આજના સમયમાં મોબાઇલ અને ઇન્ટરનેટનો યુગ છે ત્યારે ઘરમાં એક છત નીચે રહેતા બે વ્યક્તિ વચ્ચેના સંબંધો લાગણીને બદલે માગણી વાળા બનતા જાય છે. કારણ કે મોબાઈલ નામનું યંત્ર માણસના જીવનમાં આવવાથી તેમની વચ્ચેના સંબંધો અને લાગણીઓ આંગળીના ટેરવા પર આવી ગયા છે. ખરેખર તો એકબીજા સાથે બેસીને હસી-મજાક કરતા પતિ પત્ની કે ઘરના અન્ય સભ્યો સામસામે બેસીને ટોળે વળીને સુખ-દુઃખની વાતો કરતા, સાથે સાથે સમાજજીવનની પણ વાતો કરતા પણ હવે એક ઘરમાં પાસ પાસે કે સામસામે બેઠેલા લોકો શારીરિક રીતે નજીક હોય છે પરંતુ માનસિક રીતે તો જોજનો દૂર અન્ય વ્યક્તિઓ સાથે મોબાઈલના માધ્યમથી જોડાયેલા રહે છે. જે હાજર છે એની હાજરીની નોંધ લેવાતી નથી અને જે ગેરહાજર છે એને દૂરથી ઝાંઝવાના જળની જેમ મળવા માટે મન તડપે છે. વારંવાર પોતાના ફોનની બેટરીને ચાર્જ કરવામાં કાળજી રાખનાર માણસ પોતાના અંગત સ્વજન સાથેના સંબંધોને ચાર્જ કરવાનું ચૂકતો જાય છે. દિવસે દિવસે આ પરિસ્થિતિ વણસતી જાય છે. મોબાઇલ એ માણસના જીવનમાં પ્રસરેલું એવુ મીઠું ઝેર છે જે દિવસે ને દિવસે તે તેનો શિકાર બનતો જાય છે. અને હવે મોબાઈલની આ લતમાંથી માણસને બહાર કાઢવો કે પોતાની જાતે તેમાંથી બહાર નીકળવું અઘરું થતું જાય છે. ઘરમાં કોઈ નાનો મોટો પ્રસંગ હોય, બહારથી મહેમાન આવેલા હોય, પાડોશી કે કોઈ મિત્રો બેસવા આવ્યા હોય ઔપચારિકતા ખાતર તેમની સાથે થોડીક વાતો થાય છે પરંતુ ઝાઝો સમય પોતપોતાના મોબાઈલમાં જ પસાર થાય છે. આ આજની નરી વાસ્તવિકતા છે. તમે દવાખાને ડોક્ટર પાસે જાવ તો તમારૂં નિદાન કરતા કરતા એના સાયલેન્ટ રાખેલા મોબાઈલમાં whatsapp ના મેસેજનો અવાજ સાંભળતા તેનું ધ્યાન એ મેસેજ જોવામાં ખેચાય છે. સામે દર્દી પણ આટલો સમય ડોક્ટર સામે પોતાનો ફોન સાયલેન્ટ રાખીને રીતસરનો અકળાઈ જાય છે. બેંકના કાઉન્ટર ઉપર હોય કે કોઈપણ પબ્લિક સર્વિસના કાઉન્ટરની લાઈન પર હોય ત્યાં બેસેલ કર્મચારી પોતાનું રોજિંદુ કામ કરતા કરતા અવાર-નવાર પોતાના મોબાઈલમાં જોયા કરે છે, આંગળીના ટેરવાથી ટચ કર્યા કરે છે. નજીકના સંબંધીઓને વર્ષમાં બે ચાર વખત રૂબરૂ મળવાનો અવસર ઓછો થતો જાય છે અને થાય છે તો યંત્રવત થતો જાય છે. બાકીનો તમામ વ્યવહાર મોબાઇલ પર થવા લાગ્યો છે. જન્મદિવસની શુભેચ્છાથી