સરદાર પટેલના દેહાવસાનને આજે ૭૪ વર્ષ પૂરાં થયાં છે. તેઓ ૭૫ વર્ષે અવસાન પામ્યા. તેમના જન્મને સાર્ધ શતાબ્દિનું વર્ષ ચાલુ થયું છે. તેમના જીવન અંગે નહેરુવાદી ચશ્માથી વધુ લખાયું છે અને એવું સાબિત કરવા પ્રયાસ કરાતો રહ્યો છે કે સરદાર પટેલને વડાપ્રધાન બનવાની મહ¥વાકાંક્ષા નહોતી, તેમને નહેરુ સાથે કોઈ સમસ્યા નહોતી, તેઓ મુસ્લિમ વિરોધી હતા, તેઓ સંઘ વિરોધી પણ હતા.
જૂઠાણાં, જૂઠાણાં અને નકરાં જૂઠાણાં.
પ્રથમ તો, નહેરુ સત્તા માટે બળવો કરે (તેમના પિતા મોતીલાલ નહેરુ ડિસેમ્બર ૧૯૨૨માં સ્વરાજ પક્ષ સ્થાપીને એ કરી ચૂક્યા હતા) અને દેશની સ્વતંત્રતા સમયે જ કાંગ્રેસના બે ટુકડા થાય તે સરદારને સ્વીકાર્ય ન હોય તે સ્વાભાવિક છે. આથી જ ૧૫માંથી ૧૨ સમિતિ (એટલે કે ૧૫માંથી ૧૨ રાજ્યોએ) સરદાર પટેલને દેશના વડાપ્રધાન માટે ચૂંટી કાઢ્યા હતા અને નહેરુને એક પણ મત નહોતો મળ્યો. પરંતુ આજે ‘ઇવીએમ હૅકિંગ’નો આક્ષેપ કરતી નહેરુવાદી કાંગ્રેસે તે સમયે ‘ગાંધીજીનું હૅકિંગ’ કરી લીધેલું. ગાંધીજીને આમેય નહેરુ કુટુંબના બધા સભ્યો પ્રત્યે કૂણી લાગણી હતી. નહેરુની બહેન સરૂપ નહેરુ(વિજયાલક્ષ્મી પંડિત)નાં મુસ્લિમ પત્રકાર સૈયદ હુસૈન સાથે ગુપ્ત રીતે થયેલાં પ્રેમલગ્ન વિશ્વ સમક્ષ જાહેર ન થાય તે માટે તેમને ‘તેમનાં પાપ ધોવાં’ ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં અંતેવાસી તરીકે મોકલી દીધાં હતાં.
ગાંધીજીએ ચબરખીમાં આદેશ કર્યો ને સરદારે તે માની લીધો. અને તે પછી દેશ માટે થઈને સરદારે નહેરુની આડોડાઈ છતાં તેમને સાંખી લીધા. સરદાર દેશને એક રાખવા માટે ‘આઉટ આૅફ વે’ જઈ શકતા હતા અને ગયા. તે રીતે તેમણે હૈદરાબાદ રાજ્ય અને જૂનાગઢ રાજ્યને પાકિસ્તાનમાં ભળતા બચાવી લીધું. કાશ્મીર પર પાકિસ્તાને કબીલાઈના વેશમાં સૈનિકોને મોકલીને આક્રમણ કર્યું ત્યારે મંત્રીમંડળની બેઠકમાં નહેરુ જેટલો બને તેટલો સમય પસાર કરવા માગતા હતા. તેઓ આવા કટોકટીના સમયે આંતરરાષ્ટ્રીય રાજકારણની ચર્ચા કરતા હતા. બધાનો જીવ તાળવે ચોંટેલો હતો. જેટલો સમય વધુ બગડે તેટલું ભારતને વધુ નુકસાન જાય તેમ હતું.
