સફળતાના કોઈ મંત્ર-તંત્ર નથી હોતા પરંતુ સફળતા કોઈપણ ક્ષેત્રમાં મેળવવા માટે રાત્રે સ્વપ્ન જાવા પડે છે. અને દિવસે થાકયા વિના જાયેલા સ્વપ્નને સાકાર કરવા માટે જાત મહેનત કરવી પડે છે. હારીને-થાકીને તમારા ઈરાદાઓને કેદ કરીને બંધ કરી દેશો તો હાથમાં નિષ્ફળતા આવશે અને લોકોના મોઢે નવી-નવી મનઘડંત વાતો આવશે. તેના કરતા સ્વયંને સફળતા માટે ઓગાળીને સીડીઓ ચડવી રહી. કવિશ્રી દુલા ભાયા કાગની એક અદ્‌ભૂત રચના છે.
‘‘અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા, ચડનારા ન મળ્યા રે’’
‘‘અમે દાદર બનીને બીલા ખાધા રે, તપસ્યાના ફળ નો મળ્યા હો’’
દુનિયાને તમારા પરિશ્રમ-મહેનતમાં રસ નથી. દુનિયાની આંખો માત્ર સફળતા જ જુવે માટે પોતાના ધ્યેયથી ભટકયા વિના ટકી રહીને આગળ વધવું. અનેક વાવાઝોડા, અતિવૃષ્ટી, અનાવૃષ્ટી જેવી સ્થિતિનો સામનો ખેડૂતો દાદા-પરદાદાથી કરતા આવ્યા છે. જાહોજલાલીનાં સમયે ઉંચા-ઉંચા સિમેન્ટ કોન્ક્રીટના મહાનગરોએ જનતાને સાચવી છે. જયારે પુર, પ્લેગ અને કોરોના જેવા મહામારીના સમયે વતનની ધૂળ સહુને સાદ કરીને, યાદ કરીને બોલાવતી હતી અને લોકોને ગામડાઓએ સાચવી લીધા હતા. સમય બદલાયો-શોખ બદલાયા પરંતુ આજેપણ ખેતી સદા માટે આદર્શ વ્યવસાય રહ્યો છે. એ ટકી રહે એ જરૂરી છે. આઝાદી બાદ વાવે તેની જમીનનાં હિસાબે અઢારેય વર્ણના લોકો આજે ખેડૂતો છે. બિન ખેડૂતો(ઉદ્યોગપતિઓ) માટે જમીન ખરીદવાનો નિર્ણય ખેડૂતોની ભવિષ્યની પેઢીને ખેતમજૂર બનાવવા સમાન હશે પણ જાગે કોણ ? ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના માધુપુર ગીર ગામના પ૧ વર્ષિય ખેડૂત દેવજીભાઈ નારણભાઈ ઠુંમ્મર ઉર્ફે દિનેશભાઈનો અભ્યાસ ધો.૧૦ સુધીનો છે. જયારે જમીન તેઓની પાસે ૧પ વિઘા છે. રાસાયણિક ખેતીના ખર્ચાઓથી કંટાળીને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું મન બનાવીને સને ર૦૧૭માં પ્રાકૃતિક ખેતીના પ્રણેતા સુભાષ પાલેકરજીની શિબિરોમાં જોડાઈને માહિતી મેળવી. ત્યારબાદ મહારાષ્ટ્ર અને અન્ય રાજયોના ખેતી વિષયક પ્રવાસો કર્યા. દેવજીભાઈ આમ તો ખેડૂત છે. પરંતુ આજના કેલ્યુકયુલેટર કરતા પા-અડધા અને ઘડિયા જેવા ગણિતના માહેર એટલે ખેતીનો બધો હિસાબ પણ રાખે અને હિસાબ પણ કરે. દર વર્ષે પોતાની જમીનમાં શેરડીનું વાવેતર કરે છે. વિઘે ૮ટરનાં માપ પ્રમાણે ૧૦૮૯ થડ આવે ૧ વિઘે રાસાયણિક ખેતીમાં વાવેતર અને બિયારણ ખર્ચ વિઘે રૂ.૭૦૦૦ જેટલો થાય બાકી નિંદામણ, ખાતર અને કાપણીના ખર્ચાઓ બાકી રહ્યા. જયારે આ પ્રાકૃતિક શેરડીના વાવેતરમાં ૧ વિઘામાં વાવેતર અને બિયારણના ખર્ચ ત્રીજા ભાગમાં આવે છે. શેરડીના વાવેતરમાં મિશ્ર વાવેતર પધ્ધતિ અપનાવે છે. આંતરપાક તરીકે શિયાળામાં ચણા અને ઉનાળામાં મગ-અડદનું વાવેતર કરે છે. પ્રકૃતિનાં નિયમ પ્રમાણે માણસ માત્ર એક જ ખેતીપાકથી જીવી નથી શકતો એમ કોઈપણ પાકનું એક સરખા વાવેતર કરતા મિશ્ર પાકો આપણા દાદા-પરદાદા વાવેતર કરતા તેનું કારણ એ જ હતું અને સારું ઉત્પાદન આવે છે. દેવજીભાઈ દર વર્ષે આ પ્રાકૃતિક શેરડીમાંથી ગોળ બનાવે છે અને એક વિઘામાં ૧પ થી ૧૮ ટન શેરડીનું વાતાવરણ મુજબ ઉત્પાદન આવે છે. જયારે ૧ ટન શેરડીમાંથી ૧૦૦ થી ૧૩૦ કિલો ગોળ બને છે. દેવજીભાઈ કહે છે. અમારા ગોળનો ભાવ માર્કેટ કરતા રૂ.ર૦ થી ૩૦ વધારે હોય છે. એટલે કે અત્યારે રૂ. ૭૦ થી ૭પ ભાવ છે. કેમિકલ્સ ફ્રી અને રાસાયણિક ખાતર-દવાઓ વિનાનું સારૂ ઉત્પાદન દેવજીભાઈ મેળવી રહ્યા છે. આવા પ્રગતિશીલ ખેડૂતોને અભિનંદન. દેવજીભાઈ ઠુંમ્મરનો સંપર્ક નં.૯૯૭૮૭ ૮૦૭રર છે.