(એ.આર.એલ),ગાંધીનગર,તા.૨૭
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે એક શબ્દ પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકાર દ્વારા ઠાકરડા શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ લગાવાયો છે. સામાજીક લાગણી દુભાય તેવા શબ્દ પ્રયોગ પર પ્રતિબંધ મૂકાયો છે. શબ્દ પ્રયોગથી રાજ્યના ૬ જ્ઞાતિઓ પર સીધી અસર પડતી હતી. તેથી મહેસૂલી રેકોર્ડ તથા પંચાયતી રેકોર્ડમાં શબ્દ દૂર કરવા તથા સંબોધિત ન કરવા પણ સૂચના અપાઈ છે.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે ‘ઠાકરડા’ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ શબ્દપ્રયોગથી રાજ્યમાં ૬ જ્ઞાતિઓ પર સીધી અસર થતી હોવાથી આ નિર્ણય લેવાયો છે. સાથો સાથ મહેસુલી રેકોર્ડ તથા પંચાયતી રેકોર્ડમાં શબ્દ દૂર કરવા તથા સંબોધિત ન કરવા પણ સૂચના આપવામાં આવી છે
ગુજરાત સરકાર દ્વારા ભૂતપૂર્વ મજૂર, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવ ત્યારબાદ સરકારના વખતોવખતના ઠરાવોથી કુલ-૧૪૬ જાતિઓનો ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ યાદીમાં ક્રમાંકઃ ૭૨ પર “ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી” જાતિનો સમાવેશ કરવામાં આવેલ. આ સમાજના લોકો “ઠાકરડા” શબ્દપ્રયોગથી અપમાન અને તિરસ્કારની લાગણી અનુભવતા હોવાની રજૂઆતો સરકારશ્રીને મળેલ છે. આથી, આ સમાજના લોકોનું માન જળવાય તે માટે “ઠાકરડા” શબ્દ પર પ્રતિબંધ મૂકી, તેને સ્થાને “ઠાકોર” શબ્દ પ્રયોજવામાં આવે તે અંગેની સૂચનાઓ પ્રસિદ્ધ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
આમુખમાં નિર્દિષ્ટ પૂર્વભૂમિકા અન્વયે સક્ષમ કક્ષાએ થયેલ પુખ્ત વિચારણાના અંતે, ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં ક્રમાંકઃ ૭૨ પર સમાવિષ્ટ “ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી” પૈકી “ઠાકરડા” શબ્દનો પ્રયોગ બંધ કરવાનું આથી ઠરાવવામાં આવે છે. આથી, જ્યાં જાતિ તરીકે “ઠાકરડા” શબ્દનો ઉલ્લેખ થયો હોય ત્યાં બધે જ “ઠાકોર” સમજવું તેવી સ્પષ્ટતા આથી કરવામાં આવે છે.
આ જાતિના નાગરિકોએ તેમના બાળકોના શાળા પ્રવેશ વખતે જાતિ તરીકે “ઠાકરડા” લખાવ્યું હોય ત્યાં તથા મહેસૂલી રેકર્ડમાં પણ જ્યાં “ઠાકરડા” તરીકે ઉલ્લેખ થયેલ હોય તો તેના સ્થાને “ઠાકોર” સમજવાનું રહેશે. અર્થાત “ઠાકરડા” જાતિના નાગરિકોના શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં અથવા મહેસૂલી રેકર્ડમાં, પંચાયતી રેકર્ડમાં તથા અન્ય સરકારી રેકર્ડમાં ઠાકરડા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો પણ સંબંધિત ઈસમોને “ઠાકરડા” ના સ્થાને “ઠાકોર” તરીકેનું સંબોધન કરવા તથા આ સમુદાયના લોકોને મળવાપાત્ર જાતિના પ્રમાણપત્રમાં “ઠાકોર” શબ્દનો ઉલ્લેખ કરવાનું આથી ઠરાવવામાં આવે છે.