શહેરના ભરીમાતા રોડ પર એક ભયાનક ઘટના બની છે. ઘર કામ બાબતે પિતા પુત્રી વચ્ચે ઝગડો થતા પિતાએ કુકરથી માર મારી હત્યા કરી નાખી છે. આ મામલે ચોક બજાર પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં આવેલ ભરીમાતા સુમન મંગલ આવાસમાં રહેતા ૪૦ વર્ષીય મુકેશ પરમાર, જે ભાડે રિક્ષા ચલાવતો હતો અને હાલમાં બીમાર હોવાથી ઘરે આરામ કરતો હતો. તેની ૧૮ વર્ષીય દીકરી હેતાલીને મોબાઇલ પર વાતો કરતી જોઈ પિતાનો ગુસ્સો થકોર પર ફૂટ્યો હતો. મૂકેશની પત્ની ગીતાબેન અને મોટી દીકરી મોલમાં નોકરીએ ગયેલી હતી. ત્યારે આ ઘટનાએ ઘરમાં ભયાનક વળાંક લીધો છે.
મુકેશ પરમાર દરરોજ હેતાલીને ઘરના કામ માટે કહેતો હતો. ઘટનાના દિવસે પણ ગીતાબેને નોકરીએ જતી વખતે હેતાલીને વાંસણ અને કપડાં ધોઈ નાંખવા જણાવ્યું હતું. પરંતુ હેતાલી કામ કરવા બદલે પોતાના મોબાઇલમાં વ્યસ્ત હતી. બપોરે મુકેશે હેતાલીને કામ માટે ટકોર કરતાં પિતા-દીકરી વચ્ચે ઉગ્ર ઝઘડો થયો. ગુસ્સે ભરાયેલા મુકેશે રાંધણખાણમાં પડેલું કૂકર ઉઠાવી પોતાની જ દીકરીના કપાળ પર ડાબી બાજુએ ૧૦ વાર ઘા માર્યા હતા. આ હુમલાથી હેતાલી ગંભીર રીતે ઘવાઈ હતી.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત હેતાલીને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન રાત્રે તેનું મોત નિપજ્યું. ઘટનાની જાણ થતાં ચોકબજાર પોલીસ મથકે તાત્કાલિક કાર્યવાહી કરી અને મુકેશ પરમારની ધરપકડ કરી છે.પોલીસ તપાસ દરમિયાન મુકેશ પરમારે કબૂલાત કરી છે કે, “હેતાલી વારંવાર ઘરના કામમાં ઉદાસીનતા રાખતી અને મોબાઈલમાં વ્યસ્ત રહેતી હતી. આ કારણે મને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં કૂકરથી તેની પર હુમલો કરી દીધો. હેતાલીની માતા અને મોટી બહેન મોલમાં નોકરી પર ગયેલી હતી. ઘરે મુકેશ, હેતાલી અને નાનો પુત્ર જ હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, પિતા-દીકરી વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ઘરના કામને લઈને વિવાદ થતો રહેતો હતો.
છેલ્લા ત્રણ મહિનાથી પિતા અને પુત્રી વચ્ચે વિવાદ ચાલી આવતા પિતાએ ગુસ્સે ભરાઈ પોતાની દીકરી ઉપર કુકર વડે ૧૦ થી વધુ હુમલો કરી દીકરીની હત્યા કરી નાખી હતી.હાલ આ મામલે ચોક બજાર પોલીસે આરોપી પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.