અંતે સરદાર પટેલથી ન રહેવાયું. તેમનો પિત્તો ગયો. તેઓ નહેરુ તરફ ફર્યા અને પૂછ્યું, “જવાહર, તમારે કાશ્મીર જોઈએ છે કે તમે તેને જતું રહેવા દેવા માગો છો?” નહેરુ એમ થોડા કહે કે આમ તો મારી ઇચ્છા એવી જ છે કે જેટલું બને તેટલું વધુ કાશ્મીર પાકિસ્તાન લઈ લે. નહેરુ બોલ્યા. કહો કે, બોલવું પડ્‌યું. “હા હા, મારે કાશ્મીર જોઈએ છે.” સરદારે ઔપચારિકતા માટે નહેરુને કહ્યું, “કૃપા કરીને તમે આદેશ આપો.” પરંતુ નહેરુ કંઈ બોલે તે પહેલાં સરદાર સામ માણેક શા તરફ જોઈને બોલ્યા, “તમને તમારો આદેશ મળી ગયો ને?” (જાવ હવે વિજય મેળવીને આવો.)(સંદર્ભઃ વરિષ્ઠ પત્રકાર પ્રેમશંકર ઝાએ લીધેલા વીર સૈન્ય અધિકારી સામ માણેક શાનો ઇન્ટરવ્યૂ)
કોઈ કહી શકે કે દેશના હિતમાં સરદારને નહેરુ સાથે મતભેદ નહોતા? સરદારને ગાંધીજી સાથે પણ મતભેદ હતા. સરદાર પટેલ ચુસ્ત હિન્દુવાદી હતા. પરંતુ તેમનો હિન્દુવાદ છત્રપતિ શિવાજી, અટલજી, અડવાણીજી કે નરેન્દ્ર મોદીજી જેવો જ હતો. એ હિન્દુવાદ મુસ્લિમ વિરોધી નહોતો.
સરદાર પટેલ સાચા સૈનિક હતા. અને આદેશ પાળવા માટે તેઓ અહંકાર ત્યાગી દેતા. આથી ખિલાફત ચળવળને તેમણે ટેકો આપ્યો હતો.
સીમા પાર એટલે કે નવા રચાયેલા પાકિસ્તાનમાં હિન્દુઓ અને શીખો પર મુસ્લિમો અત્યાચાર કરી રહ્યા હતા. ત્યાંથી અહીં આવતી ટ્રેનો હિન્દુઓ અને શીખોની લાશોથી છલોછલ રહેતી હતી. આથી પંજાબના શીખોએ સંકલ્પ કર્યો કે અહીંથી મુસ્લિમોને પાકિસ્તાન નહીં જવા દઈએ. આવા સમયે સરદાર પટેલ ગૃહ પ્રધાન તરીકે અમૃતસર ગયા અને તેમણે કહ્યું, “નિઃશસ્ત્ર સ્ત્રી-પુરુષો અને બાળકોને નિર્દયતાથી મારવું વીરોને શોભા નથી દેતું. આ તો પશુતા અને જંગલીપણું છે. હું તમને અપીલ કરું છું કે તમે મુસ્લિમ શરણાર્થીઓને સુરક્ષિત રીતે જવા દો.” પરંતુ મુસ્લિમોને કડવા સત્યનો ડાઝ આપતા સરદાર પટેલ ખચકાતા નહોતા. કોલકાતામાં ૬ જાન્યુઆરી ૧૯૪૮ના દિવસે આપેલા ભાષણમાં તેમણે કહ્યું હતું, “હું તેમને (મુસ્લિમોને) સ્પષ્ટ રીતે કહી દેવા માગું છું કે તેમની ભારતીય સંઘ પ્રત્યે નિષ્ઠાની ઘોષણા કરી દેવા માત્રથી નાજુક સમયે કામ નહીં બને. તેમણે આ ઘોષણાનો પુરાવો આપવો પડશે.” આજે જો કોઈએ આવું કહ્યું હોય તો તેના પર સેક્યુલર પક્ષો, મીડિયા હોબાળો કરી દે, ફિલ્મોમાં આવાં દૃશ્યો લખાઈ જાય. પુસ્તકો પ્રકાશિત થઈ જાય.
તેમણે આ જ ભાષણમાં કહ્યું હતું, “જે મુસલમાનો હજુ પણ ભારતમાં છે, તેમનામાંથી ઘણાએ પાકિસ્તાન નિર્માણમાં મદદ કરી છે. શું તેમનું રાષ્ટ્ર રાતોરાત બદલાઈ ગયું છે? મને સમજાતું નથી કે આ આટલું કેવી રીતે બદલાઈ ગયું? તેઓ હવે કહે છે કે તેઓ નિષ્ઠાવાન છે અને પૂછે છે કે તેમની નિષ્ઠા પર પ્રશ્નો કેમ ઉઠાવવામાં આવે છે. તો હું ઉત્તર આપું છું કે તમે અમને કેમ પ્રશ્ન પૂછો છો? સ્વયંને પૂછો.”
