“તમે ભોળા નથી પણ મૂરખ છો મૂરખ ! દુનિયા તમારો તોલો કરી જાય તોય તમને ખબર પડતી જ નથી. કયાં સુધી આવા બુધ્નાધિ લઠ્ઠ રહેશો ?” ભોળિયા ભરતને તેની પત્ની ભારતી તતડાવતી હતી: “ એક આ તમારો ભાઇબંધ મનસુખ કોણ જાણે અહીંયા શું હમિયાણી ભાળી ગયો છે તે ખબર જ પડતી નથી. હવે તો એક રૂપિયાનીય હા પાડી છે ને તો હું એને ચોખ્ખે ચોખ્ખું કહી દેવાની છું કે અહીંયા તમારી જેમ સો વીઘાના ખાતેદાર નથી જે કંઇ ગણો એ સહકારી મંડળીની કારકૂનની નોકરીના પગારની આવક છે. માંડ માંડ બે છેડા ભેગા કરવાની મથામણ કરતા હોઇએ ત્યાં તમારો એક હવાલો ખાઇ જેવડો ખાડો કરી જાય છે એ ખાડો બૂરવા માટે કેડયે વળ આવી જાય છે ! “ભલે પછી ગામડે બાની સારસંભાળ રાખે કે ન રાખે છેવટ બાકી બાને અહીંયા લઇ આવીશું પણ એને કહી દેજા કે એ આપણી પાસે એક નયો પૈસો પણ ઊછીનો માગે
નહીં !! ” વાત કંઇ આજકાલની નહોતી પણ મનસુખ જે દિ’નો ભીંગરાડ છોડીને સુરત – ભરતની પડખેના ફલેટમાં રહેવા આવ્યો તે દિ’ની છે. ગામડે રહેલી ભાઇયુ ભાગની વિઘાની વાડીને ભાગિયાને ભરોસે મૂકી હૂતોહૂતી હીરાનું કારખાનું કરી કરોડપતિ બનવાના સપનાં લઇને આવ્યા હતા. પણ એમ કાંઇ કરોડપતિ થઇ જવાતું હોય તો તો સૌ કોઇ ગામડાં છોડી છોડીને સુરત જ પધારી ગયા હોત પણ મૂળ ઘોંચપરોણો મનસુખની વહુ કૈલાસનો ! એના દેરિયા – જેઠિયા બધા જ સુરત સેટ થઇ ગયા હતા અને જયારે જયારે કામ પ્રસંગે કે દિવાળીએ વતનમાં આવતા ત્યારે નવી નક્કોર મોટરકાર લઇને આવતા. એને જોઇને આભી બની જતી એટલે કોઇપણ પ્રયોજન વગર ભરતની બાજુમાં જ મહિને દસ હજારના ભાડે ફલેટ રાખ્યો અને ખેતીની રળેલી કમાણીમાંથી કારખાનું કર્યું અને જેવો પહેલા મહિનો પૂરો થયો અને મકાનમાલિક ભાડું લેવા આવ્યા ત્યારે પોતે તો ઠનઠનગોપાલ હતો ! તે દિવસ હજી ચા-પાણી પીને ભરત બેઠો જ હતો અને મનસુખ મકાનમાલિકને લઇને ભરત પાસે
આવ્યો: “ભરત, અત્યારે દસનો જોગ કરી દે મારે આમને આપવાના છે. હું કાલે તને આપી દઇશ !!” હવે આખર તારીખમાં ભરત જેવા પચ્ચીસ હજારની નોકરી કરતા માણસ પાસે કયાંથી નીકળે ? છતાં પણ, ખાંખાખોળા કરીને છ એક જેવા ભેગા કર્યા અને ચારેક જેવા ભારતી પાસે પડયા હતા તે આપ્યા. આપ્યા એ આપ્યા, પછી મનસુખ કયાં છૂમંતર થઇ ગયો એ ખબર જ ન પડી. ભારતી એકવાર તો તેના ઘેરે’ ય જઇ આવી. એ તો મનસુખનો પતો પૂછયો ત્યારે કૈલાસ કહે કે ગામડે ગયા છે. ગામડેથી અઠવાડિયે આવ્યો ત્યારે દસની, વીસની, પચીસની અને સોની એમ ચુંથાઇ ગયેલી નોટ સાથે પાછા તો આપ્યા તોય એમાં ચારસો ઓછા હતા. ભારતીને તો ત્યારે જ બરાબરની ખીજ ચડી ગયેલી પણ શું કરે ? ગામડે રહેતા પોતાના સાસુ રમાબાનું અહીંયા સુરતમાં રહેવું ફાવતું નહોતું અને ત્યાં મનસુખ અને તેનો પરિવાર, સાસુનું ધ્યાન રાખતા. આ એટલો ઉપકાર ચડેલો હતો. પણ ફરીને એકવાર કરિયાણાનો વેપારી ભીંસ કરવા માંડયો ત્યારે આઠ હજાર ભરત પાસેથી જ માંગી ગયેલો તે તપાસ કરવા ભારતી એના ઘરે ગઇ ત્યારે રસોડામાં તો સીંગતેલના ત્રણ ત્રણ ડબ્બા પડયા હતા. ઘરે આવીને ભારતીએ તરત જ ભરતને કહ્યું: “આપણે તો કપાસિયાનું તેલ પણ ચાલે પણ તમારા ભાઇબંધ લાટ સાહેબને તો સીંગતેલ સિવાય ફાવતું જ નથી. આજે હું એમના ઘરે ગઇ ત્યારે એમનું રસોડું તો ઘરવખરીથ હાંફતું હતું !!
