મહુવા માર્કેટીંગ યાર્ડ દ્વારા સફેદ કાંદાનાં ઘટતા જતા ભાવોને કાબુમાં લેવા માટે ડીહાઈડ્રેશન ઉદ્યોગકારો અને કમિશન એજન્ટો સાથે મીટીંગ યોજાઈ હતી. આ વર્ષે સફેદ ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઇ છે. જેના કારણે હાલ સફેદ ડુંગળીનાં ભાવો એકદમ તળીયે બેસી ગયા છે ત્યારે ખેડુતો દ્વારા વારંવાર આંદોલનો થઈ રહ્યા છે. યાર્ડનાં ચેરમેન ગભરૂભાઈ કામળીયા દ્રારા પણ જયારથી ભાવો ઘટી રહ્યા છે ત્યારથી ભાવો બાબતે તેમજ ખેડુતોને સરકાર દવારા સહાયરૂપ થવામાં આવે તેવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ચેરમેન દ્રારા તા.૨૧/૪/૨૫ નાં રોજ તમામ ડીહાઈડ્રેશન ઉદ્યોગકારો તેમજ કમીશન એજન્ટોની બેઠક બોલાવી સફેદ કાંદાની આવકને પહોંચી વળવા તેમજ ભાવોમાં સુધારો લાવવા તમામનાં અભિપ્રાયો મેળવ્યા હતા. ત્યારબાદ હાલ પીક સીઝન સુધી ઉભા વાહનોમાં વેચાણ કરવાનું નકકી કરવામાં આવેલ છે. જે મુજબ તા. ૨૪/૫/૨૫ મહુવા યાર્ડમાં સફેદ કાંદાનું ઉભા વાહનોમાં વેચાણ કરાશે. તેનાથી પ્રમાણસર આવકો થશે અને દરરોજ આવક લઈ શકાશે જેથી ભાવમાં પણ સુધારો આવશે.