તાપી જિલ્લાના સોનગઢ અને વ્યારા તાલુકા અને સુરત જિલ્લાના માંડવી તાલુકામાં મોટી સંખ્યામાં ચર્ચ અને ખ્રિસ્તી ધર્મસ્થળો સ્થાપિત થયા છે

રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તાપી જિલ્લાના સોનગઢના ગુણસડા ગામમાં યોજાઈ રહેલી મોરારી બાપુની રામ કથામાં હાજરી આપી હતી અને બાપુના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન હર્ષ સંઘવીએ મંચ પરથી સંબોધન કરતા કહ્યું કે, નિર્દોષ આદિવાસીઓનું ખોટી રીતે ધર્માંતરણ કરનારાઓ માટે કાયદામાં કોઈ છટકબારી છોડવામાં આવશે નહીં.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે હોળીના તહેવાર નિમિત્તે તાપી જિલ્લામાં યોજાઈ રહેલી મોરારી બાપુની રામ કથામાં પહોંચ્યા અને બાપુના આશીર્વાદ લીધા. આ સાથે, તેમણે સમગ્ર તાપી જિલ્લાના લોકોને હોળીના તહેવારની શુભેચ્છા પાઠવી. બીજી તરફ, ગૃહ રાજ્યમંત્રીએ જાહેર મંચ પરથી મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે સરકાર આદિવાસી વિસ્તારોના નિર્દોષ આદિવાસીઓને ગેરમાર્ગે દોરનારા અને ખોટા રસ્તે લઈ જનારાઓ સામે કડક કાર્યવાહી કરશે. જેમાં ખાસ કરીને જા જિલ્લામાં ધર્મ પરિવર્તન સંબંધિત કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે, તો ધર્મ પરિવર્તન સંબંધિત કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરીને લોકોને ખોટી રીતે ફસાવનારાઓ માટે કોઈ છટકબારી છોડવામાં આવશે નહીં.
આજે હોળીના અવસરે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી મુકેશ પટેલ અને ભાજપ પ્રમુખે મોરારી બાપુને તિલક લગાવીને હોળીના તહેવારની ઉજવણી કરી. તે જ સમયે, મોરારી બાપુએ એમ પણ કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં જ્યાં મફત શિક્ષણના નામે ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ત્યાં ઉદ્યોગપતિઓએ આવીને આદિવાસી વિસ્તારોમાં શાળાઓ ખોલવી જાઈએ. મોરારી બાપુ જે પણ વિસ્તારોમાં શાળાઓ ખોલવામાં આવશે ત્યાં એક લાખ રૂપિયાનું દાન કરશે.
ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લાના સોનગઢ અને વ્યારા તાલુકા અને સુરત જિલ્લાના માંડવી તાલુકામાં મોટી સંખ્યામાં ચર્ચ અને ખ્રિસ્તી ધર્મસ્થળો સ્થાપિત થયા છે. દરેક ગામમાં એક થી બે ચર્ચ અને પ્રાર્થના સ્થળો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ દર્શાવે છે કે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. ખાસ કરીને તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, ડોલવણ અને ઉચ્છલમાં મોટી સંખ્યામાં આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે. એવો અંદાજ છે કે સોનગઢ તાલુકામાં ૫૦૦થી વધુ ચર્ચ, વ્યારા તાલુકામાં ૨૦૦ થી વધુ ચર્ચ અને ડોલવણ અને ઉચ્છલ તાલુકામાં ૧૦૦-૧૦૦ ચર્ચ બનાવવામાં આવ્યા છે.