જવાબમાં ભરતે તેને વારી: હશે, જે કંઇ હોય એ જવા દે, આપણે આપણાં ભાણાંનું કરવું. બીજા જે કરે એ એમને મુબારક !” પણ ભારતીનું મન સ્વીકારી શકતું નહોતું. લગભગ બે’ક મહિના નીકળી ગયા. એક સાંજે મનસુખનો ફોન આવ્યો. ભરતે હસીને કહ્યું: “યાર, ભાઇબંધ ક્યાં ખોવાઇ ગયો હતો ? આમ તો મારી ઉપરના જ ફલેટમાં રહે છે પણ કયારેય ડોકાતો’ય નથી.” જવાબમાં મનસુખ કટાક્ષ ભર્યું હસ્યો: “પહેલા ભારતીભાભીને પૂછજે. એમને ગમતું નથી. બાકી મેં કોઇ દિ’ વારો-તારો નથી રાખ્યા. તારી બાને મેં મારી સગી બા માની છે પણ ભારતીભાભીને એનો ગણ નથી. ગયા અઠવાડિયે હું ગામડે ગયો હતો ત્યારે તારા બાને ઝાડા ઉલટી થઇ ગયેલા. હું ત્રિકમભાઇનો ટેમ્પો લઇ તાબડતોબ લાઠી ડોકટર પાસે લઇ ગયો હતો આખી રાત રાખ્યા, ને ડોકટરે ચાર બાટલા ચડાવ્યા ત્યારે સારૂ થયું પણ તને ખબરે’ય પડવા દીધી નથી.” “હૈ ?” હિસાબના ચોપડા લખતા ભરતના હાથમાં
રવિયા પેન ઠઠી રહી ગઇ:
“ મનસુખ, તું શું બોલે છે ?”
“ખોટું હોય તો સરપંચને ફોન કરીને પૂછ, પૂછ ત્રિકમભાઇ ટેમ્પાવાળાને ખોટું બોલતો હોઉં તો મારૂ મોઢું ને તારૂં ખાહડું !! પણના મેં તને એટલે નહોતું કીધું કે તારે દોડાદોડી થઇ જાય. હું તો ત્યાં જ હતો, રમા બાને એક નહીં, પણ બે દીકરા છે. એક તું, એક હું !!” અને ભરતની આંખમાંથી આંસુની ધારા વહી નીકળી, એ એટલું જ બોલી શક્યો: “મ…ન…સુ…ખ… સોરી થેન્ક્યું..
“હા, ભરત આ તો તે કહ્યું એટલે ફોડ પાડયો બાકી તો ” મનસુખે ફોનમાં આગળ જણાવ્યું: “એક કામ પડયું હતું તારૂં…”
“બોલને ભાઇ…” આંસુ લૂછતા ભરતે લાગણીવશ થઇ જતા કહ્યું. સામે છેડે મનસુખે ખૂબ જ સંયમતાથી વાત આગળ વધારી: “ભરત ભાયું ભાગની જમીનની ઉપજમાંથી મેં હીરાનું કારખાનું કર્યું પણ મંદુ ફાટી નીકળ્યુ છે. કમાણો એના કરતા ડબલ તો રોકાણ થઇ ગયું. મારી-તારી જેવા પાસેથી ઉછીના-પાછીના કરીને ગાડું રોડવ્યું પણ હવે ધંધો ફેરવું છું. તૈયાર કપડા બનાવવામાં સારૂ છે. હુંને મારો સાઢું ! સંચા લાવીને વર્કશોપ કરવાના છીએ પણ પાંચેક લાખનું રોકાણ છે..” મનસુખ અટકયો પછી બોલ્યો: “ તું શરાફી મંડળીમાં નોકરી કરે છે તો તારા નામે મને પાંચની લોન લઇ દે, મને ખબર છે કે મંડળીનું વ્યાજ વાર્ષિક બાર ટકા છે પણ હું તને અઢાર ટકા આપીશ. આમાં બે રૂપિયાનો ફાયદો તને ય થશે. બાકી, તારી પચ્ચીસ હજારની નોકરીમાં તાજિયા ટાઢા નહીં થાય. સમજ્યો ? ” મનસુખ લાંબી અને ચોક્કસ ગણતરીથી બોલતો હતો: “ અને પાર્ટનરશિપ કરવી હોય તોય મને વાંધો નથી. સારું એ તારૂં બોલ.” ભરતને બંધ આંખો આગળ શિવાની અને શિવમનું ઊજળું ભવિષ્ય દેખાવા માંડયું અને સપનું જોવું તો કોને નથી ગમતું ? બેય જોડિયા બાળકોને હજી ભણાવવાના હતા. “પણ પાર્ટનરશિપ ન કરાય.” ભરતે મનમાં જ નક્કી કરી લીધું: “દોઢ ટકે વ્યાજે રૂપિયાનો દોઢ રૂપિયો આવે એટલું પૂરતું છે !! ” તેણે હા પાડી દીધી પણ મનસુખે શરત મૂકી: “પણ મહેરબાની કરીને આ વાત ભારતીભાભીને કયારેય કરવાની નહીં. હું પણ કૈલાસને નહીં કરૂ એ મારૂં પ્રોમિસ ? કબૂલ મંજૂર હોય તો જ આગળ વધીએ..” જવાબમાં ભરતે લીલીઝંડી બતાવી. મહિનામાં લોન પાસ થઇ ગઇ અને પાંચ લાખ ભરતે મનસુખને આપીય દીધા.
