મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ તેમના ઘર શિવતીર્થ ખાતે પાર્ટીના અધિકારીઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે સંકલન સમિતિની સ્થાપના કરવા અને રાજ્યની ૧૬ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ કરવાની યોજના ઘડવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ ઠાકરેએ કહ્યું કે આ વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ સાથે ગઠબંધન થઈ શકે નહીં કારણ કે એકનાથ શિંદે ઈચ્છતા ન હતા કે તેઓ આ ગઠબંધનમાં સામેલ થાય. રાજ ઠાકરેની પાર્ટીના અધિકારીઓ ઈચ્છે છે કે તેમની પાર્ટી આગામી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય જનતા પાર્ટી પણ ઈચ્છે છે કે તેને મ્યુનિસિપલ ચૂંટણીઓમાં રાજ ઠાકરેનો ચહેરો અને કટ્ટર હિંદુ-મરાઠી બ્રાન્ડ મળવી જાઈએ જેથી કરીને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના મતો ભાજપ મહાગઠબંધનમાં પરિવર્તિત થઈ શકે. બીજી તરફ, આવતીકાલે ૮ જાન્યુઆરી અને ૯ જાન્યુઆરીએ શરદ પવારની એનસીપી પાર્ટીની ૨ દિવસીય બેઠક દક્ષિણ મુંબઈના વાયબી ચવ્હાણ ઓડિટોરિયમમાં યોજાશે.
શરદ પવારની પાર્ટીના મોટાભાગના નેતાઓ ઈચ્છે છે કે તેમની પાર્ટી અજિત પવાર સાથે ભળી જાય. અજિત પવારની પાર્ટી એનસીપીએ આ વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. આ ૨ દિવસીય બેઠકમાં શરદ પવાર આ વિષય પર તેમની પાર્ટીના નેતાઓ સાથે પણ ચર્ચા કરશે.
શક્ય છે કે ૯ જાન્યુઆરીએ શરદ પવાર મીડિયાની સામે ખુલ્લેઆમ પોતાના વિચારો રજૂ કરે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવાર પોતાની પાર્ટીને અજિત પવાર સાથે મર્જ કરવા કે તેમની સાથે જવા તૈયાર નથી. એવા પણ સમાચાર છે કે અજિત પવાર પોતે દિલ્હી જશે અને ભાજપના મોટા નેતાઓને મળશે.