‘સાબરમતી રિપાર્ટ’ ફિલ્મ બે દિવસ પહેલાં રજૂ થઈ છે. આ ફિલ્મ ગોધરા કાંડ પર છે. આ ફિલ્મની નિર્માત્રી એકતા કપૂર છે. એટલે એમ કહી શકાય કે સો ચૂહે માર કે બિલ્લી હજ કો ચલી. જોકે હવે બિલ્લીએ ચૂહા મારવાનું બંધ કરી જ દીધું છે તેમ કહી ન શકાય. આ ફિલ્મ ગોધરા કાંડ એટલે કે ગોધરા સ્ટેશન પર સાબરમતી ઍક્સ્પ્રેસમાં ૫૯ હિન્દુ યાત્રાળુઓ જેમાં ૨૭ મહિલા અને ૧૦ બાળકો હતાં તેમને ષડયંત્રપૂર્વક જિહાદીઓએ જીવતાં સળગાવી દીધા હતા તેના પર આધારિત છે.
આ વિષય પર ફિલ્મ, મૂળ ઘટનાનાં છેક ૨૨ વર્ષ પછી બને તે પણ આશ્ચર્યની વાત કહેવાય. ગોધરા કાંડના પગલે ગુજરાતમાં ફાટી નીકળેલા સામસામે રમખાણો, જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને માર્યા ગયા હતા, પરંતુ સેક્યુલર રાજકારણી, બુદ્ધુજીવીઓ, લેખકો, કાલમિસ્ટો, એનજીઓ, ભારતનું અંગ્રેજી મીડિયા અને હિન્દી મીડિયા, આંતરરાષ્ટ્રીય મીડિયા બધાએ એવું નેરેટિવ બનાવી દીધું હતું કે જાણે આ પ્રકારનાં રમખાણો વિશ્વમાં પહેલી વાર ગુજરાતમાં જ થયાં છે. એમાંય આ રમખાણોમાં માત્ર મુસ્લિમો જ મર્યા છે.
આના પર છ ફિલ્મો પણ બની ગઈ. એક હતી રાકેશ શર્માની ‘ફાઇનલ સાલ્યૂશન’. બીજી હતી ૨૦૦૪માં આવેલી ગોવિંદ નિહલાની નિર્દેશિત અમિતાભ બચ્ચન અને ઓમ પુરી દ્વારા અભિનિત ‘દેવ’. ત્રીજી હતી રાહુલ ધોળકિયાની ‘પરઝાનિયા’ જે ૨૦૦૫માં આવી. ચોથી હતી ગુજરાતી માતાની સેક્યુલર પુત્રી નંદિતા દાસની ‘ફિરાક’. પાંચમી હતી સુભાષ ઘઈની અનિલ કપૂરને લઈને બનાવેલી ‘બ્લેક એન્ડ વ્હાઇટ’. છઠ્ઠી હતી ૨૦૧૩માં આવેલી રાજકુમાર રાવ, સુશાંતસિંહ રાજપૂત અને અમિત સાધની ‘કાઇપો છે’.
આ સિવાય અનેક દસ્તાવેજી ફિલ્મો બની તે અલગ. તેમાંની એક ચર્ચાસ્પદ રહી બીબીસીની ‘ઇન્ડિયા ઃ ધ મોદી ક્વેશ્ચન’. અનેક પુસ્તકો અને લેખો લખાયા, તેને મુસ્લિમ જિનોસાઇડ, મુસ્લિમ પાગ્રોમ આવી ઉપમા અપાઈ. એટલે કે મુસ્લિમોનો નરસંહાર. વાસ્તવમાં કોનો નરસંહાર થયો હતો? વાસ્તવમાં નિર્દોષ કારસેવકો, મહિલાઓ અને બાળકોને સૂતા મારી નાખવાનું જિહાદીઓએ કેમ કાવતરું ઘડેલું તે પ્રશ્ન તો બાજુ પર જ મૂકી દેવાયો હતો અને બધું ધ્યાન રમખાણો પર જ આપી દેવાયું હતું જેથી આ રમખાણોનું કારણ એવા ગોધરા કાંડને લોકો ભૂલી જાય. શું આ કારસેવકોનો એ જ વાંક હતો કે તેઓ અયોધ્યામાં કારસેવા કરીને પરત ફરી રહ્યા હતા? અને આ ઘટના બની તે પછી પણ રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવના આદેશથી ન્યાયમૂર્તિ યુ. સી. બેનર્જી પંચે તો એવું સાબિત કરવાનો પ્રયાસ કરેલો કે ગોધરા કાંડ પાછળ કોઈ ષડયંત્ર નહોતું, તે તો અકસ્માત જ હતો.
