જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ એક્સિસ બેંકમાં વેચવાલી અને ભારત-પાકિસ્તાન સરહદ પર વધતા તણાવને કારણે શુક્રવારે મુખ્ય શેરબજાર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો જાવા મળ્યો. શરૂઆતના ફાયદા ગુમાવ્યા બાદ, ૩૦ શેરો વાળા બીએસઇ સેન્સેક્સ ૫૮૮.૯૦ પોઈન્ટ અથવા ૦.૭૪ ટકા ઘટીને ૭૯,૨૧૨.૫૩ પર બંધ થયા. ટ્રેડિંગ દરમિયાન, તે ૧,૧૯૫.૬૨ પોઈન્ટ અથવા ૧.૪૯ ટકા ઘટીને ૭૮,૬૦૫.૮૧ પોઈન્ટ પર બંધ રહ્યો.એનએસઇ નિફ્ટી સતત બીજા દિવસે ઘટ્યો અને ૨૦૭.૩૫ પોઈન્ટ અથવા ૦.૮૬ ટકા ઘટીને ૨૪,૦૩૯.૩૫ પર બંધ રહ્યો. આ સમયગાળા દરમિયાન, રૂપિયો ડોલર સામે ૭ પૈસા ઘટીને ૮૫.૪૦ પર બંધ થયો.
નિષ્ણાતોના મતે, મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વધતા ભૂ-રાજકીય તણાવની ચિંતા બજારના સેન્ટીમેન્ટ પર અસર કરી. ભારત-પાકિસ્તાન સરહદ પર વધતા તણાવ વચ્ચે રોકાણકારોનું વલણ સાવધ બન્યું. જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, “મિડ અને સ્મોલકેપ શેરોના ઊંચા મૂલ્યાંકન અને કમાણીની સિઝનની શરૂઆત નબળી રહ્યા પછી સંભવિત કમાણી ડાઉનગ્રેડ અંગે વધતી ચિંતાઓને કારણે વેચાણનો સૌથી મોટો ભોગ બન્યો છે.”
સેન્સેક્સ શેરોમાં, અદાણી પોર્ટ્‌સ, એક્સિસ બેંક, એટરનલ, બજાજ ફિનસર્વ, પાવર ગ્રીડ, મારુતિ, બજાજ ફાઇનાન્સ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને એનટીપીસી સૌથી વધુ પાછળ રહ્યા. દેશની ત્રીજા ક્રમની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા એક્સિસ બેંકે ૨૦૨૪-૨૫ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં લોન ખોટની જાગવાઈઓમાં તીવ્ર વધારો અને વેપાર આવકમાં ભારે ઘટાડો નોંધાવ્યો છે. ત્યારબાદ શેર ૩ ટકાથી વધુ ઘટ્યા. માર્ચ ક્વાર્ટરમાં બેંકનો નફો નજીવો ઘટીને રૂ. ૭,૧૧૭ કરોડ થયો, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. ૭,૧૩૦ કરોડ હતો. બીજી તરફ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઇન્ડસઇન્ડ બેંક, હિન્દુસ્તાન યુનિલિવર અને આઇસીઆઇસીઆઇ બેંકના શેરમાં મજબૂતી જાવા મળી.