ગુરુવારે સ્થાનિક શેરબજારમાં અરાજકતા જાવા મળી હતી. ટ્રેડિંગ સેશનના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક સેન્સેક્સ ૯૬૪.૧૫ પોઈન્ટ ઘટીને ૭૯,૨૧૮.૦૫ ના સ્તરે બંધ થયો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૨૪૭.૧૫ પોઈન્ટ ઘટીને ૨૩૯૫૧.૭૦ ના સ્તરે બંધ થયો હતો. યુએસ ફેડરલ રિઝર્વે ગઈકાલે રાત્રે (ભારતીય સમય મુજબ) વ્યાજ દરોમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો હતો, પરંતુ ૨૦૨૫માં માત્ર બે ક્વાર્ટર પોઈન્ટના કટની તેની આગાહી બજારો દ્વારા અપેક્ષિત ત્રણ કે ચાર કટ કરતાં ઓછી હતી. તેની અસર બજાર પર પડી હતી અને ભારતીય શેરબજારમાં એફઆઇઆઇએ ભારે વેચવાલી કરી હતી. જેના કારણે બજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો. આજના ટ્રેડિંગમાં રોકાણકારોને ૩.૭ લાખ કરોડનું નુકસાન થયું હતું.
સમાચાર અનુસાર, આજના કારોબાર દરમિયાન ફાર્મા સિવાયના તમામ સેક્ટરમાં ભારે નુકસાન સાથે સત્રનો અંત આવ્યો હતો. સૌથી વધુ ઘટાડો નિફ્ટી આઈટી, નિફ્ટી ઓટો અને બેન્ક નિફ્ટીમાં જાવા મળ્યો હતો. તે લગભગ ૨ ટકા ઘટ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં સૌથી વધુ ઘટાડો એશિયન પેઇન્ટ્‌સ, બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વનો હતો, જ્યારે ડા. રેડ્ડીઝ, સન ફાર્મા અને સિપ્લા શ્રેષ્ઠ પર્ફોર્મર હતા.
સતત ચોથા સત્રમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં ગુરુવારે સેન્સેક્સ લગભગ ૧,૨૦૦ પોઈન્ટ તૂટ્યો હતો અને નિફ્ટી ૨૩,૮૭૦ના સ્તરે આવી ગયો હતો. યુએસ ફેડ દ્વારા ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડો કરવાની ગતિ ધીમી પડશે તેવા સંકેત આપ્યા બાદ આ ઘટાડો આવ્યો છે. છેલ્લા ચાર સત્રમાં સેન્સેક્સ ૩.૫ ટકા ઘટ્યો છે. આ સિવાય નિફ્ટી ૫૦માં પણ ૩.૩ ટકાનો ઘટાડો નોંધાયો છે.
ભારતીય રૂપિયો ગુરુવારે પ્રતિ ડાલર ૮૫.૩ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો હતો, જેણે બજારના સેન્ટીમેન્ટને નુકસાન પહોંચાડ્યું હતું. નબળો રૂપિયો વિદેશી રોકાણકારોને ભારતીય બજારમાં રોકાણ કરવાથી નિરાશ કરે છે. જ્યારે તેઓ તેને તેમના ઘરેલું ચલણમાં પાછું રૂપાંતરિત કરે છે ત્યારે તે તેમના નફામાં ઘટાડો કરે છે, જે વિદેશી મૂડીના પ્રવાહ તરફ દોરી જાય છે અને બજારો પર વધુ દબાણ લાવે છે.