વી નારાયણન ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના નવા અધ્યક્ષ બનશે. ભારત સરકારે મંગળવારે આ જાણકારી આપી. વી નારાયણન ઇસરોના અધ્યક્ષ તરીકે ડા. એસ સોમનાથનું સ્થાન લેશે. વી નારાયણન અવકાશ વિભાગના સચિવ તરીકે પણ કાર્યભાર સંભાળશે. કેબિનેટની નિમણૂક સમિતિના આદેશ મુજબ, વી નારાયણન ૧૪ જાન્યુઆરીએ વર્તમાન ઈસરોના વડા એસ સોમનાથના સ્થાને ચાર્જ સંભાળશે. તેઓ આગામી બે વર્ષ સુધી અથવા આગળની સૂચના ન મળે ત્યાં સુધી આ પદની જવાબદારી સંભાળશે.
વી નારાયણન રોકેટ અને અવકાશયાન પ્રોપલ્શનમાં લગભગ ચાર દાયકાનો અનુભવ ધરાવતા પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક છે. તે રોકેટ અને સ્પેસક્રાફ્ટ પ્રોપલ્શન એક્સપર્ટ છે. વી નારાયણન ૧૯૮૪ માં ઇસરોમાં જોડાયા હતા અને લિકવિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટરના નિયામક બનતા પહેલા વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતા. પ્રારંભિક તબક્કા દરમિયાન, તેમણે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ખાતે સાઉંન્ડીન્ગ રોકેટ અને ઓગમેન્ટેડ સેટેલાઇટ લોંચ વ્હીકલ અને ધ્રુવીય સેટેલાઇટ લોંચ વ્હીકલના સોલિડ પ્રોપલ્શનના ક્ષેત્રમાં કામ કર્યું હતું.
વી નારાયણને એબ્લેટીવ નોઝલ સિસ્ટમ, કોમ્પોઝિટ મોટર કેસ અને કોમ્પોઝિટ ઇગ્નીટર કેસના પ્રક્રિયા આયોજન, પ્રક્રિયા નિયંત્રણ અને અમલીકરણમાં યોગદાન આપ્યું હતું. હાલમાં નારાયણન એલપીએસસીના નિયામક છે, જે ઇસરોના મુખ્ય કેન્દ્રોમાંનું એક છે, જેનું મુખ્ય મથક વાલીયામાલા, તિરુવનંતપુરમ ખાતે છે, જેમાં બેંગલુરુમાં એક યુનિટ છે. નારાયણન પાસે ૪૦ વર્ષનો અનુભવ છે. તે રોકેટ અને સ્પેસક્રાફ્ટ ઓપરેશનમાં નિષ્ણાત છે.
ઈસરોના વર્તમાન અધ્યક્ષ એસ. સોમનાથે ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ઈસરોના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ત્રણ વર્ષના કાર્યકાળ બાદ તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. ઈસરોએ તેમના કાર્યકાળ દરમિયાન ઈતિહાસ રચ્યો હતો. ઈસરોએ ચંદ્રયાન-૩ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કર્યું એટલું જ નહીં પરંતુ પૃથ્વીથી ૧૫ લાખ કિમી ઉપર લેગ્રેન્જ પોઈન્ટ પર સૂર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય-એલ૧ને પણ મોકલ્યું.