પરંતુ એકેય માઇના લાલે અત્યાર સુધી ગોધરા કાંડ પર ફિલ્મ બનાવવાનું સાહસ નહોતું કર્યું. એકતા કપૂરે વળી કર્યું તે બદલ તેની પીઠ થાબડીએ પરંતુ એક ચોખવટ એ ખરી કે તેના કારણે તેણે સાસ-બહુનાં ષડયંત્રોવાળા ધારાવાહિક બનાવી ઘર ભાંગ્યા અને હિન્દુ રીતરિવાજોને ખોટી રીતે રજૂ કરી તેનાથી પણ લોકો દૂર થયા અને ‘એક્સએક્સએક્સ’ તેમજ ‘ગંદી બાત’ જેવી વેબ શ્રેણીઓ દ્વારા અશ્લીલતા ફેલાવી તે પાપ ભૂંસાઈ નહીં જાય, તેમાંય છેલ્લે તો તેના અને તેની માતા શોભા કપૂર પર સગીર યુવતીઓ પર સેક્સનાં દૃશ્યો ફિલ્માવાયા બદલ પાક્સો અધિનિયમ હેઠળ કેસ થયો છે. તેનો સાવ વાહિયાત બચાવ એવો કરાયો કે બંને મા-દીકરી કંપનીના દૈનંદિન કામોમાં લિપ્ત નથી હોતા. એટલે તેમને ખબર નહોતી.
ગોધરા કાંડ પર બનેલી આ ફિલ્મ અંગે પત્રકારો ગોળ-ગોળ પ્રશ્નો કરે છે અને જે સમાચારો છપાય છે તેમાં પણ મૂળ વિષય અંગે તો મથાળાં બંધાતાં જ નથી. લેફ્‌ટ-લિબરલોને પસંદ ન પડે તેવા વિષય પર આવું જ કરાતું હોય છે. કાં તો અવગણના કરાય એટલે કે સદંતર તેના વિશે છપાય જ નહીં. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘કેરળ સ્ટારી’ વિશે ફિલ્મી પત્રકારોએ બહિષ્કાર કર્યો હતો. ‘બસ્તર’ ફિલ્મ વખતે અદા શર્માની બીજી બધી વાતો પર સમાચારો બનતા હતા જેમ કે તેને ગુજરાતમાં શું ભાવે છે, તેને પિરિયાડિક ટેબલ આવડે છે વગેરે વગેરે. એવું જ ‘સાબરમતી રિપાર્ટ’ અંગે છે. ઘણા તો આને પ્રાપેગેન્ડા ફિલ્મ ગણાવે છે. તે પણ જોયા વગર. જોકે આ પહેલી વાર નથી જમ્મુ-કાશ્મીરના ઊડીમાં જવાનો પર પાકિસ્તાની ત્રાસવાદીઓએ આક્રમણ કર્યું તે પછી ભારતની વીર સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આ સાચી ઘટના પર ‘ઊડીઃ સર્જિકલ સ્ટ્રાઇક’ નામની સુંદર ફિલ્મ વિકી કૌશલ અને યામી ગૌતમને લઈને બની હતી. પરંતુ આ ફિલ્મને હાડોહાડ સામ્યવાદી સમાચાર વેબસાઇટ ‘ધ વાયર’માં તેને ‘ટાક્સિક હાઇપર નેશનાલિઝમ’ ગણાવવામાં આવી હતી. એટલે કે ફિલ્મમાં ઝેરી અને અતિશય રાષ્ટ્રવાદ બતાવવામાં આવ્યો છે. બોલો ! ઝેરી રાષ્ટ્રવાદ હોય? તો અજય દેવગન અને અભિષેક બચ્ચનની ‘ઝમીન’ શું હતી? કાંગ્રેસ શાસનમાં બનેલી ધર્મેન્દ્ર-માલાસિંહાની ‘આંખે’, ‘ઉપકાર’, ‘ક્રાંતિ’, ‘કર્મા’, ‘ફરિશ્તે’ વગેરે શું હતી?
