અમરેલી જિલ્લામાં વ્યાજખોરી સામે પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ધારીના ઝર ગામના ખેડૂત જયસુખભાઈ સોલંકીને તેમની ૧૮ વિઘા જમીન પરત અપાવવામાં સફળતા મળી છે. વર્ષ ૨૦૨૦માં જયસુખભાઈએ ખેતીના કામ માટે ડા. મેથીલ ફળદુ પાસેથી ૩ ટકા વ્યાજે ૫૦ લાખ રૂપિયા લીધા હતા. આરોપી ડાક્ટરે પૈસાની તાત્કાલિક ઉઘરાણી શરૂ કરી હતી. પૈસા ન મળતા બળજબરીથી જયસુખભાઈ અને તેમના ભાઈની કુલ ૧૮ વિઘા જમીન પોતાના નામે કરાવી લીધી હતી. પરિવારે મજબૂરીમાં ગામ છોડી ફળ અને શાકભાજીનો વ્યવસાય શરૂ કર્યો હતો. થોડા સમય પહેલા જયસુખભાઈએ અમરેલી એસપી સંજય ખરાતને રજૂઆત કરી હતી. એસપીએ તાત્કાલિક અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગુજરાત નાણા ધીર ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો. પોલીસની મધ્યસ્થીથી આરોપીના પિતાએ જમીન પરત કરવા સંમતિ આપી હતી.