બાંગ્લાદેશની વચગાળાની સરકારના ટોચના સલાહકારે કહ્યું કે જા ભારત સંધિમાં કોઈ જાગવાઈનો ઉલ્લેખ કરીને ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણને નકારવાનો પ્રયાસ કરશે તો તેમનો દેશ સખત વિરોધ કરશે. બાંગ્લાદેશના કાયદા સલાહકાર આસિફ નઝરુલની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલે બે દિવસ પહેલા હસીના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. ટ્રિબ્યુનલે અધિકારીઓને હસીના અને અન્ય ૪૫ આરોપીઓને ૧૮ નવેમ્બર સુધીમાં તેની સમક્ષ હાજર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આસિફ નઝરુલે ભારપૂર્વક જણાવ્યું હતું કે જા પ્રત્યાર્પણ સંધિને તેના સાચા અર્થમાં અનુસરવામાં આવે તો ભારત શેખ હસીનને બાંગ્લાદેશ પરત મોકલવા માટે બંધાયેલો છે. તેમણે કહ્યું, બાંગ્લાદેશ અને ભારત વચ્ચે પહેલાથી જ પ્રત્યાર્પણ સંધિ છે. ભારતના વિદેશ મંત્રાલયે પણ કહ્યું હતું કે તે સુરક્ષાના કારણોસર તેમના દેશમાં છે. નઝરુલે ગયા મહિને એક મીડિયા બ્રીફિંગમાં કહ્યું હતું કે આ કેસ પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તે પછી આ, બાંગ્લાદેશ ઔપચારિક રીતે શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરશે.
ઢાકા ટ્રિબ્યુને વિદેશી બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈનને ટાંકીને જણાવ્યું હતું કે વચગાળાની સરકાર જરૂરી પગલાં લેશે અને હસીનાને પરત લાવવાનો પ્રયાસ કરશે કારણ કે આઈસીટીએ તેના અને અવામી લીગના ટોચના નેતાઓ સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. દરમિયાન શેખ હસીનાની હરીફ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના મહાસચિવ એડવોકેટ રૂહુલ કબીર રિઝવીએ કહ્યું કે હસીનાને આશરો આપવો એ ખૂની અને ગુનેગારને આશ્રય આપવા સમાન છે. તેમણે કહ્યું હતું કે શેખ હસીનાને પરત લાવવા માટે આપણે વધુ સારી કૂટનીતિનો ઉપયોગ કરવો પડશે.
અત્યાર સુધીમાં, હસીના, તેની અવામી લીગ પાર્ટી અને ૧૪-પક્ષીય ગઠબંધનના અન્ય નેતાઓ, પત્રકારો અને કાયદા અમલીકરણ એજન્સીઓના ભૂતપૂર્વ ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ ટ્રિબ્યુનલમાં દબાણપૂર્વક ગુમ, હત્યા અને સામૂહિક હત્યાની ૬૦ થી વધુ ફરિયાદો દાખલ કરવામાં આવી છે.