આઇપીએલ ૨૦૨૫ ની ૪૭મી મેચમાં, રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સને ૮ વિકેટે હરાવ્યું. આ મેચમાં રાજસ્થાન રોયલ્સ માટે વૈભવ સૂર્યવંશીએ ઐતિહાસિક સદી ફટકારી. ૧૪ વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ૩૫ બોલમાં પોતાની સદી પૂરી કરી અને હવે તે આઇપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ મેચમાં વૈભવ ૩૮ બોલમાં ૧૦૧ રન બનાવીને આઉટ થયો હતો. તેની ઇનિંગ જાયા પછી, બિહાર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રાકેશ તિવારીએ તેની ખૂબ પ્રશંસા કરી છે.
મેચ પછી, રાજસ્થાન રોયલ્સના ચેરમેન સાથે મેચ જાવા માટે સ્ટેડિયમમાં હાજર રહેલા બીસીએ પ્રમુખ રાકેશ તિવારીએ વૈભવની ઇનિંગ વિશે મોટું નિવેદન આપ્યું. રાકેશ તિવારીએ કહ્યું કે વૈભવે ફરી એકવાર બિહાર અને સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. માત્ર ૧૪ વર્ષની ઉંમરે આઇપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી ભારતીય સદી ફટકારવી એ ખરેખર અસાધારણ સિદ્ધિ છે. તેમની નિર્ભયતા, મહાન કુશળતા અને તેમની ઉંમર કરતાં વધુ પરિપક્વતા યુવાનો માટે પ્રેરણારૂપ છે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ હંમેશા માનતા હતા કે વૈભવ એક મહાન ખેલાડી બનશે અને આજે તેમણે તે દિશામાં વધુ એક મોટું પગલું ભર્યું છે. આ તો ફક્ત એક અસાધારણ યાત્રાની શરૂઆત છે.
આઇપીએલ ૨૦૨૫ પહેલા યોજાયેલી મેગા હરાજીમાં વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સ દ્વારા ૧.૧ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.આઇપીએલમાં રમતા પહેલા, વૈભવે જાન્યુઆરી ૨૦૨૪ માં બિહાર માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે સપ્ટેમ્બરમાં ભારત યુ૧૯ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ૧૯ યુથ ટેસ્ટ શ્રેણી દરમિયાન સદી ફટકારીને બધાનું ધ્યાન ખેંચ્યું. હવે તે આઇપીએલમાં પોતાના બેટથી ચમકી રહ્યો છે. મેચની વાત કરીએ તો, ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાનને જીતવા માટે ૨૧૦ રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે રાજસ્થાન રોયલ્સે ૨૫ બોલ અને ૮ વિકેટ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલે રાજસ્થાનને ઝડપી શરૂઆત અપાવી હતી અને પ્રથમ વિકેટ માટે ૧૬૬ રન જાડ્યા હતા. આ ભાગીદારી પ્રસિદ્ધ કૃષ્ણાએ તોડી, તેણે સદી બનાવનાર વૈભવને આઉટ કર્યો. આ મેચમાં વૈભવ ઉપરાંત યશસ્વી જયસ્વાલે પણ શાનદાર બેટિંગ કરી હતી. તે ૪૦ બોલમાં ૭૦ રન બનાવીને અણનમ પાછો ફર્યો.