અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલ કોઠા પીપરીયા પ્રાથમિક શાળાએ શૈક્ષણિક ક્ષેત્રે અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. વર્ષ ૨૦૨૪-૨૫માં શાળાએ વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં ઝોન કક્ષાએ વિભાગ-૩માં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જેમાં વિદ્યાર્થિનીઓ પડસારીયા હેમાંશી અને પટોળીયા દર્શાલીએ માર્ગદર્શક શિક્ષક સંદીપભાઈ ધડુકના માર્ગદર્શન હેઠળ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ
કૃતિ હવે રાજ્યકક્ષાએ રજૂ થશે.શાળાની સફળતાનો સિલસિલો એટલેથી અટક્યો નથી. ઓલ ઇન્ડિયા રામાનુજ મેથ્સ ક્લબ દ્વારા આયોજિત મેથ્સ કાર્નિવલમાં શાળાના વિદ્યાર્થીઓ પટોળીયા લક્ષ અને પટોળીયા દવેએ રાષ્ટ્રીય કક્ષાએ તૃતીય ક્રમ મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ જ સ્પર્ધામાં શાળાના શિક્ષક સંદીપભાઈ ધડુકે ઇનોવેશન કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. સંદીપભાઈ ધડુકે શિક્ષણ ક્ષેત્રે આપેલી ઉત્કૃષ્ટ સેવાઓની કદર કરતાં લાયન્સ ક્લબ અમરેલી દ્વારા તેમને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.