શરત મુજબ હપ્તાની રકમ સાથે દોઢું વ્યાજ… એ મુજબ મનસુખે પહેલાં જ મહિને હપ્તો પહોંચાડી દીધો. ભરતે વિચાર્યું: આવો રસ્તો તો પહેલાથી લેવાની જરૂર હતી. બીજા, ત્રીજા અને ચોથો. ચારેય મહિના નિયમિત હપ્તા આવતા રહ્યા અને પાંચમા મહિનાથી રામકહાણી શરૂ થઇ. ન મનસુખ આવ્યો, ન ફોન આવ્યો કે ન આવ્યો હપ્તો. પગારમાંથી હપ્તાની રકમ તો કપાઇ ગઇ પણ સામે ખાઇ જેવડી ખાધ પડી ગઇ. હવે ભરત મુંઝાયો એણે મનસુખને ફોન કર્યો. મનસુખે કહ્યું: બે દિવસમાં જ પૈસા મળી જશે. પણ બેના બાર દિ’ થયા ભરત ઘાંઘો થયો. મનસુખનો ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો. એક દિવસ અચાનક એ ગામડે જઇ પહોંચ્યો તો મનસુખ તો ત્યાં પણ નહોતો. ભાઇઓએ કહ્યું કે એ તો સુરત છે ! ભાંગેલ પગે તે દિ’ સાંજે ઘેર આવ્યો ત્યારે માણસોનું ટોળુ મનસુખના ફલેટના દરવાજે હલ્લાબોલ થતું હતું ‘મારો’, ‘પકડો’, ‘તોડી નાખો’, ‘હરામી…’, ‘ચોરનો દીકરો..’ ની બૂમો અને મનસુખના ફલેટે ધડાધડ પાટા ઝીંકાતા હતા. “શું થયું ? ” તેણે ભારતીને પૂછયું તો ભારતીએ કટાક્ષમાં કહ્યું: “તમે કાલે ગામડે ગયા ત્યારથી તમારા ભાઇબંધના લેણિયાતો વારાફરતી આવે છે. ફલેટના બારણા તોડી પાડયા છે. અંદર એક સેટી બે ખુરશી અને બારણે લગાડેલું એક તાળુ હતું. બાકી બધુ હરી ઓમ સ્વાહા !!! તમારા ભાઇબંધ લાડીને અને આ બધાની મૂડીને લઇને કયાં છૂમંતર થઇ ગયા રામ જાને !!
“હેં ???” ભરત આઘાતથી પોટકાં જેમ સોફા ઉપર બેસી પડયો. કપાળે પરસેવો વળી ગયો: “મારા પાંચ લાખ??”
“ચિંતા ન કરશો…” ત્યાં જ હાથમાં ઘરેણાનું બોકસ લઇને ભારતી અંદરથી આવી અને ઘરેણાના બોકસને ખોલતા બોલી: “મને ખબર પડી ગઇ હતી કે એણે તમને પણ પાંચ લાખમાં આંટી દીધા છે, એટલે તો મારા ભાઇની જાન્હવીના લગ્ન પ્રસંગે કૈલાસભાભી પાસેથી આ ઘરેણાં પહેરવા લેતી આવી હતી એ પાછા આપ્યા જ નહીં. આ અઢી તોલાનો હાર અને ત્રણ તોલાના બે પાટલા !! આજની કિંમતે હિસાબ કરો તો કાંઇ ચિંતા કરવા જેવું નથી સમજ્યા ? ! પછી હસીને બોલી: હું ભલે ભોળી રહી પણ તમારા જેવી મૂરખ નથી !!” ભરત, ફાટી આંખે ભારતી સામે તાકી રહ્યો!!