ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાના ગોહિલની ખાણ ગામના જાગૃત નાગરિક મનુભાઈ પરમારની ગામના પૂર્વ સરપંચ ભીખાભાઈ ગોહિલ સામે ભ્રષ્ટાચાર અંગે તપાસની માંગણી છેલ્લા કેટલાક સમયથી કલેકટર સામે કરી હતી, જે ન સંતોષાઈ હોવાથી આજે મનુભાઈએ પૂર્વે જણાવ્યા મુજબ વેરાવળમાં કલેકટરનાં બંગલા નજીક આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, જેને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.
ગત લોકસભાની ચૂંટણી સમયે તેમણે કલેકટરને પોતાના ગામનાં પૂર્વ સરપંચ ભીખાભાઈ કાળાભાઈ ગોહિલ અને તેમના પત્ની હંસાબેન દ્વારા તેમના સમયમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની લેખિત ફરિયાદ આપી હતી. આમ છતાં આજ દિવસ સુધી કલેકટર દ્વારા કોઈ કાયદેસરના પગલાં ભર્યા ન હોવાનો આક્ષેપ મનુભાઈ કરી રહ્યા છે. મનુભાઈએ આજે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ‘મારી વારંવારની લેખિત મૌખિક ફરિયાદ છતાં કલેકટરે કોઈજ ઠોસ પગલાં અમારા ગામના પૂર્વ સરપંચ સામે ભર્યા નથી. કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા અને ભીખાભાઈ મિત્રો હોવાને નાતે કલેકટર ભીખાભાઈના ૧૫ વર્ષનાં સાશનમાં ગોહિલની ખાણ ગામે આચરેલા લાખોના ભ્રષ્ટાચાર ને છાવરી રહ્યા છે.’ પોતાની યોગ્ય રજુઆત કલેકટર કાને ધરતા ન હોય ના છૂટકે મનુભાઈ પરમારે આજે વેરાવળ ખાતે આત્મવિલોપન નો પ્રયાસ કર્યો હતો.જે પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.જોકે આ ઘટના ને લઈ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ચકચાર મચી છે.