ભારત સ્વતંત્ર થયું ત્યારથી લઈ આજે પણ દરેક હિન્દી ફિલ્મ, સિરિયલ અને નાટકમાં ઘર/પોલીસ મથક/કાર્ટમાં દીવાલ પર ગાંધીજી, નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી આ બધાની તસવીર અચૂક હોય જ છે. શું આ અતિ ચાપલૂસી નથી? કેમ વીર સાવરકર, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, વીરગત ભગતસિંહ, શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધિંગરા, ચાફેકર બંધુઓ, વગેરેની તસવીર ક્યાંય જોવા નહોતી મળતી?
‘વાયર’ સહિતની વેબસાઇટોએ અને મીડિયાએ તો ‘ઊડીઃ સર્જિકલ સ્ટ્રાઇક’, ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’, ‘ઠાકરે’ વગેરે ફિલ્મોના રિવ્યૂ નહોતા કર્યા અથવા તો તેને પ્રાપેગેન્ડા ફિલ્મ ગણાવી હતી. તો રિચર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મ શું હતી? ‘ઉપકાર’ના ગીત ‘મેરે દેશ કી ધરતી’માં નહેરુ, લાલબહાદુર શાસ્ત્રીના વખાણ આવે છે તે શું હતું?
ચીન સામે યુદ્ધ હારી ગયા પછી કવિ પ્રદીપ પાસે ગીત લખાવડાવ્યું અને સી. રામચંદ્રએ તેને પોતાની ધૂન દ્વારા તેમજ લતા મંગેશકરે પોતાના કંઠ દ્વારા અમરત્વ આપ્યું તે ગીત ‘ઐ મેરે વતન કે લોગોં’ ગીતને પણ આ લેફ્‌ટ-લિબરલ મીડિયા પ્રાપેગેન્ડા કે હાઇપર નેશનલિઝમ જ કહેશે ને?
‘સાબરમતી રિપાર્ટ’ અંગે ‘ટાઇમ્સ નાવ’માં રોજ નવ વાગે ‘ન્યૂઝ કી પાઠશાલા’ ચલાવી બધાને પાઠ ભણાવતા પત્રકાર સુશાંતસિંહાને તેના કલાકારોએ ઇન્ટરવ્યૂ આપ્યો. વિક્રાંત મેસ્સી, રાશી ખન્ના અને રિદ્ધિ ડોગરા ત્રણેય સુશાંતસિંહાના ‘ટાપ એંગલ’ પાડકાસ્ટમાં ઉપસ્થિત રહ્યાં. તેમાં વિક્રાંત મેસ્સીએ કહ્યું કે ૧૯૪૭માં આપણને તથાકથિત સ્વતંત્રતા મળી હતી. આના પર સમાચાર માધ્યમોએ એવા સમાચાર બનાવ્યા કે વિક્રાંત મેસ્સીના આવાં નિવેદનથી સાશિયલ મીડિયામાં વપરાશકારોએ આલોચનાનો વરસાદ વરસાવ્યો.
જોકે સેક્યુલર મેઇનસ્ટ્રીમ મીડિયા સાશિયલ મીડિયામાં અપાતી પ્રતિક્રિયાઓના જે સમાચાર બનાવે તે તેમને પસંદ પડે તેવા હોય છે. એટલે કે તેમને જો કોઈ પણ પાસ્ટ, વીડિયો પર વારી જવું હોય તો લખશે કે લોકોને બહુ પસંદ પડ્‌યો. વીડિયો કે પાસ્ટ વાઇરલ થઈ ગઈ. પરંતુ જો તેમને કોઈ પાસ્ટ કે વીડિયો પસંદ નહીં હોય તો લખશે કે લોગોં ને લે લી ક્લાસ.
કંગના રનૌત પછી વિક્રમ મેસ્સીએ આવું નિવેદન આપ્યું તે સ્વાભાવિક આ લેફ્‌ટ-લિબરલ મીડિયાને ગમ્યું નથી. પરંતુ વિક્રમ મેસ્સી પાસે તેનો તર્ક છે. તેણે ખરેખર શું કહ્યું તે જોઈએ. તેણે કહ્યું, “આપણે એ સમજવું પડશે કે આપણે યુવાન રાષ્ટ્ર છીએ. સ્વતંત્રતાને હજુ ૭૬-૭૭ વર્ષ થયાં છે. મોગલો, ડચ, ફ્રેન્ચ અને બ્રિટિશરોના સૈકાઓના સૈકાઓ સુધી શાસન રહ્યા પછી આપણને ૧૯૪૭માં તથાકથિત સ્વતંત્રતા મળી છે. પરંતુ શું તે ખરી સ્વતંત્રતા હતી? આપણા પર માનસિક ગુલામી તો હાવી રહી જ. મને એવું લાગે છે કે હિન્દુઓને હવે એવી તક મળી છે કે તેઓ તેમના પોતાના દેશમાં તેમની ઓળખ માટે પૂછી શકે છે. આપણે ક્યારેક ઓળખની આ પરિકલ્પના, ભાવનાની પરિકલ્પના તરફ ધ્યાન જ નથી દેતા. ભાવના પર તો મોટા-મોટા યુદ્ધો લડાયા છે.”
