વસંતના વધામણા થઈ ગયા છે. ભૌગોલિક પરિસ્થિતિના ૩૩% જંગલો હોવા જોઈએ પરંતુ દેશમાં ૨૩% થી ઓછા જંગલો છે અને ગુજરાતમાં ૧૦% થી ઓછા જંગલો છે. બેફામ વસ્તી વધારો, ઔદ્યોગિકરણ, ખનન પ્રવૃત્તિ દ્વારા જંગલમાંથી મેળવાતી કાચી ધાતુ અને માનવ વસાહત માટે જરૂરી લાકડું સાથે સાથે બળતણ તરીકે લાકડાનો ઉપયોગ અતિશય થવાથી જે જંગલો છે તે પણ વિનાશના આરે છે. આવા સમયે જંગલોનો વિનાશ થવાથી જંગલની અંદર રહેલા અનેક પ્રકારના સજીવોના રહેઠાણનું નિકંદન નીકળી જાય છે. જંગલમાં હિંસક અને અહિંસક બંને પ્રકારના પ્રાણીઓ રહેતા હોય છે. જંગલનો વિનાશ થવાથી હિંસક પ્રાણીઓ માનવ વસાહતમાં આવી જાય છે. આવા સમયે જંગલોના સંવર્ધન માટે દિવસ ઉજવવાથી કંઈ થશે નહીં. તેના માટે નક્કર પગલા લેવા પડશે.
૧૪૦ કરોડથી વધારે વસ્તી ધરાવતા દેશમાં દરેક નાગરિક એક એક વૃક્ષ વાવે તો ૧૪૦ કરોડ વૃક્ષો થાય. અહીંયા મોટી મોટી વાતો કરવાથી કે ભાષણ આપવાથી જંગલ સંવર્ધન કે વૃક્ષ સવર્ધન થશે નહીં. એના માટે પોતે વૃક્ષો વાવવા પડશે. મેં મારા ઘરે ૨૩ જેટલા લીમડા વિકસાવ્યા છે. ઘણી વખત મારા માતૃશ્રી એવું કહે છે કે પાકમાં નુકસાન થાય છે એટલે કાપી નાખીએ. હું કહું છું કે મમ્મી હજુ મોટા વૃક્ષો થશે ને એટલે સારો ભાવ મળશે. એમ કરીને વૃક્ષ બચાવવા માટે પ્રયાસ કરું છું.
પંચમહાલ જિલ્લાના પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. પંચાલ સાહેબનો થોડા દિવસ પહેલા જ મારા ઉપર કોલ હતો અને તેમને કહ્યું હતું કે આચરણ અને અનુસરણ થવું જોઈએ. આપણે વાતો ઓછી કરીએ અને નક્કર કામ કરીએ. તેમની વાતનો ભાવાર્થ એ હતો કે પર્યાવરણનું સંવર્ધન કરવા માટે દરેકે
જાગૃત બનવું જોઈએ. ગમે તેટલા વિશ્વ વન દિવસ ઉજવવાથી પર્યાવરણનું સંરક્ષણ નહીં થાય. પરંતુ વૃક્ષો વાવવાથી જંગલોનું સંવર્ધન થશે. પર્યાવરણના સંરક્ષણ માટે અને રક્ષણ માટે
વૃક્ષારોપણ અનિવાર્ય છે. આજે જંગલો મૃતપ્રાય અવસ્થામાં છે. ઘરે ઘરે ચંડી પ્રસાદ અને સુંદરલાલ બહુગુણા નિર્માણ કરવા પડશે. માત્ર ‘જંગલો બચાવો દેશ બચાવો’ જેવા સ્લોગનો બોલી અને વાંચીને જંગલ સંપત્તિનું સંવર્ધન થશે નહીં તેના માટે ગોંડલના રાજા ભગવતસિંહજીના રાજ્યના પર્યાવરણ સંરક્ષણ માટેના જે નિયમો હતા તેનું ચુસ્ત પાલન કરવું પડશે. વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે, ગ્લોબલ વોર્મિંગ સમસ્યાના નિર્માણમાં મનુષ્ય જવાબદાર છે. વસ્તી વધે છે, જમીન વધતી નથી. વૃક્ષો એટલા બધા બેફામ કપાય છે ત્યારે જે તે વિસ્તારના મામલતદારને જવાબદાર ઠેરવી કડક સજા કરવી જોઈએ.
વર્ષ ૨૦૧૩માં યુનાઈટેડ નેશન્સ દ્વારા ૨૧ માર્ચને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આનો ઉદ્દેશ જંગલો અને તેની બહારના વૃક્ષોની મહત્વતા સમજાવવી અને તેના વિશે વધુ
જાગૃતિ ફેલાવવાનો છે. જેથી વર્તમાન અને ભાવિ પેઢીને જીવવા યોગ્ય વાતાવરણ મળી રહે.
જંગલો એટલે કુદરતે સર્જેલી પાઠશાળા, જ્યાં કુદરતના નિયમો એ જ એની કિંમત છે. જંગલો પ્રાણીઓને અને પક્ષીઓને જીવન પૂરું પાડે છે. જંગલો જળ અને વાતાવરણ તો શુદ્ધ કરે છે, આ ઉપરાંત કાર્બનનું શોષણ કરી લે છે.
જીવન માટે ઉપયોગી જડીબુટ્ટીઓ, ઔષધિઓ, ફળો, વરસાદ, ઓક્સિજન અને ખોરાક પૂરા પાડે છે. જંગલોને બચાવવા અને સાચવવાની આપણા બધાની ફરજ છે. આપણે બધાએ નવા વૃક્ષો વાવવા જોઈએ. આપણે વૃક્ષોને સમજીએ અને આપણા બાળકોને તેની સમજ આપીએ.
વિશ્વ વન દિવસ ઉજવવા પાછળ વૃક્ષોનું સંરક્ષણ કેન્દ્રસ્થાને હોવું જોઈએ તો જ વૃક્ષ બચશે અને જંગલ જીવંત થશે. પ્રકૃતિપ્રેમી સદાય માટે સુખી હોય છે.
Mo.૯૮૨૫૭૦૨૨૮૨