વિજય માલ્યા અને નીરવ મોદી જેવી ભાગેડુઓ વિરૂદ્ધ બ્રિટન ટૂંકસમયમાં કાર્યવાહી હાથ ધરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે ચર્ચાઓ કરતાં ભાગેડૂ બિઝનેસમેનના પ્રત્યાર્પણની અપીલ કરી હોવાનું મીડિયા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જેથી બ્રિટન દ્વારા આ પગલું લેવાની સંભાવના જાવા મળી છે.
બ્રાઝિલમાં આયોજિત જી૨૦ શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીએ આજે બ્રિટનના વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન બંને નેતાઓએ માઈગ્રેશન સંબંધિત કામગીરીને વેગ આપવા પર સહમતિ દર્શાવી હતી. મીડિયા અહેવાલો અનુસાર, સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશનના ડિરેક્ટર પ્રવિણ સુદે હાલમાં જ બ્રિટિશ સુરક્ષા મંત્રી ડેન જાર્વિસ સાથે આ બંને ભાગેડુ બિઝનેસમેનનું પ્રત્યાર્પણ કરવાની માગ કરી હતી.
કિર સ્ટાર્મર દ્વારા વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ ઁસ્ મોદી પ્રથમ વખત તેમને મળ્યા હતા. વડાપ્રધાન બનવા બદલ શુભેચ્છા પાઠવ્યા બાદ બંને નેતાઓ વચ્ચે અર્થવ્યવસ્થા, વેપાર, નવી અને ઉભરતી ટેક્નોલોજી, રિસર્ચ, ઈનોવેશન, ગ્રીન ઈકોનોમી સંબંધિત વિવિધ મુદ્દા પર ચર્ચા થઈ હતી.
ભારતીય બિઝનેસમેન નીરવ દીપક મોદી મની લોન્ડરિંગ અને છેતરપિંડી કરી બ્રિટન ભાગી ગયા હતાં. અગાઉ વિજય માલ્યા પણ ૯૦૦૦ કરોડનું કૌભાંડ આચરી બ્રિટન ફરાર થયા હતા. કીર સ્ટાર્મર આ બંને ભાગેડુઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી શકે છે.
નીરવ મોદી યુકેમાં હોવાની બાતમી માર્ચ, ૨૦૧૮માં મળી હતી. જ્યાં તેઓ રાજકીય આશરો લઈ રહ્યા છે. જૂન, ૨૦૧૯માં સ્વીસ અધિકારીઓએ નીરવ મોદીની સ્વીસ બેન્ક ખાતામાં જમા કુલ ૬૦ લાખ ડોલરની સંપત્તિ જપ્ત કરી હતી. નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્કમાંથી ૨૮,૦૦૦ કરોડનું ફ્રોડ કરી વિદેશ પલાયન કર્યું હતું. બાદમાં પોતાને વિલફૂલ ડિફોલ્ટર જાહેર કર્યો.