મહાસુદ આઠમે શ્રી ખોડિયાર જયંતીએ મા ખોડલના પ્રાગટ્ય દિવસની કાગવડ પાસે આવેલા સુપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે મા ખોડલને છપ્પન ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. સવારથી જ ભક્તો માટે અન્નકૂટ દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે સૌ ભક્તોને શ્રી ખોડિયાર જયંતીની શુભેચ્છા પાઠવી હતી. આ અવસરે મા ખોડલને વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટી વિમલભાઈ પાદરીયા દ્વારા ચાંદીના બાઉલમાં છપ્પન ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. સાથે જ પરિસરની યજ્ઞશાળામાં હવન કરવામાં આવ્યો હતો ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત અલૌકિક વિશાળ રંગોળી બનાવવામાં આવી હતી. આ ઉપરાંત સમગ્ર દિવસ મંદિરે આવતા શ્રદ્ધાળુઓ રાસ-ગરબા રમીને મા ખોડલની આરાધના કરી શકે તે માટે પરિસરમાં રાસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.