પાકિસ્તાને (એટલે કે ભારતના ભાગલાવાદી મુસ્લિમો જે પાકિસ્તાનમાં જઈ વસ્યા) ભારતને વિભાજન સમયથી જ દંશ મારવાનું ચાલુ કરી દીધું હતું. સરદાર પટેલ તો સ્વતંત્રતા પછી ત્રણ વર્ષ જ રહ્યા પરંતુ એ ત્રણ વર્ષમાં પણ તેમને પાકિસ્તાન વિશે બહુ ‘અમન કી આશા’ પ્રકારના ‘ટાઇમ્સ આૅફ ઇન્ડિયા’ સપનાં નહોતાં. તેમણે કહેલું, “તમે પાકિસ્તાન બનાવ્યું, તમારા માટે સારું છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાને અને ભારતે સાથે આવવું જોઈએ. હું કહું છું કે
કૃપા કરીને આવી વાતો કહેવાથી બચવું જોઈએ. પાકિસ્તાનને સ્વર્ગ બનવા દો, આપણે ત્યાંથી આવતી ઠંડી હવાનો આનંદ મેળવીશું.”
પરંતુ સરદાર જેવું વિઝન કોઈ શાસકમાં જોવા ન મળ્યું અને પાકિસ્તાનના ૧૯૪૭, ૧૯૬૫, ૧૯૭૧, ૧૯૯૯ જેવા દંશ છતાં ભારતના શાસકો પાકિસ્તાનના શાસકોની મીઠીમધુરી ભાષાજાળમાં ફસાઈને અને ભારતના સેક્યુલર મીડિયા, જાવેદ અખ્તરો, મણિશંકર અય્યરોને વ્હાલા થવા માટે પાકિસ્તાન સાથે મિત્રતાનો હાથ લંબાવતા રહ્યા. દિલ મિલે ન મિલે, હાથ મિલાતે રહિએ.
આ જ દૂરદૃષ્ટિના કારણે સરદાર ચીનના દુષ્ટ આશયો પણ પામી ગયા હતા. તેમણે ૭ નવેમ્બર ૧૯૫૦ના દિને વડાપ્રધાન નહેરુને પત્ર લખી ભારત અને ચીન વચ્ચે બફર દેશ તિબેટને હડપવાની ચીનની યોજના વિશે ચેતવ્યા હતા અને કહ્યું હતું કે આ મુદ્દે રણનીતિ ઘડવા આપણે મળવું જોઈએ. પરંતુ નહેરુને તો પાકિસ્તાન અને ચીન જ વધુ વ્હાલા હતા. તેમણે આ પત્ર બીજા કેબિનેટ પ્રધાનને આપી દીધો. સરદારે પત્ર લખી નહેરુને કહ્યું હતું કે હિન્દી-ચીની ભાઈ-ભાઈ વાત સાવ વાહિયાત છે. અમેરિકા સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદમાં ભારતને સ્થાયી સભ્ય બનાવવા માગતું હતું પરંતુ ચીનપ્રિય નહેરુએ ચીનનું નામ સૂચવ્યું. તે અંગે ચેતવતા સરદારે કહ્યું હતું કે આ એક દિવસ ભારત માટે ખૂબ જ ભયાવહ સાબિત થશે. આજે આ વાત કેટલી સાચી પડી છે ! મોદી છેલ્લાં દસ વર્ષથી સ્થાયી સભ્યપદ માટે સતત ઝુંબેશ કરી રહ્યા છે પરંતુ નહેરુની ભૂલ ભારે પડી રહી છે.
તેમના અંતિમ દિવસોમાં સરદાર ચીનની વિસ્તારવાદી નીતિઓથી ચિંતિત હતા. ચીનની દૃષ્ટિ નેપાળ, પાકિસ્તાન, કાશ્મીર, આસામ અને બર્મા (આજે નામ મ્યાંમાર છે) પર હતી. તેમણે એક કડક ભાષણમાં કહ્યું હતું, “હમારેં ચારો ઓર આગ લગી હુઈ હૈ, હમેં હર હાલાત મેં અપને દેશ કી રક્ષા કરની હૈ, યદિ અહિંસા સે હો તો ઠીક, વર્ના આક્રમણ કા ઉત્તર આક્રમણ સે દેકર.” નવેમ્બર ૧૯૪૭માં સરદાર જૂનાગઢ આવ્યા હતા. તે વખતે તેઓ સોમનાથ મંદિરના દર્શને પણ ગયા હતા. તેમના સાથી વી.પી. મેનન મુજબ, “એક સમયે જે મંદિર ભારતનું ગૌરવ હતું તેની દુર્દશા જોઈને સરદાર વ્યથિત થઈ ગયા. તેમણે સોમનાથનો જીર્ણોદ્ધાર કરીને તેનું ગૌરવ પુનઃસ્થાપિત કરવાનું નક્કી કર્યું.” તેમણે જાહેર કર્યું કે “આનાથી હિન્દુઓની લાગણીનું સન્માન થશે.” કહેવાની કોઈ આવશ્યકતા ખરી કે ગાંધીજી અને નહેરુ સોમનાથના જીર્ણોદ્ધારના વિરોધમાં હતા? તેમને લાગ્યું કે આનાથી ભારતની પંથીય તટસ્થતા જોખમાશે. પરંતુ કાંગ્રેસમાં હિન્દુવાદી નેતાઓ હતા. તેમનું સરદારને સમર્થન હતું. ડા. રાજેન્દ્રપ્રસાદ અને ગુજરાત કાંગ્રેસ (અને અત્યારની ગુજરાત કાંગ્રેસ?)નો પૂરેપૂરો ટેકો હતો. સરદાર તો પછી સોમનાથના મંદિરને ફરી ગૌરવવંતી સ્થિતિમાં જોવા નહોતા રહ્યા પરંતુ નહેરુના વિરોધ છતાં ડા. રાજેન્દ્રપ્રસાદ, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિએ પ્રાણપ્રતિષ્ઠા કરી જ.
