વ્યવહેવાર શબ્દ માનવ જીવનમાં વ્યક્તિના સામાજિક સબંધોની પારાશીશી છે. માનવ એ સામાજિક પ્રાણી ગણાય છે. કારણ કે કોઈપણ વ્યક્તિ કોઈ ને કોઈ એવા સામાજિક જૂથ કે સમુદાયનો હિસ્સો હોય છે જ્યાં તે વહેવારથી જોડાયેલ હોય છે. આ વહેવાર એટલે નાના મોટા પ્રસંગોમાં હાજરીથી માંડીને જમણવાર અને અરસપરસ આર્થિક યોગદાન સ્વરૂપે સ્વૈચ્છિક સ્વીકારેલ વ્યવસ્થા હોય છે. મોટા ભાગે સગાઈ, લગ્નથી જોડાઈને સગા સંબંધી બનવા જેવા જ્ઞાતિના વહેવારો જે તે જ્ઞાતિ પૂરતા સીમિત હોય છે. આ વ્યવસ્થાઓ વર્ષોથી પેઢી દર પેઢી ચાલી આવતી હોય છે. કાળક્રમે તેમાં પરિવર્તનો આવતા હોય છે. જન્મથી લઈને મૃત્યુ સુધીના સારા મોળા પ્રસંગોમાં વ્યક્તિના અન્ય વ્યક્તિ સાથેના વહેવારો બંધાયેલ હોય છે. આ વહેવાર સાચવવા વ્યક્તિ નૈતિક પ્રયત્નો કરતો હોય છે. પોતાની ફરજ સમજીને વહેવાર સાચવતા હોય છે. એમ કરતાં કરતાં ક્યારેક વ્યક્તિના વહેવારો ખૂબ વધી જાય અને એકસાથે ઘણી બધી જગ્યાએ પહોંચી ન શકે ત્યારે વહેવારો રામભરોસે મુકાય જાય છે. ક્યાંક જવાય, ક્યાંક ના જવાય, ક્યાંક માત્ર કહેવા પૂરતી હાજરી અપાય, ક્યાંક મોડું પહોંચાય આવું બધું થવા માંડે ત્યારે વ્યક્તિના વહેવાર ઓટોમેટિક ઓછા થવા માંડે છે. જેમ એકલતા માણસને કોરી ખાય છે તેમ અતિશય વધુ પડતાં જાજા વહેવાર પણ માણસ માટે માથાના દુઃખાવા સમાન સાબિત થાય છે. કારણ કે વ્યવહાર સાચવવાની દોડધામમાં વ્યક્તિ પોતાનામાં ધ્યાન આપી શકતી નથી. ખુદની અંગત ખુશી, ઘરના સભ્યોની કાળજી વગેરે મુદ્દાઓ વધુ પડતાં વહેવારમાં ભુલાતા જાય ત્યારે વ્યક્તિ નહિ ઘરનો કે નહિ ઘાટનો જેવી પરિસ્થિતિ સર્જાય છે. ગજા બહારનું બધું સાચવી શકાતું નથી પરિણામે અનિયમિતતા વધે છે અને તેના લીધે ટીકાઓ પણ થવા લાગે છે. પરિણામે ના બહાર પૂરતો ન્યાય આપી શકે કે ના ઘરે પૂરતો સમય આપી શકે. આવું થાય ત્યારે માણસ કંટાળીને કહે છે કે હવે બહુ ધોડા કરવા નથી, થાકી ગયા. જ્યારે વ્યક્તિના મુખે આવા શબ્દો નીકળવા માંડે ત્યારે સમજી જવું કે માણસને જરૂર કરતા વધુ વહેવાર બંધાઈ ગયા છે. અને વ્યવહાર એક વ્યવસ્થાને બદલે અવ્યવસ્થામાં બદલાઈ જાય છે. વહેવારમાં પણ ઘણા પ્રકાર હોય છે. એક જ પ્રસંગમાં એકસાથે હાજર રહેલા હજારો માણસોના જે તે વ્યક્તિ સાથેના વ્યવહાર જુદા જુદા હોય છે. કોઈની તન, મન અને ધન સાથેની ચોવીસ કલાકની સહ પરિવાર હાજરી હોય છે તો કોઈની માત્ર રસમ પૂરતી હાજરી હોય છે. તો કોઈની માત્ર જમવા પૂરતી હાજરી હોય છે. કોઈનો નાનો વહેવાર હોય તો કોઈનો મોટો વહેવાર હોય છે. કોઈની સાથે માત્ર કહેવા પૂરતો કે નિભાવવા પૂરતો વહેવાર હોય છે તો કોઈની સાથે હૃદયનો વહેવાર હોય છે. વ્યવહારમાં પણ મોટે ભાગે ગણિત હોય છે. કેટલાક વ્યવહાર કાયમી હોય છે. જે મોટે ભાગે કુટુંબ કબીલા કે સગા સંબંધી અને મિત્રો સાથેના હોય છે. કેટલાક વહેવારો પરિસ્થિતિજન્ય હોય છે. જે મોટા ભાગે ધંધા નોકરીના સ્થળના હોય છે. સાથે કામ કરતા હોય ત્યાં સુધી આવરોજાવરો હોય પણ છૂટા પડ્યા પછી ધીમે ધીમે લગાવ ઘટતો જાય છે. આવા જૂના વહેવારના સ્થાને નવી જગ્યાના નવા વ્યવહાર બાંધતા હોય છે. આ બધાથી પર બાળપણના મિત્રોના વહેવાર હોય છે. જે વચ્ચે અમુક સમયગાળા પૂરતા જુદા પડી ગયા હોય છતાં જ્યારે મળે છે ત્યારે બંને પક્ષે ખૂબ આનંદ થાય છે.
અમુક વહેવારમાં સ્વાર્થ હોય છે જે સારા સમયમાં ફૂલેફાલે છે અને ખરાબ સમયમાં સુકાઈ જાય છે. જ્યારે અમુક વહેવાર નિઃસ્વાર્થ ભાવે નિભાવતા હોય છે. ક્યારેક ધારેલા લોકો કરતાં અણધારેલા લોકો અણધારી પરિસ્થિતિમાં અણધારેલા વહેવાર નિભાવી જતા હોય છે. જેને વળતા વહેવારની કોઈ અપેક્ષા જ હોતી નથી. જેને આપણે રામભરોસે તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને કોઈ ધાર્મિક કાર્યક્રમોમાં ઘણી મોટી રકમના દાન આવા રામભરોસે લખાવનાર વ્યક્તિ વહેવાર નહિ પણ ખરા અર્થમાં સેવા કરનાર હોય છે. અને મોટા ભાગના દાન નામથી લખાયેલ હોય છે તે પણ એક જાતનો વહેવાર હોય છે કેમકે વહેવારમાં વળતરની અપેક્ષા હોય છે. આમ છતાં પણ વહેવારમાં વ્યવસ્થિત રીતે ચાલનાર વ્યક્તિની સમાજમાં ઈજ્જત આબરૂ અને છાપ સારી હોય છે. આમ માણસ માણસ વચ્ચેના સંબંધોને જાળવી રાખનાર વહેવાર એક સુંદર સામાજિક વ્યવસ્થા છે.