માંડીને અવસાનના શોક સંદેશાઓનું સ્થાન મોબાઇલે લઇ લીધું છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો ફેસ ટુ ફેસ અદૃશ્ય છે અને એક જ શેરીમાં કે એક જ શહેરમાં રહેતા સંબંધીઓ પણ રૂબરૂ મળવાને બદલે મોબાઇલના માધ્યમથી આંગળીના ટેરવે શબ્દોના સહારાથી મળતા થઈ ગયા છે. લાંબો સમય જતા તેના ખૂબ ગંભીર અને ભયંકર પરિણામો આવવાના છે. એક સમય એવો આવશે કે અત્યારે વાર તહેવારે જેમ ઉપવાસ કરવામાં આવે છે તેવી જ રીતે માણસે માનસિક રીતે ફ્રેશ થવા મોબાઇલની લતથી છૂટવા માટે એક દિવસ મેસેજ નહીં જોવાના નકોરડા ઉપવાસ કરવા પડશે. સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે નાના બાળકો પણ કુમળી વયે મોબાઈલની લત અને ચુંગાલમાં એવા ફસાઈ જાય છે કે એમનું શારીરિક રમતમાં હલનચલન અને શ્રમ થવો જોઈએ એ થતો નથી. એટલે બાળપણથી જ શારીરિક વિકાસ રૂંધાય જાય છે. આજે આ ચર્ચાનો વિષય છે, જાગવાનો વખત છે, પાછા વળવાનો સમય છે નહિતર આવનારી પેઢી સાચા સગપણને ભૂલી જશે અને કલ્પનાની દુનિયામાં રાચશે તો જરૂરતના સમયે એની સાથે કોઈ આદમીના બદલે માત્ર ઈન્ટરનેટ જ હશે. રાતદિવસ વધતા જતા મોબાઈલના વપરાશના કારણ ખરેખર તમને એવું નથી લાગતું કે હવે ચાર્જિંગની જરૂર મોબાઈલને છે કે સંબંધોને ? એ વિચારવા જેવું છે હો.
એક સરસ મઝાનું ઘર,
એમાં વસે એક નારી અને નર,
એક બીજાને હસે હસાવે,
જીવે મસ્તીમાં દુનિયાથી રહે પર..!!
ત્યાં ઓચીંતું એક દિવસ,
હાથ લાગ્યું એક યંત્ર,
હવે ના કોઈ હસે, ના કોઈ રમે
છિન્નભીન્ન થયું ઘરનું તંત્ર,
ના કોઈ સાંભળે, ના કોઈ બોલાવે બસ રાત દિવસ જપે..મોબાઈલ મંત્ર..!!
રહે એક જ ઘરમાં તોય,
જાણે જોજન અંતર,
દુનિયાના પળ પળની ખબર,
દૂર થયા એકબીજાના અંતર,
લાગણી પ્રેમ મરતા રહ્યા,
સંબંધોમાં વધતું રહ્યું અંતર..!!
એપ્સ ફેરવે, ટાઈપીંગ કરે,
ઢગલાબંધ ઈમોજી મોકલ્યા કરે
આખો દિવસ જોયા કરે,
અજાણ્યા ચહેરાને રિકવેસ્ટ મોકલ્યા કરે,
એક બીજા સામે રમત રમ્યા કરે,
ખોટે-ખોટું હસ્યા કરે,
હવે ના કોઈ હાસ્ય કે ના કોઈ કલરવ,
ના કોઈ મસ્તી કે ના કોઈ ગુંજારવ.
બેટરી ખતમ થતી રહી..
સંબંધો ખોખલા થતા રહ્યા..!!
શું લાગે છે..?
ચાર્જ કરવાની જરૂર કોને છે ..
મોબાઇલને..કે
આભાર – નિહારીકા રવિયા સંબંધોને..?
આભાર – નિહારીકા રવિયા