સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સતાધારની જગ્યાના વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી ચરમસીમાએ છે. સતાધારના મહંત અને જગ્યાના મુદ્દે કેટલાક લોકોએ ગંભીર આક્ષેપો કરતાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ વિવાદ રાજય સરકાર સુધી પહોંચ્યો છે. સાવરકુંડલાના માનવ મંદિર આશ્રમના મહંત ભક્તિરામબાપુએ સતાધારની જગ્યાના સમર્થનમાં વિવાદ શાંત પાડવા પ્રયાસ હાથ ધર્યો છે. ભક્તિરામબાપુએ જણાવ્યું હતું કે, અત્યારે સોશિયલ મીડિયા પર આ મુદ્દો બહુ વાઇરલ થયો છે તે ખૂબ જ પીડાજનક છે. સતાધાર એટલે આપણી શ્રધ્ધાનું કેન્દ્ર, પૌરાણિક જગ્યા અને સિદ્ધ જગ્યા છે. તેના માટે વગર વિચારે, પૂરાવા વગર કંઇ બોલવું તે વાજબી નથી. તેનાથી સનાતન ધર્મને નુકસાન થઇ રહ્યું છે. જે કોઈને વાંધો હોય, કોઈ પ્રુફ હોય તો એણે અંગત સમજી લેવું જોઈએ. આવી રીતે જગ્યાને સરેઆમ બદનામ કરવું તે સનાતન ધર્મનું નુકસાન છે.