નવા વર્ષે સંજાગ ન્યૂઝનાં માધ્યમથી ‘ઝાકળનું એક બિંદુ’ કોલમના સર્વે વાંચકોને નવા વર્ષનાં રામ…રામ… જગતનો આધાર ખેતી અને ખેડૂત છે. પન્નાલાલ પટેલ લિખિત માનવીની ભવાઈ અને દુષ્કાળને યાદ કરવો રહ્યો. માનવ પટ્ટ ઉપર અન્ન અને પાણી વિના માણસો ટળવળતા-ટળવળતા કેવા મોતને ભેટતા હતા એ બિહામણા દ્રશ્યો આજે પણ તેની કલ્પના જગતના લોકો કરી શકે કારણ કે જળ એ કુદરતનો અમુલ્ય ભંડાર છે. એ ફેકટરીમાં નથી બનવાનું જળને રીચાર્જ કરી જમીનના તળ ઉંચા લાવી શકાય. જયારે અન્ન વિના પેટની ભુખ કેમ ઠારવી એ ચિંતા જીવ માત્રને છે. માટે અન્ન અને જળની ઉપેક્ષા માનવજાતને પોસાય તેમ નથી.
ગોકુળીયા ગામોને શહેરોની હવાએ અસર નહોતી કરી ત્યારે ગામડા હર્યા-ભર્યા હતા, ગામના ખેતરો અને સીમ સાદ કરતી ખુલ્લા ખેતરોની ચારેય બાજુએ ખેડયા વિનાની પડી રહેતી પટ્ટી-જયાં હલન-ચલન થાય ઘાસ ઉગી નીકળે અને પશુઓ માટે ઘાસચારો અને ચરણ પણ થાય એ શેઢો.
આજે ખેતરોના માયાળુ માનવીઓ જતા રહ્યાં અને નાના મનના કાળા માથાના માનવીઓએ મારું અસ્તિત્વ જાખમમાં મૂકી દીધું છે. આજે ખેતરનું રખોપુ કરતો શેઢો પોતાના મનના વલોપાત કરતા કહે છે, ‘મારું અસ્તિત્વ, મારી ઓળખ અલાયદી હતી’.
ફલાણા ભાઈના શેઢે ફલાણા ભાઈનું ખેતર છે. સાહેબ હું ખેતરનું સરનામુ હતો. શેઢો ખેતરને ચારેય બાજુએથી વહાલ કરીને વિટળાયેલો હતો. હું આડોશ-પાડોશની મર્યાદા હતો. ખેડૂતોના ખેતરો ચોરસ, લંબચોરસ કે વાંકાચૂકા હોય પણ શેઢા તરીકે મારા અસ્તિત્વની સૌ કોઈ નોંધ લેતા અને મર્યાદાઓનું પાલન પણ કરતા હતા. ગામમાં કોઈને ઘર-ખોરડા હોય કે ના હોય મકાન વિનાના ઘર બંગલા હોઈ શકે પણ શેઢો કહે મારા વિનાના ખેતરો તો ના જ હોઈ શકે. શેઢો એ સત્વની સરવાણી છે અને સાચવણી છે. ખાડા-ટેકરા, કોણી વાંકે વળાંકને ચિરતો વડિલોને શરમાવે તેવો ડાહ્યો-ડમરો જાણે મલકાતો હોય. એક ઢળતી સાંજે ખેતરે શેઢાને પુછયું, ‘હેં શેઢાભાઈ તમે તમારાપણુ મૂકીને બધા ખેતરો વચ્ચેથી નીકળી જાવ તો કેવું સારું કહેવાય.’ ત્યારે હસતા-હસતા શેઢાભાઈ બોલ્યા, ‘અરે ખેતર તને આ માણસોની કયાં સમજણ જ છે. તારો માલિક આ બાજુથી મને મારા પડઘામાં હળ મારે છે. અને આ બાજુના ખેતરનાં માલિક પેલી બાજુથી પડઘામાં હળ મારે છે. મને તો ચિરી નાખ્યો છે. છતાં પણ હું સરહદ થઈને પડયો છું. બાકી હું નીકળી જાઉંને તો કેટલાય ખેડૂતોના માથા વધેરાય એ તને ખ્યાલ નહી હોય.’ શેઢો ખેતરને કહે, ‘સાંભળ જયારે ટ્રેકટર અને જે.સી.બી. ન હતા ત્યારે મારા ઉપર અનેક ફળાવ વૃક્ષો હતા. જેમાં લીંમડા, આવળ, આંમલી, શેતુર, ગુંદા, ગુંદી જેવા અનેક વૃક્ષો અને ફળ-ફૂલો આપતા વૃક્ષો અને વનસ્પતિઓ હતી. ખેડૂના બાળકો ખેતરે આવે કે પેલા ઈન કરેલા શેઠીયાઓ ખેતરે આવે તો બધા કહેતા શેઢે બોરડી છે બોર સારા છે મજા આવશે અને બધા ખાતા હતાં. પશુઓ મારા ઉપર ઉગી નીકળતા વૃક્ષોની છાંયાએ બેસીને બપોરનો આનંદ માણતા હતા. પંખીઓના ઘર આ વૃક્ષો ઉપર હતા. હું કોઈ નાખી દીધેલ સરહદ ન હતો. હું ઈતિહાસ ધરબીને બેઠેલો ખેતરનો વારસદાર હતો.
પરંતુ અફસોસ આજે મારા ઉપર ચાહનારી ભથવારી પણ ના રહી, ચરીયાણ ચરતા માલ-ઢોર પણ ના રહ્યા અને શેઢાના ભાઈબંધ સમા વૃક્ષોનો સત્યનાશ નીકળી ગયો. હા કાળક્રમે મને ફેરવવા બળુકા ભાઈઓ ધારીયા-કુહાડી લઈને ઝગડી પડતા જાયા છે. પણ ખુમારી સાથે કહુ છું, ફલાણા ભાઈના શેઢે બેસીને ચા પીધી, પાણી પીધું અને બપોરા કર્યાના દાખલાઓ સામે છે.’
મુરજાતા ખેતરો વચ્ચે ઝોલા ખાતા શેઢાઓ કહે છે, ‘ભલે ખેતર નાના થયા. અમારા ઉપર ઉગેલા વૃક્ષોનો નાશ કર્યો, ચોમાસામાં સોળેય કળાએ અમારા ઉપર છવાતી લીલોતરીને બાળી નાખી, તેતર અને ચકલાનો કલબલાટ શાંત કરી દીધો, વાયર ફેન્સીંગ કરીને શેઢે ચાલવાના રીવાજને ખતમ કરી દીધો. આ બધું જ સહન કરીશ કારણ કે હું ખેતરની ઓળખ, ખેતરનું સરનામું શેઢો છું.’
_ઃઃ તિખારો ઃઃ_
સમસ્યા ઉભી થાય ત્યારે ન્યાય નહિ, સમાધાન થવું જોઈએ. ન્યાયમાં એકના ઘેર અજવાળુ અને એકના ઘેર અંધારૂં થાય છે. જયારે સમાધાનમાં બન્નેના ઘેર અજવાળા થાય છે.