ગયા અંકથી મનોજકુમારની વાત આપણે કરી રહ્યા છીએ. તેમની સંગીતની સૂજ અદ્‌ભુત હતી. તેમનાં ગીતો ‘લગ જા ગલે’, ‘એક પ્યાર કા નગ્મા’, ‘મૈં ના ભૂલુંગા’ની ‘સમય કી ધારા’ વાળી કડી, ‘ઝિંદગી કી ના ટૂટે લડી’, ‘પાની રે પાની’ આ બધા પ્રેમ અને તત્વચિંતનનાં ગીતો છે, તો ‘મેરે દેશ કી ધરતી’, ‘હૈ પ્રીત જહાં કી રીત સદા’, ‘દુલ્હન ચલી, હો પહન ચલી તીન રંગ કી ચોલી’, ‘અબ કે બરસ તૂઝે ધરતી કી રાની કર દેંગે’ આ બધાં દેશભક્તિથી છલોછલ ગીતો છે. ‘કસ્મે વાદે પ્યાર વફા’, ‘ઔર નહીં બસ ઔર નહીં’, ‘મૈં તો એક ખ્વાબ હૂં’, ‘લાખોં તારે આસમાન મેં’, ‘દીવાનોં સે મત પૂછો’, આ બધાં પ્રેમભગ્નતાના, પીડાનાં ગીતો છે. તો ‘જીવન ચલને કા નામ’, ‘લુઇ શમાશા લુઇ’ (તેની કડી- ઉઠ કર ગીરના, ગિર કર ઉઠના, જીવન કી રીત પુરાની હૈ, ચટ્ટાનો સે ટકરાને કી હમને જીવન મેં ઠાની હૈ, પર્વત કો ધૂલ બના દેંગે, સાગર કો બૂંદ બના દેંગે, જાગી આશા ઉઈ) જીવન જીવવાનું અને સફળ બનવા માટે જોશ જગવતાં ગીતો છે. અને ‘હાય હાય યે મજબૂરી’, ‘જાન એ ચમન ગોરા બદન’, ‘તૌબા યે મતવાલી ચાલ’, ‘મહેબૂબ મેરે તૂ હૈ તો દુનિયા કિતની હસીં હૈ’ જેવાં ગીતો સુંદરતા અને કામુકતાને પ્રદર્શિત કરનારાં છે.
‘વો કૌન થી’ ફિલ્મ તો મનોજકુમારની નહોતી તો પછી ‘લગ જા ગલે’ ગીત માટે મનોજકુમારને શ્રેય કેમ ? કારણ એ કે આ ગીત રાજ ખોસલાને પસંદ નહોતું પડ્‌યું. મનોજકુમારે રાજ ખોસલાને ગીત માટે મનાવ્યા હતા. તે સમયે ગીતો પાછળ બહુ મહેનત થતી. આવું એક ગીત ‘કસ્મે વાદે પ્યાર વફા.’ આ ગીત કેવી રીતે બન્યું હતું, ખબર છે? પોતાના એક મિત્ર સાથે તેની પ્રેમિકાએ દગો કરી લગ્ન કરી લેતાં આણંદજીએ ઈન્દીવરને પ્રેમિકાના લગ્નમાંથી પાછા ફરતાં કહેલું- કસ્મે વાદે પ્યાર વફા સબ બેકાર હૈ. પછી સ્મશાન આવતાં કહેલું કે પોતાના જ પોતાના માણસોને આગ લગાડે છે. તે પરથી ઈન્દીવરજીએ લખ્યું – તેરા અપના ખૂન હી આખિર તુઝ કો આગ લગાયેગા.
‘મેરે દેશ કી ધરતી’ ગીતમાં બળદના ગળામાં રહેલા ઘૂઘરા, પક્ષીઓ ઊડતા હોય ત્યારનો તેમનો કલબલાટ, પાણીનો અવાજ બધું આવ્યું. આ ગીતનું રેકાર્ડિંગ સવારે નવ વાગ્યે શરૂ થયું હતું અને છેક રાતના બે વાગ્યા સુધી ચાલ્યું. આવી મહેનત અને સમર્પણ હોય ત્યારે બને આવું અમર ગીત.
