સૌરાષ્ટ્રના બે દિગ્ગજ પાટીદાર નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ બરાબરની જામી છે. આ એક પ્રકારનું કોલ્ડવોર બની ગયું છે. જેમાં ભાજપના નેતા જયેશ રાદડિયા અને પાટીદાર નેતા નરેશ પટેલ વચ્ચે લાંબા સમયથી વાકયુદ્ધ ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રના બે દિગ્ગજ લેઉઆ પાટીદાર આગેવાનો જયેશ રાદડીયા અને નરેશ પટેલ વચ્ચે હવે કોલ્ડવોર વકર્યુ છે. ત્યારે હવે નરેશ પટેલે થોડા દિવસો પહેલા આપેલા નિવેદનનો જયેશ રાદડિયાએ જવાબ આપ્યો છે. નરેશ પટેલના વિવાદીત નિવેદન બાદ જયેશ રાદડિયાએ સમય આવ્યે જવાબ આપવાની તૈયારી બતાવી. સાથે જ રાદડિયાએ નરેશ પટેલને પડકાર પણ આપ્યો છે.
જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ એકવાર ફરી હુંકાર કર્યો છે. સુરતમાં જયેશ રાદડિયાએ વિઠ્ઠલ રાદડિયાની પુણ્યતિથિ નિમિતે કાર્યક્રમમાં જાહેર મંચ પરથી નરેશ પટેલને પડકાર ફેંક્યો છે. જયેશ રાદડિયા અને ખોડલધામ ચેરમેન નરેશ પટેલ વચ્ચે લાંબા સમયથી વર્ચસ્વનો વિવાદ ચાલી રહ્યો છે. જયેશ રાદડિયાએ નરેશ પટેલને પડકાર આપ્યો કે, સમય આવ્યે જવાબ આપવાની બતાવી તૈયારી.
જયેશ રાદડિયાએ કહ્યું કે, એ જ સમાજ છે એજ લોકો છે જે રાજકીય રીતે ટોચ ઉપર બેસાડી શકે અને નીચે પણ બેસાડી શકે છે. સમાજ મજબૂત બને તે માટે પ્રયત્નો કરવા જાઈએ. અમુક લોકોને પેટમાં દુઃખે છે. સમાજનો આગેવાન મજબૂત હોય તેને સ્વીકારજા. માયકાંગલાની સમાજને જરૂર નથી, આવા પોતે તો ડૂબશે પણ સમાજને પણ ડૂબાડશે. માયકાંગલાની સમાજને કાલે જરૂર નથી આજે જરૂર નથી.
તેમણે આગળ કહ્યું કે, રાજકીય રીતે મજબૂત આગેવાન મળે ત્યારે નીચે બેસવાની મારી તૈયારી છે. સમાજમાં અનુક કહેવાતા લોકો છે જે પગ ખેંચવાનું બંધ કરી દે. સમાજનો ભાવ પૂછવાવાળું આવનારા સમયમાં કોઈ નહિ મળે તેવા દિવસો આવશે. અમે કોઈનું સારું ન કરી શકીએ તો કોઈને પાડી દેવાની અમારી વૃત્તિ નથી. ગુલામી કરી નથી કરવા માંગતા નથી તાકાતથી આગળ ચાલીએ છીએ. કોઈ પાડી દેવાના કાવત્રા કરતા હોય તો સફળ નહિ થાય.
તાજેતરમાં જામનગર ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં જયેશ રાદડિયાએ ખોડલધામના પ્રમુખ વિશે નિવેદન આપ્યું હતું કે, હું સમય આવશે ત્યારે જવાબ આપીશ. હું ઘરનો જ માણસ છું. ઘરની વાત હંમેશા ઘરમાં રાખી છે તેમાં બે મત નથી. બાકી સમય આવશે ત્યારે હું જવાબ આપીશ.તો થોડા દિવસો પહેલા વિવાદ વધતાં નરેશ પટેલે કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે, ઘરની વાત ઘરમાં રાખવી જાઈએ. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ખોડલધામ તરફથી કોઈ રાગ દ્વેશ રાખવામાં નથી આવતો, હું ખોડલધામ તરફથી ખાતરી આપું છું કે કોઈ રાગદ્વેશ નથી, જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા તેને જ્યારે જરૂર પડે છે ત્યારે તેમની સાથે ઉભા છે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં પાટીદાર રાજકારણમાં પ્રભુત્વની લડાઈ પર સૌની નજર છે. સૌરાષ્ટ્રના ટોચના બે પાટીદાર નેતા આમનેસામને આવ્યા છે. ઈફકોની ચૂંટણી જીત્યા બાદ આ મનભેદ થયા છે. જે કોલ્ડવોરમાં પરિણમ્યુ છે.