ચૈત્ર સુદ ચતુર્દશી એટલે ભગવાન શ્રી હાટકેશ્વર મહાદેવનો પ્રાગટ્યોત્સવ, સ્કંદપુરાણના નાગર ખંડમાં આ અંગે સવિસ્તર કથા આલેખાઈ છે. શ્રી હાટકેશ્વર પ્રાગટયદિવસની વેરાવળ વડનગરા જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા તા.૧૧ના ઉજવણી થશે. તેમાં સવારે ૧૦.૩૦ વાગ્યે ઈષ્ટદેવ પૂજન, ૧ વાગ્યે રાજભોગ થાળ સાંજે ૩.૩૦ વાગ્યે સાયં આરતી યોજાશે. જયારે પ્રભાસ પાટણમાં સાંજે ૭ વાગ્યે મહાઆરતી યોજાશે. સોમનાથ-પ્રભાસ-પાટણમાં મેઈન બજાર જતા રસ્તે ઠાકોર મંદિર પરિસર પટાંગણમાં આવેલાં પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરના નંદીની વિશિષ્ટતા એ છે કે તેની પ્રતિમાનું મુખ શિવલિંગ તરફ નહીં પરંતુ જમણી બાજુ મુખ નીચે વળેલી હાલતમાં છે. આમ કેમ છે તેનો કોઈ ઈતિહાસ તો મળતો નથી પરંતુ સૌ પોતાના ભાવ મુજબ અનુમાન કરે છે. કેટલાક કહે છે કે નંદી પરિવારમાં જેમ સ્નેહથી કોઈ સભ્ય રીસાય તેમ રીસાયેલ છે.