તમે માર્ક કરજો કે તે ગીતમાં બે કડી વચ્ચેના સંગીતમાં મનોજકુમારનો ભાઈ પ્રેમ ચોપડા શહેરમાં ક્લબોમાં વિલાસ કરતો હોય છે તો પાશ્ચાત્ય સંગીત આવે છે. તેને કઈ રીતે ગામડાના સંગીત સાથે જોડ્‌યું છે તે ચમત્કાર છે કલ્યાણજી-આણંદજીનો.
‘મૈં ના ભૂલુંગા’માં ‘મૈં ના ભૂલુંગા, મૈં ના ભૂલુંગી’ એ સાત વાર આવે છે. આજે કોઈ હોય તો મજાક ઉડાવે. આ શું મૈં ના ભૂલુંગા, મૈં ના ભૂલુંગી, મૈં ના ભૂલુંગા, મૈં ના ભૂલુંગી ? પણ એ દરેક વખતે જુદી રીતે ગવાય છે અને ગમે તેવું છે. તેમાં વાંસળીની કમાલ છે. ગાયક મૂકેશ-લતા પાસે પણ મહેનત કરાવડાવી છે. દા.ત. પહેલી કડીમાં ખયાલો મેં ઝૂલેમાંથી લે પરથી ‘લે’ લતા મંગેશકર ઉપાડે છે- અને પછી ગાય છે – બહારો મેં ડોલે. આવું બીજી કડીમાં પણ થાય છે. ત્રીજી કડીમાં તો વધુ ચમત્કાર કર્યો છે એ બંનેએ. મૂકેશજીએ ‘ગગન બન કર ઝૂમે’ હજુ તો પૂરું ન ગાયું હોય અને ‘કર’ પર પહોંચ્યા હોય ત્યાં લતાજી ગાય, ‘પવન બન કર ઘૂમે’ અને એમાં ‘કર’ આવે ત્યાં મૂકેશજી ગાય, ‘ચલો રાહેં મોડે’.
લ. પ્યા.નાં ઘણાં ગીતોમાં ડિંગ ડોંગ શબ્દો આવ્યા. (કયા-કયા ગીતો? આ લેખકને ૯૮૯૮૨ ૫૪૯૨૫ પર વાટ્‌સઍપ કરજો.) પરંતુ સૌથી પહેલાં આ શબ્દો ક્યા ગીતમાં આવ્યા? મનોજકુમારની ‘રોટી કપડા ઔર મકાન’માં. ‘હાય હાય યે મજબૂરી’માં ‘પ્રેમ કા ઐસા બંધન હૈ’ એ બીજી કડી પછી લતાજી ગાય છે – ‘અરે ડિંગ ડાંગ ડિંગ ડંગ’.
લ. પ્યા. સંગીતના જાદુગર હતા તો મનોજકુમાર પણ સંગીતના પારખું. તેથી ‘શોર’ના ‘પાની રે પાની’માં પાણી ઉડવાનો અવાજ ‘છી છી’ (મોઢું ન મચકોડો, પાણીના છાંટા ઉડે ત્યારે આવો જ નાદ આવે) એવું સંગીત આવે છે તો ‘ક્રાંતિ’માં ‘લુઇ શમાશા લુઇ’ છે તો પ્રેમનું ગીત પણ ક્રાંતિકારીઓની વચ્ચે ગવાય છે. તેથી હથિયારો પણ સજ્જ તો કરતા રહેવા પડે. તેથી તેમાં આગની ભઠ્ઠી પર પંખો ચલાવવાનો અવાજ પણ છે. ‘ક્રાંતિ’ના ‘ચના ઝોર ગરમ’માં રફીજીએ પણ ફાંસીનું દોરડું ગળામાં હોય ત્યારે જેવો અવાજ નીકળે તેવો અવાજ કાઢીને શું ચમત્કાર સર્જ્યો છે ! આવું ત્યારે બને કે જ્યારે નિર્દેશક મનોજકુમારે કઈ પરિસ્થિતિમાં ગીતને ફિલ્માવાશે તે વિચારી લીધું હોય અને સંગીતકાર-ગાયકને તેનાથી સંપૂર્ણ જ્ઞાત કર્યા હોય.