સરદાર પટેલે ગાંધીજીની હત્યા પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમને સંઘના સ્વયંસેવકોની સક્રિયતાથી ચિંતા પણ હતી. તેમણે કહ્યું હતું, “હમારે આરએસએસવાલે નૌજવાન ભાઈ હૈ જો ગાંવ-ગાંવ ઘૂમતે રહતે હૈ ઔર બહુત સી બાતેં કરતે હૈ. વે લોગ અગર ગલત રાસ્તે પર ચલતે હો તો ઉનકો ઠીક રાસ્તે પર લાના હમારા કામ હૈ.” કદાચ, સરદારને સંઘ વિશે ગેરસમજ હતી પરંતુ તેમને દ્વેષ નહોતો. તેમને ખબર હતી કે સંઘસ્વયંસેવકો નિતાંત દેશભક્ત હતા. આથી જ આ ભાષણમાં જ તેમણે કહ્યું હતું, “આપણે તેમને સમજાવવા જોઈએ કે તેમની રીત ખોટી છે. આ કામ આૅર્ડિનન્સથી ન થઈ શકે. તેનાથી તો તેઓ ઉંધા માર્ગે ચાલશે. આથી હું થોડી ટાઢકથી કામ લઉં છું.” (ભારત કી એકતા કા નિર્માણ, પ્રકાશન વિભાગ, માહિતી અને પ્રસારણ ખાતું, ભારત સરકાર, તૃત્તીય સંસ્કરણ ૨૦૧૫, પૃષ્ઠ ૬૭) સરદારને ખબર હતી કે નહેરુ અને તેમના ચમચાઓ સંઘ વિરોધી અને હિન્દુ વિરોધી છે. આથી સરદારે કાંગ્રેસને પણ સલાહ આપી હતી કે “જો કાંગ્રેસમાં કામ કરવાવાળા લોકો ઠીક રીતે કામ કરશે તો આરએસએસવાળા આજકાલ જે રીતે કામ કરી રહ્યા છે તે રીતે નહીં કરે. કાંગ્રેસવાળાઓનું કામ છે કે તેમને મળે, તેમને મોહબ્બતથી સમજાવે અને ખોટા માર્ગ પરથી સાચા માર્ગ પર લાવે.”
સરદારની વાત જો આજના કાંગ્રેસીઓ- વિશેષ રૂપે સોનિયા અને રાહુલ ગાંધી માટે એ અર્થ થયો કે તમારી ‘મોહબ્બત કી દુકાન’ માત્ર આતંકવાદીઓ અને તેના સમર્થકો માટે નથી. ‘ભારત તેરે ટુકડે હોંગે’, ‘અફઝલ હમ ર્શમિંદા હૈ, તેરે કાતિલ ઝિંદા હૈ’ સૂત્રો પોકારનારા માટે નથી. દેશપ્રેમી હિન્દુઓ માટે પણ છે. સરદારે હિન્દુ મહાસભા અને સંઘને કાંગ્રેસની અંદર ભળી જવા કહ્યું હતું. સરદાર લાંબું વિચારી શકતા હતા. જો કદાચ સંઘ અને હિન્દુ મહાસભાએ તેમની વાત માની હોત તો કાંગ્રેસની દશા જુદી હોત. સંઘને જનસંઘ (જે પછી ભાજપ બન્યો) તે સ્થાપવો ન પડ્‌યો હોત. અનેક ‘જો અને તો’ને અવકાશ ન હોત.
