચુડે કહ્યું કે તપાસ પૂર્ણ થવામાં સમય લાગશે. સીબીઆઈને પૂરતો સમય મળવો જોઈએ.