જાવેદ અખ્તરે એક સંગીત શામાં અનુ મલિકની પ્રશંસાના બહાને પોતાની પ્રશંસા કરી લીધી હતી કે ‘સંદેશે આતે હૈ’માં છેલ્લી સુદીર્ઘ કડીમાં મીટર નથી. અનુ મલિક તોય તેને મુખડા સાથે સરસ રીતે લઈ આવ્યા. આ ખેલ નવો નહોતો. ‘ક્રાંતિ’માં મનોજકુમારે આવો પ્રયોગ લક્ષ્મીકાંત-પ્યારેલાલ પાસે આૅલરેડી કરાવી લીધો હતો, ‘અબ કે બરસ તૂઝે’ ગીતની છેલ્લી કડીમાં.
તેના શબ્દો સાંભળશો તો રૂંવાડા ઊભા થઈ જશે. લ.પ્યા.એ આટલી લાંબી કડીને કેવી સંગીતબદ્ધ કરી છે ! જુસ્સો ભરી દે તેવી સંતોષ આનંદની પંક્તિઓ છે.
મનોજકુમારે પ્રવાહમાં ચાલવાનું પસંદ નથી કર્યું. એટલે તો તેઓ ગીતકાર સંતોષ આનંદને લઈ આવ્યા. મનોજકુમારના મૃત્યુ પછી સંતોષ આનંદે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે, “મને તેઓ કેમ લઈ આવ્યા? કારણકે બીજા બધા સ્થાપિત ગીતકારો ઉર્દૂના હતા, જ્યારે હું હિન્દી મંચથી આવતો હતો.” અને એટલે જ મનોજકુમારની ફિલ્મોનાં ગીતોમાં ‘અગર’ના બદલે ‘યદિ’, ‘જાનુ’ના બદલે ‘પ્રિયે’, ‘દિલ’ના બદલે ‘હૃદય’, ‘હિફાઝત’ના બદલે ‘રક્ષા’, ‘બદન’ના બદલે ‘કાયા’, ‘રાહ’ના બદલે ‘પથ’ શબ્દો આવે છે. (પથ શબ્દવાળું ગીત યાદ આવે તો આ વાટ્‌સઍપ કરજો). ‘દસ નંબરી’માં મઝરુહ સુલ્તાનપુરી જેમણે ‘આજા આજા મૈં હૂં પ્યાર તેરા’માં ‘અલ્લાહ અલ્લાહ’ શબ્દો ઘૂસાડ્‌યા હતા તેમણે ‘મુઝે ભૂખ નહીં લગતી’ ગીત લખ્યું જેમાં હિન્દુ યુવક ખ્રિસ્તી યુવતીને કહે છે – તો હરિ નામ જાપ કે ગંગા જલ પી લેના, યદિ ફિર ભી ના મિલે તુઝે આરામ, તો રક્ષા કરે તેરી સિયારામ.
તેમનાં ગીતોનું ફિલ્માંકન પણ અદ્‌ભુત હોય. ‘એક પ્યાર કા નગ્મા હૈ’ની બીજી કડીના અંતે ઝાડ પાછળથી નંદાને બે હાથ ફેલાવીને બતાવાયાં છે. આવું જ સુભાષ ઘઈએ ‘તાલ’ના ‘દિલ યે બેચૈન હૈ’ ગીતમાં ઐશ્વર્યાને ઝૂંપડીના થાંભલા પાછળ બતાવીને કર્યું હતું. ‘મૈં ના ભૂલુંગા’માં અને ‘એક પ્યાર કા નગ્મા હૈ’માં કાચની અસર જોજો-હીરો-હિરોઇન બબ્બે દેખાય. અત્યારે બધું સરળ છે, પરંતુ ત્યારે એ કેટલું કઠિન રહ્યું હશે તે કલ્પના કરી શકો છો? ‘લુઇ શમાશા લુઇ’માં જ્યારે હેમામાલિની ગાય છે કે ‘રિશ્તોં કી મહેંદી લે આઓ’ ત્યારે તેની આગળ કંકુવાળી હથેળીઓનું ચિત્ર આવી જાય છે.