આમાં શું ખોટું કહ્યું વિક્રાંત મેસ્સીએ? શું એ વાત સત્ય નથી કે આપણે ત્યાં ૨૦૧૪ સુધી અંગ્રેજો સમયના કાયદા ચાલુ હતા જેમાં એક કાયદો તો એવો હતો કે સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાને બ્રિટનનાં રાજા કે રાણી પલટી શકે? શું એ વાત સત્ય નથી કે અંગ્રેજોએ તો પોતાની સુવિધા માટે ઇંગ્લેન્ડના સાંસદો તેમના સમય પ્રમાણે સવારે સાડા અગિયાર વાગે આપણું બજેટ સાંભળી/જોઈ શકે (તે વખતે ઇન્ટરનેટ વગેરે કંઈ નહોતું) તે માટે આપણે ત્યાં સાંજના પાંચ વાગે બજેટ રજૂ થતું હતું? શું એ વાત સત્ય નથી કે અંગ્રેજોના ગયા પછી પણ એક યા બીજા કારણોસર આપણે ત્યાં અંગ્રેજી ભાષા રાષ્ટ્રભાષા તરીકે ચાલુ રહી? આપણે ત્યાં ન્યાયાલયોમાં મિ. લાર્ડ કહેવાનો અને કાટ-પેન્ટ-ટાઇ-ગાઉન વગેરે પહેરવાનો રિવાજ ચાલુ રહ્યો? પદવીદાનોમાં પણ આવાં ગાઉન અને ટોપી પહેરવાનો રિવાજ ચાલુ રહ્યો? આપણે સ્વતંત્ર થયા તો પછી કામનવેલ્થમાં કેમ જોડાયા? કામનવેલ્થ તો અંગ્રેજોના દાસ હોય તેવાં રાષ્ટ્રોનું સંગઠન હતું.
આપણી ફિલ્મોમાં નંબરિયા પડે (એટલે કે ટાઇટલ શરૂ થાય) ત્યારે ફિલ્મનું નામ અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂમાં કેમ લખાતું હતું? ફિલ્મોના સંવાદો ઉર્દૂપ્રચૂર હિન્દી અને ગીતો ઉર્દૂપ્રચૂર હિન્દીમાં કેમ હતાં? શુદ્ધ હિન્દી હંમેશાં કામેડિયન દ્વારા નિભાવાતા પ્રાફેસર કે રૂઢિવાદી બાપ દ્વારા જ કેમ બોલાતી? કે પછી વિનોદ ખન્ના રૂપ બદલીને કામેડી ગીત ગાય કે ‘પ્રિય પ્રાણેશ્વરી, યદિ આપ હમે આદેશ કરે તો હમ પ્યાર કા શ્રી ગણેશ કરે’.
‘સાબરમતી ઍક્સ્પ્રેસ’ના ટ્રેલર મુજબ, ફિલ્મમાં હિન્દી ભાષાનો મુદ્દો પણ સારી રીતે ઉઠાવાયો હશે તેમ લાગે છે. તેમાં બતાવાય છે કે અંગ્રેજી પત્રકારો હિન્દી ભાષાનાં મીડિયામાં કામ કરતા પત્રકારોને સાવ ઉતરતી કક્ષાના પત્રકારો ગણતા હતા. જોકે મોદી યુગ પછી તો એવું પરિવર્તન આવ્યું છે કે હવે અંગ્રેજી ભાષી પત્રકારો પણ હિન્દી બોલતા થઈ ગયા છે અને અંગ્રેજી ટીવી ચેનલ પર અડધી ડીબેટ હિન્દીમાં થાય છે.
જોકે એ વાત અલગ છે કે હિન્દી હોય કે પ્રાદેશિક ભાષા, તેમાં હવે અંગ્રેજી અને ઉર્દૂ શબ્દોનો પ્રભાવ ખૂબ વધી ગયો છે. અંગ્રેજી શબ્દો તો ઠીક, પરંતુ અમુક નામો અને શબ્દો તો રામન લિપિ (અંગ્રેજી, ફ્રેન્ચ વગેરે જે લિપિમાં લખાય છે તે લિપિ)માં લખાવા લાગ્યાં છે.
