સરકારી સ્કૂલોના શિક્ષકો નોકરી સિવાય પણ અનેક ધંધા કરતા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે આ શિક્ષકોના લાખો-કરોડોના હવાલા અને સંપત્તિની તપાસ થશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગમાં ચાલતી પોલમપોલ અન્ય વિભાગોને આંટી મારી જાય તેવી છે. રાજ્યભરની શાળાઓમાં હજારો શિક્ષક કાર્યરત છે અને મહિને દહાડે કરોડો રૂપિયાનો પગાર પણ ચૂકવાય છે. સરકારી શાળામાં ભણતા બાળકોને શિક્ષક સારું શિક્ષણ આપવાના બદલે પોતાના અંગત કામો અને આર્થિક લાભ માટે ખોટા કામો કરી રહ્યાં હોવાના અનેક દાખલાઓ સામે આવી ચૂક્યાં છે. સુરત શહેરની એક સરકારી શાળાના પ્રિન્સીપાલ સંજય પટેલે મંજૂરી વિના અનેક વિદેશ પ્રવાસ કર્યા હોવાનો ઘટસ્ફોટ થતાં તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે. સંજય પટેલ હવાલા થકી મોટી રકમ દુબઈ  ખાતે મોકલી ધંધો કરતા હોવાની તેમજ કરોડો રૂપિયાની હેરફેર કરી હોવાના આરોપ લાગતા એસીબીમાં ફરિયાદ થઈ છે.એસીબીમાં થયેલી ફરિયાદ સંજય પટેલ માટે મોટી આફત ઉભી કરી છે.સરકારી નોકરીમાં મંજૂરી વિના એક વર્ષમાં વિદેશની ૧૬-૧૬ ટ્રીપ મારનારા સુરતના શિક્ષક પ્રિન્સીપાલ સંજય પટેલની પોલ ખુલી જતા સસ્પેન્ડ કરી દેવાયા છે. સરકારી નોકરીની ઐસી તૈસી કરનારા સંજય પટેલે દુબઈમાં પોતાના અને પત્નીના નામે એક વર્ષમાં જુદાજુદા ધંધાઓ શરૂ કરી દીધા છે. સંજય પટેલ અને તેમના પત્ની હિનલબહેન  યુએઇના રેસીડન્સ વિઝા ધરાવતા હતા. સંજય પટેલે દુબઈ ખાતે એક નહીં પરંતુ ત્રણ-ત્રણ કંપનીઓ શરૂ કરી છે. શિક્ષક સંજય પટેલ પોતાના અને પત્નીના નામે યુમકીન જનરલ ટ્રેડિંગ, શિવાલીક ટ્રાવેલ એન્ડ ટુર્સ અને સ્વરસ ઈન્ફોર્મેશન ટેકનાલાજી સાલ્યુશન નામની કંપની ચલાવે છે.મૂળ પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના સંજય પટેલ વર્ષોથી શિક્ષક  તરીકે અને છેલ્લાં ૧૦ વર્ષથી આચાર્ય તરીકે સુરત શહેરની શાળામાં ફરજ બજાવતા હતા. સંજય પટેલ સરકારી નોકરીની સાથે સાથે અનેક ધંધાઓ કરતા હતા. સંજય પટેલ કરોડો રૂપિયાના ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટમાં પણ ઝંપલાવતા હોવાનું સામે આવ્યું છે. એક સરકારી કર્મચારી તરીકે સંજય પટેલે લાખો-કરોડો રૂપિયાની બેંક તેમજ આંગડીયા પેઢીઓમાં હેરફેર કરી છે. હવાલા થકી દુબઈ  ખાતે પણ મોટી રકમ મોકલી આપી ત્યાં જુદાજુદા ધંધાઓમાં રોકાણ કર્યું છે.મણીનગર પોલીસ સ્ટેશનમાં સંજય પટેલે ગત ૨૧ નવેમ્બરના રોજ નોંધાવેલી અપહરણની ફરિયાદમાં કરોડોની લેવડ-દેવડનો ઉલ્લેખ કર્યો છે. અપહરણના કેસ માં કરોડો રૂપિયાના વ્યવહાર, ઉછીની રકમ, વ્યાજ અને ચૂકવણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક ચર્ચા અનુસાર એક અધિકારી સાથે ગોઠવણ કરીને કરોડો રૂપિયાની બાકી ઉઘરાણી ટાળવા માટે અપહરણની ફરિયાદમાં તે રકમ દુબઈ સ્થિત ચંદ્રેશ મકાસણાને ચૂકવી દેવામાં આવી હોવાનું સૂચક રીતે દર્શાવવામાં આવ્યું છે. ૩.૫૦ કરોડ રૂપિયાની લેવડ-દેવડમાં સંજય પટેલનું અપહરણ કરાયું હોવાનો એફઆઇઆરમાં ઉલ્લેખ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળાના શિક્ષક હોવા છતાં સંજય પટેલે સરકારી કામ કરવા માટે ભાગીદારીમાં ૧૪ કરોડનું રોકાણ કર્યું હોવાની કબૂલાત ફરિયાદમાં કરી છે. આ કેસની તપાસ મણીનગર પીઆઈ ડી. પી. ઉનડકટ ચલાવી રહ્યાં છે.