દેશભક્ત હોવાથી તેઓ સુંદરતાના વિરોધી નહોતા. સુંદરતા વગર ફિલ્મ કેવી રીતે ચાલે? એટલે ‘પાની રે પાની’ જેવા ગંભીર ગીતમાંય એક ભરાવદાર શરીરવાળી માદક મજૂરણને પાણીમાં ભીંજાયેલી દેખાડી છે, તો હેમામાલિની પાસે કદાચ કોઈ અંગપ્રદર્શન નથી કરાવી શક્યા, થોડુંઘણું કરાવ્યું તે મનોજકુમારે ‘ઝિંદગી કી ના ટૂટે લડી’માં. ‘હાય હાય યે મજબૂરી’માં કેમેરો ઝીન્નતના ઊંચા રાખેલા હાથની આંગળીઓથી નીચે સરકીને મોઢા પર કેવો જાય છે? આ શું ફાટોગ્રાફીનો જાદુ નથી? અને એ ગીતમાં વરસાદમાં ધાર્યું હોત તો મનોજકુમાર ઝીન્નત પાસે અંગપ્રદર્શન કરાવી શકત. ઝીન્નતને તેનો કોઈ છોછ નહોતો, પરંતુ તેમણે એવું કરવાની લાલચ ટાળી છે. ‘એક પ્યાર કા નગ્મા’ ગીતમાં નંદા સાડીમાં જ છે, પરંતુ કેટલા સુંદર છતાં શાલીન લાગે છે ! હા, ‘૮૦ના દાયકાની અસર પડી એટલે ‘ક્રાંતિ’માં પરવીન બાબી પાસે ‘મારા ઠુમકા’ ગીતમાં અંગપ્રદર્શન કરાવ્યું છે.
મનોજકુમાર કેમેરાનો ઉપયોગ નાટકીય અસર ઊભી કરવા કરતા. ટ્રાલી પર સરકી કેમેરા દૂરથી ધીમેધીમે મોઢા પર જાય, ‘પાની રે પાની’ ગીતમાં ‘સો સાલ જીને કી ઉમ્મીદો જૈસા’ એવું મનોજકુમાર ગાય એટલે દૂરથી કેમેરા એક હટ્ટાકટ્ટા વૃદ્ધા તરફ જાય છે. આ ચમત્કાર જોજો. ‘ક્રાંતિ’માં અસલી રાજકુમારી હેમા માલિનીની જગ્યાએ ઘૂસી ગયેલી ક્રાંતિકારી પરવીન બાબીના ક્રાંતિકારી પિતા અંગ્રેજોની ગોળીના શિકાર બને છે ત્યારે તે કેવી રીતે તેના ચરણસ્પર્શ કરે છે તે દૃશ્ય જોજો.
લીલા ચશ્માધારી રહીને ભગવી ઇકા સિસ્ટમની મલાઇ ખનારાઓને મનોજકુમાર હિન્દુવાદી નથી લાગતા પરંતુ મનોજકુમારે ભગવા રંગનો તેમની દરેક ફિલ્મમાં છૂટથી ઉપયોગ કર્યો છે (‘ક્રાંતિ’માં ખાસ) અને તે પણ નકારાત્મકતા દેખાડવા નહીં. ખલનાયકોને ભગવા રંગની શાલ કે વસ્ત્રો તેમણે નથી પહેરાવ્યા.