જોકે કંગના રનૌત કહે કે વિક્રાંત મેસ્સી, સ્વતંત્રતા હજુ પણ પૂરી નથી જ મળી. હવે તો આપણે વધુ ને વધુ દાસ થતા જઈએ છીએ. થોડાં વર્ષ પહેલાં સુધી લગ્નની કંકોત્રી ગુજરાતી/હિન્દીમાં છપાતી, હવે અંગ્રેજીમાં છપાવાનું વલણ વધ્યું છે. ઘણાને તેમના માતાપિતાને પપ્પા-મમ્મી કહેતા પણ હવે તો સંકોચ થાય છે, એટલે તેઓ ફાધર-મધર, હસબન્ડ, વાઇફ કહે છે. સીમંતોનયન સંસ્કાર એટલે કે ગર્ભવતીનો ખોળો ભરવાની વિધિને ‘બેબી શાવર’ લખીને આમંત્રણ મોકલાય છે. હિન્દુ બાળકોનાં નામ કિયારા, દુઆ, મહેક, મુસ્કાન, રોશની, સાહિલ, મારિયા જેવાં રખાય છે. જન્મદિવસની ઉજવણી આપણી હિન્દુ પરંપરાની રહી નથી. કેક કાપીને અને મીણબત્તી બુઝાવીને થાય છે. આપણી ભાષા આપણે ભૂલતા જઈએ છીએ. ન આવડતી હોય તો ય અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કરીએ છીએ. હજુ આપણે મોગલ મહાનના નશામાંથી બહાર આવ્યા નથી. આપણા બપ્પા રાવલ, છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ જેવા અનેક વીર યોદ્ધાઓને જાણતા નથી. ઘણાને ભાસ્કરાચાર્ય, આર્યભટ્ટ, સુશ્રુત, ચરક, અગસ્ત્ય, ભવભૂતિ, ભાસ વિશે ખબર નહીં હોય પરંતુ શેક્સપિયર, ચાર્લ્સ ડિકન્સ, જ્યાર્જ એલિયોટ, વગેરે વિશે સાચુંખોટું ભરડતા આવડતું હશે. ધ્રાંગધ્રા, મેરઠ, વડોદરા, મુંબઈ વગેરેના સાચા ઉચ્ચાર નહીં આવડે (વડોદરાને બરોડા અને મુંબઈને બોમ્બે કહેવામાં પાછા ગર્વ લે) પરંતુ માં બ્લાંને માન્ટ બ્લાંક ન કહેવાય, ન્યૂમાનિયાને સ્પેલિંગ પ્રમાણે પ્નુમાનિયા કે સાઇકાલાજીને પ્સાયકાલાજી ન કહેવાય તેવી ખબર હશે.
હિન્દુ રીતરિવાજોને અંધશ્રદ્ધા કહી ઉતારી પાડશે પણ પોતે કંઈ સારી બાબત કહેતી વખતે લાકડાને અડીને ‘ટચવૂડ’ કહેશે, કાં છિંક વખતે ‘ગાડ બ્લેસ યૂ’ કહેશે. વિદ્યા બાલન જેવી અભિનેત્રી પોતે મંદિરને દાન નથી આપતી તેમ કહેવામાં ગૌરવ અનુભવશે પણ ‘કપિલ શર્મા શા’માં જ્યારે તેના વખાણ થશે ત્યારે આદાબ કે સલામ જેવી ચેષ્ટા કરશે. આવા કથિત હિન્દુઓને પૂજામાં પલાંઠી વાળીને બેસાય, જમણા હાથે વિધિ થાય, સંકલ્પ એટલે શું, નૈવેદ્ય કેવી રીતે ધરાવાય તે વિશે ખબર નહીં હોય પરંતુ ઇસ્લામિક વિવાહ, તલાક, મૃત્યુ પછી સુપુર્દ એ ખાક, નમાજ કેવી રીતે કરાય તે બધી જ ખબર હશે.
પરંતુ હકારાત્મક રીતે વિચારીએ તો અભિજીત ભટ્ટાચાર્ય, સોનુ નિગમ, વિવેક રંજન અગ્નિહોત્રી, વિપુલ એ. શાહ, આદિત્ય ધાર, અદા શર્મા, કંગના રનૌત, વિક્રાંત મેસ્સી વગેરે આ બાબતે બોલતા થયા છે તે પણ નાની વાત નથી.