ભોજપુરી લોક ગાયિકા શારદા સિંહાનું ૭૨ વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના દીકરા અંશુમન સિંહાએ તેમની તસવીર શેર કરીને આ સમાચાર જણાવ્યા હતા. શારદા સિંહાના નિધનના સમાચારથી દરેક વ્યક્તિ દુઃખી છે. તેમણે પોતાના અવાજ અને ગીતોથી શ્રોતાઓમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું.
શારદા સિંહાના નિધનના સમાચાર સાંભળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મોટી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો હતો અને તેને અપુરતી ખોટ ગણાવી હતી. શારદા સિંહાના નિધન પર બોલતા, તેમના દીકરા અંશુમન સિંહાએ કહ્યું, ‘આ અમારા માટે ખૂબ જ દુઃખદ સમય છે. તે અમારા બધાના હૃદયની ખૂબ નજીક હતાં. તેમના અવાજ અને ગાયકીએ બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને તેમની અચાનક ખોટ દરેક માટે એક મોટો આઘાત છે. મને ખાતરી છે કે, તેમના તમામ ફેન્સ મારી જેમ જ દુઃખી હશે. તેમનો મમતાભર્યો સ્વભાવ તેમના ગીતો અને વ્યક્તિત્વમાં સ્પષ્ટપણે દેખાતો હતો.
‘છઠ પૂજાના પહેલા જ દિવસે તેમની વિદાય અમારા માટે એક મોટો આઘાત છે. તેઓ હંમેશા લોકોના હૃદયમાં જીવંત રહેશે.’ તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું, ‘શારદાજીના મૈથિલી અને ભોજપુરી લોકગીતો ઘણા દાયકાઓથી ખૂબ લોકપ્રિય છે. ખાસ કરીને છઠ પર્વને લગતા તેમના ગીતોની ગુંજ હંમેશા યાદ રહેશે. તેમનું નિધન સંગીત જગત માટે એક મોટી ખોટ છે. વડાપ્રધાને પણ આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર અને ફેન્સ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને શાંતિ માટે પ્રાર્થના કરી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઊંડો શોક વ્યક્ત કરતાં લખ્યું કે, ‘પ્રસિદ્ધ ગાયિકા શારદા સિંહાના નિધનથી ભારતીય સંગીતે એક મહાન કલાકાર ગુમાવ્યો છે. પોતાના મધુર અવાજથી તેમણે મૈથિલી અને ભોજપુરી લોકગીતોને પાંચ દાયકા સુધી દેશભરમાં લોકપ્રિય બનાવ્યા. તેમના અવાજ વિના પૂર્વાંચલની લોક પરંપરાઓ અધૂરી લાગે છે. છઠના તહેવાર નિમિત્તે દરેક વ્યક્તિ તેનો અવાજ ચૂકી જશે. સાથે જ, અમિત શાહે શારદા સિંહાજીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.
રાજનાથ સિંહે પણ દિવંગત ગાયિકા શારદા સિંહાના નિધન પર શોક વ્યક્ત કર્યો અને લખ્યું, ‘શારદાજી ખૂબ જ પ્રતિભાશાળી લોક ગાયિકા હતા, જેઓ ભોજપુરી ભાષા અને સંગીતને સામાન્ય લોકો સુધી લઈ ગયા. તેમના ગીતો લાંબા સમય સુધી લોકોના દિલમાં રહેશે. તેમના નિધનથી લોકસંગીત જગતમાંથી એક મહત્વનો અવાજ ખોવાઈ ગયો છે. રાજનાથ સિંહે પણ શારદાજીના પરિવાર અને તેમના ફેન્સ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને લખ્યું, ‘ઓમ શાંતિ!’
દિલ્હીનાં મુખ્યમંત્રી આતિશીએ પણ ટ્વીટ કરીને ‘બિહાર કોકિલા’ના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યું, ‘પ્રસિદ્ધ લોક ગાયિકા શારદા સિંહાજીના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તેમણે તેમના સંગીત દ્વારા આપણાં સાંસ્કૃતિક વારસાને જાળવવાનું કામ કર્યું. ભગવાન તેમને તેમના ચરણોમાં સ્થાન આપે.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને ટ્વીટમાં લખ્યું, ‘લોક ગાયિકા શારદા સિંહાજીના નિધનથી લોકસંગીત એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે. તેમનો મધુર અવાજ આપણાં બધામાં હંમેશા અમર રહેશે. છઠ્ઠી મૈયા તેમના દિવ્ય આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને પરિવાર અને તેમના તમામ સ્નેહીજનોને આ મુશ્કેલ સમયમાં હિંમત આપે.
શારદા સિંહાનો જન્મ ૧ ઓક્ટોબર ૧૯૬૨ના રોજ બિહારના સુપૌલ જિલ્લાના હુલસા ગામમાં થયો હતો. તેમના પિતા સુખદેવ ઠાકુર એક શાળાના મુખ્ય શિક્ષક હતા. શારદા સિંહાના લગ્ન બ્રજકિશોર સિંહા સાથે થયા છે, જેઓ શિક્ષણ વિભાગમાં પ્રાદેશિક નાયબ નિયામકના પદ પરથી નિવૃત્ત થયા છે. શારદા સિન્હાએ ૧૯૭૪માં પહેલીવાર ભોજપુરી ગીતો ગાવાનું શરૂ કર્યું અને ૧૯૭૮માં તેમના છઠ ગીત ‘ઉગા હો સૂરજ દેવ’થી ઓળખ મળી. આ પછી, ૧૯૮૯માં, તેણે સલમાન ખાન અને ભાગ્યશ્રીની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ માટે પણ ગીત ગાયું જે ખૂબ પ્રખ્યાત થયું.