‘અબ કે બરસ તુઝે ધરતી કી રાની કર દેંગે’ ગીતમાં ભારત માતાની મૂર્તિ છે અને ભગવો ધ્વજ પણ છે. મનોજકુમારનો સાફો પણ કેસરિયો છે. પ્રેમ ચોપડા કહે છે – યે મૂર્તિ દેવી કી નહીં, ભારત માતા કી હૈ. ‘મેરે દેશ કી ધરતી’માં ખેતરની વચ્ચે મંદિર બતાવે છે ત્યારે તેમાં મોટા અક્ષરે ‘ૐ’ લખેલું ક્લાઝ અપમાં બતાવાય છે.
આ ગીતમાં ગાંધીજીનું નામ લેવું પડે એટલે લીધું પરંતુ તેમણે બોદી ગાંધીવાદી લડાઈની વાતો નથી બતાવી. ‘ચના ઝોર ગરમ’ની એક કડીમાં કહે છે- ‘યહ મેરા હૈ મેરા હૈ વતન, ઇસ પર જો આંખ ઉઠાયેગા, ઝિંદા દફનાયા જાયેગા.’ ‘દિલવાલે તેરા નામ ક્યા હૈ, નામ ક્યા હૈ તેરા પૈગામ ક્યા હૈ’ ગીતના શબ્દો જુઓ- ‘એક હી મીટ્ટી એક હી પૂજા, ઇસ કે સિવા ના ભાયે દૂજા, દિલવાલે દિલવાલે તેરા રામ ક્યા હૈ, તેરા ઘનશ્યામ ક્યા હૈ- ક્રાંતિ, ક્રાંતિ’. ‘ઝિંદગી કી ના ટૂટે લડ઼ી’ પ્રેમનું પણ ગીત છે અને દેશભક્તિનું પણ. તેમાં આ પંક્તિ જુઓ – ‘ઉન આઁખોં કા હઁસના ભી ક્યા, જિન આઁખોં મેં પાની ના હો, વો જવાની જવાની નહીં, જિસ કી કોઈ કહાની ન હો, આંસૂ હૈ ખુશી કી લડ઼ી’.
જે જમાનામાં સુભાષચંદ્ર બોઝનું નામ લેવું એ સૂગ હતી (આજે પણ લીલા ચશ્માધારીઓને તો છે જ) તે વખતે ‘મેરે દેશ કી ધરતી’માં મનોજકુમારે બે વિરોધીઓનાં નામ એક સાથે મૂકી દીધાં ! ગાંધી-સુભાષ. પછી ટાગોર તિલક આવે છે. પછી ભગતસિંહ અને છેલ્લે જવાહર આવે છે. તમે કોઈ ગીતમાં લોકમાન્ય તિલકનું નામ પણ નહીં સાંભળ્યું હોય.
‘યાદગાર’ તેમની ફિલ્મ નિર્દેશક કે નિર્માતા તરીકે નહોતી પરંતુ તેમાં ‘એક તારા બોલે’ ગીતમાં આજના જમાનાની વાત ૧૯૭૦માં કરી હતી. પરિવાર નિયોજનની વાત હવામાં રહી ગઈ અને ઘણાએ દસ-દસ સંતાનો કર્યાં, છોકરી જેવા લાગતા છોકરા, છોકરીઓ ફેશનના નામે તંગ ચોળી પહેરે, અને મંદિરના બદલે ક્લબમાં, ભજનના બદલે ફિલ્મી ગીત ગાય તેના પર જોરદાર કટાક્ષ હતો.
રાજ કપૂર-દિલીપકુમાર-દેવ આનંદ અને તે પછી રાજેશ ખન્ના-અમિતાભના કહેવાતા યુગમાં પણ મનોજકુમાર સફળ રહ્યા. તેમની ‘પૂરબ ઔર પશ્ચિમ’એ ૧૯૬૯માં યુકેમાં સર્વાધિક કમાણીનો રેકાર્ડ કર્યો હતો જે છેક ૧૯૯૪માં સૂરજ બડજાત્યાની ‘હમ આપ કે હૈ કૌન’એ તોડ્‌યો. વિચાર કરો !
‘ક્રાંતિ’ સલીમ-જાવેદ લખી હતી પરંતુ એક અભિનેતા ઉપરાંત મનોજકુમાર સારા લેખક, ગીતકાર, સંપાદક (એડિટર) પણ હતા. તેમણે તેને મઠારી હતી. (મનોજકુમારના કારણે એ ફિલ્મમાં દિલીપકુમારનું નામ સાંગા હતું. અને આજે સપા સાંસદ મહારાણા સાંગાને ગદ્દાર કહે છે) મનોજકુમારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સલીમ-જાવેદ (જેમણે પાસ્ટર પર લેખકોને ક્રેડિટ મળે તે માટે પોતાની જાહેરાત છપાવડાવી અને તે પછી ક્રેડિટ મળતી થઈ)ને ‘ક્રાંતિ’માં ક્રેડિટ નહોતી જોઈતી પરંતુ મેં તેમને આપી. ભલભલા લોકો શાહરુખ ખાન સામે વાંધા હોવા છતાં તેની સામે પડી શક્યા નથી. મનોજકુમાર એક માત્ર ભડવીર કલાકાર હતા જેમણે તેને પદાર્થ પાઠ નહીં, બરાબર મેથી પાક કાયદાકીય રીતે આપ્યો હતો!
‘ઓમ્‌ શાંતિ ઓમ’માં ફરાહ ખાનના નિર્દેશનમાં શાહરુખ ખાને મનોજકુમારની ખરાબ મજાક ઉડાવી તે પહેલાં સાજિદ ખાને ટીવી શા ‘કહને મેં ક્યા હર્ઝ હૈ’માં મનોજકુમારના હેમરિંગ સીનની મજાક ઉડાવી હતી. જોકે મનોજકુમાર પાછળથી આૅવરઍક્ટિંગ કરવા લાગેલા. પરંતુ આૅવરઍક્ટિંગ કયા કલાકારે નથી કરી? શું દિલીપકુમારે ‘એ ભાઈ..એ ભાઈ’વાળા ‘મશાલ’ના દૃશ્યમાં નથી કરી? તો તેમની મજાક કેમ નહીં? ‘ઓમ્‌ શાંતિ ઓમ’ માટે શાહરુખ ખાન સામે મનોજકુમારે કેસ કર્યો હતો અને કેસમાં સફળતા મેળવી હતી. શાહરુખને ઇ-મેઇલ દ્વારા લેખિતમાં ક્ષમા માગવી પડી હતી. તે પણ બબ્બે વાર !
અને મનોજકુમારે તો એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે શાહરુખ આ દેશના કાયદાને, બંધારણને માનતો નથી (કારણકે તેણે એક વાર કાર્ટને ખાતરી આપી હતી કે તે ફિલ્મમાંથી આ દૃશ્ય કાઢી નાખશે તોય છ વર્ષ પછી તેણે જાપાનમાં અનએડિટેડ ફિલ્મ રિલીઝ કરી હતી), તે આ દેશનો નાગરિક કેવી રીતે હોઈ શકે ! તેના કેવા સંસ્કાર છે ! કાર્ટ કા દરવાઝા ન ખટખટાઉં તો ક્યા ડોન કા દરવાઝા ખટખટાઉં? ઉન્હોં ને કેવલ મનોજકુમાર પે એટેક નહીં કિયા, ઇસ દેશ કી સંસ્કૃતિ, ઇસ દેશ કે કાનૂન, ઇસ કે સંવિધાન કા મઝાક ઉડાયા હૈ, ખિલ્લી ઉડાઈ હૈ. ઔર એસી ખિલ્લી ઉડાને વાલો કો મેરે મુંહ સે ગલત બાત નિકલ જાયે તો ક્ષમા (માફી શબ્દનો ઉપયોગ નથી કરતા) કરિએગા, ફાંસી કે ફંદે ભી કમ હૈ.
આવા હતા મનોજકુમાર.(સમાપ્ત)
jaywant.pandya@gmail.com

આભાર – નિહારીકા રવિયા