નહેરુના સરદારને હટાવવા અથવા તેઓ જાતે જ કાંગ્રેસ છોડી દે તે માટેના પ્રયાસો તો સ્વતંત્રતા પૂર્વે જ શરૂ થઈ ગયા હતા ! નહેરુએ આ માટે તેમના મહિલા પ્રશંસકોને આગળ કર્યા હતા. ઈ. સ. ૧૯૪૭માં સ્વતંત્રતા મળવાને હજુ સાત મહિનાની વાર જ હતી ત્યાં નહેરુના અને તેમના મળતિયાઓના કાવાદાવા શરૂ થઈ ગયા હતા. સરદારે આ બાબતે વાંધો ઉઠાવતો એક પત્ર ગાંધીજીને ૭ જાન્યુઆરી ૧૯૪૭ના દિને લખ્યો હતો અને તેમાં મૃદુલા સારાભાઈ અંગે દુઃખ વ્યક્ત કરતા લખ્યું હતું કે મૃદુલા સારાભાઈ જ્યારે ને ત્યારે મારી સામે અણછાજતા શબ્દો જ કાઢતાં રહે છે. સરદારે લખ્યું હતું કે મૃદુલા સારાભાઈ એવો અપપ્રચાર કરી રહ્યાં છે કે હું જવાહરલાલથી પીછો છોડાવવા માગું છું અને નવો પક્ષ બનાવવા માગું છું. એટલું જ નહીં, નહેરુના આ મળતિયાઓ તે સમયે હિન્દુ વિરોધી ત્રાસવાદી જેવા રઝાકારોની તરફેણમાં પણ હતા. જેમ કે પદ્મજા નાયડુ. સરોજિની નાયડુનાં પુત્રી પદ્મજા નહેરુના નિવાસમાં જ રહેતાં હતાં, તે સર્વવિદિત છે. પદ્મજાએ માગણી કરી હતી કે અનેક હિન્દુઓની હત્યાના આરોપી રઝાકાર મીર અસગર અલી અને બકેર હુસૈન કુરૈશીને ક્ષમા આપી દેવામાં આવે ! ‘થ્રી ઇડિયટ્‌સ’ની ભાષામાં કહીએ તો, લિખ પદ્મજા રહી થી, પર શબ્દ નહેરુ કે હી હો સકતે થે. સરદારે તેમની માગણી ચોખ્ખેચોખ્ખી ફગાવી દીધી હતી અને ન્યાયના માર્ગમાં હસ્તક્ષેપ કરવાના પદ્મજાના દુષ્ટ આશયવાળા પ્રયાસો સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકાર તો રઝાકારો પ્રત્યે ઉદાર છે જ. સંડોવાયેલા પૈકી માત્ર એક ષષ્ઠાંશ સામે જ કાર્યવાહી ચાલી રહી છે. સરદારનાં દીકરી મણિબહેનને પણ શંકા હતી કે મૃદુલા અને પદ્મજા, રફી અહમદ કિડવાઈ સાથે મળીને સરદારને હાંસિયામાં ધકેલવા માગે છે, તેના કારણે સરદારના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે. (મણિબહેનની ડાયરી, સંપાદક- પી. એન. ચોપડા અને પ્રભા ચોપડા) સ્વતંત્રતા પછી ઈ. સ. ૧૯૫૦માં કાંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી થવાની હતી. પુરુષોત્તમદાસ ટંડન (પી.ડી. ટંડન) અને આચાર્ય કૃપલાણી મુખ્ય પ્રતિસ્પર્ધી હતા. ટંડનને સરદારનું અને કૃપલાણીને નહેરુનું પીઠબળ હતું. ટંડન જીતી ગયા. આમ, કાંગ્રેસ પર સરદારનું સંપૂર્ણ નિયંત્રણ હતું. પરંતુ સરદાર ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના દિને ગુજરી ગયા. ગુરુ ગાંધીજીએ જેમ ત્રાગું કરીને નેતાજી સુભાષચંદ્ર બોઝને કાંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નીકળી જવા વિવશ કર્યા હતા તેમ નહેરુએ પણ સરદારના અવસાનના એક જ વર્ષમાં ત્રાગુ કરી ત્યાગપત્ર આપી દેતાં ટંડને પોતે જ પદ છોડી દીધું. તે પછી એક પછી એક જમણેરીઓને પક્ષમાંથી દૂર કરવામાં નહેરુ સફળ રહ્યા. વિરાટનો અંત આવ્યો, વેંતિયાઓ ફાવી ગયા.