સામાન્ય રીતે વ્હેલ માછલીની ઉલટી એટલે કોઈ પણ વ્યક્તિ સહજતાથી લેતો હોય છે. પરંતુ વ્હેલ માછલીની ઉલટીની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો છે. વ્હેલ માછલીની ઉલટીને અંગ્રેજીમાં એમ્બરગ્રીસ કહેવામાં આવે છે. જેનો ઉપયોગ ખાસ ચિજા બનાવવામાં થાય છે. જાણો કેટલા કરોડની એમ્બરગ્રીસ ઝડપાઇ અને તેનો ઉપયોગ ક્યાં થાય છે.
ભાવનગર જિલ્લામાંથી અનેક વખત વ્હેલ માછલીની ઉલટીનો પદાર્થ એમ્બરગ્રીસ ઝડપાતો આવ્યો છે. ત્યારે ભાવનગરની એસઓજી પોલીસે મળેલી બાતમીને પગલે કરોડોની કિંમતની એમ્બરગ્રીસ ઝડપી લીધી છે. એક શખ્સ એમ્બરગ્રીસ સાથે ઝડપાયા બાદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં પોલીસે બાતમીને પગલે વ્હેલ માછલીની ઉલ્ટીના વેચાણ કરવાના ઇરાદે બહાર નીકળેલા અનેક શખ્સોને ઝડપી લીધેલા છે. ત્યારે ભાવનગર પોલીસે બાતમીને પગલે શહેરના શિવાજી સર્કલથી મંત્રેશ કોમ્પ્લેક્ષ સર્કલ જવાના માર્ગ ઉપર આવેલ યોગી સ્મૃતિ કોમ્પ્લેક્ષ નીચે ઉભેલા શખ્સને એમ્બરગ્રીસ સાથે ઝડપી લીધો હતો.એસઓજી પોલીસે ધોરણસર ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર એસઓજી પોલીસે યોગી સ્મૃતિ કોમ્પ્લેક્ષ નીચેથી રસ્તા પર ઉભેલા શખ્સ અમરુભાઈ સેલારભાઈ દેસાઈને બાતમીને પગલે પૂછપરછ અને બાદ તેની પાસે રહેલી ચિજાની તપાસ કરતા એમ્બરગ્રીસ ૧.૧૬૫ કિલો મળી આવી હતી. ભાવનગર જિલ્લાના ખડસલીયા ગામમાં આહીર શેરીમાં રહેતા અમરુભાઈ ૩૨ વર્ષીય અને ડ્રાઇવિંગ વ્યવસાય કરતા હોવાથી જેને ઝડપી લેવામાં આવ્યો હતો. છુપી રીતે અમરુભાઈ એમ્બરગ્રીસ વેચાણ કરવાના ઇરાદે નીકળ્યા હોવાની માહિતી મળી છે.
ભાવનગર એસઓજી પોલીસ યાદી પ્રમાણે વ્હેલ માછલીના આંતરડામાં બનતો મીણ જેવો પદાર્થ જેનો ઉપયોગ ખાસ કરીને અત્તર બનાવવામાં અને ચાઈનીઝ દવાઓ બનાવવામાં થાય છે. એસઓજી પોલીસે અમરુભાઈ પાસેથી ઝડપેલી ૧ કિલોને ૧૬૫ ગ્રામ એમ્બરગ્રીસની બજાર કિંમત ૧,૧૬,૫૦,૦૦૦ થવા જાય છે. હાલ પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે