રૂપાના માથે વીજળી પડી: કોણ એ રાઘવ તો નહીં હોય ને ? અરે, એ હશે તો…. તો ?
હરિદાસ હસી હસીને હજી એ સાધુના પાગલપણાં વિષે વાત કરી રહ્યો હતો પણ રૂપા ક્યાં ત્યાં હતી ? એ તો મનથી ફંગોળાઇને દૂર…દૂર…. દૂર પહોંચી ગઇ હતી. જાણે ભવની પેલે પાર ! જ્યાં સાક્ષાત નરક હતું.
‘ભગત…. તમને કહું છું…” હરિદાસે તેનું બાવડું પકડીને હડબડાવી: એય ભગત, કયાં ખોવાઇ ગયા ? હું તો ઈ સાધુડાની વાત કરતો હતો ને તમે તો ?”
“રહેવા દો ભગત…” રૂપા રૂંવે રૂંવે જાણે કંપતી હતી: “મને સાધુબાવાની વાત કરો મા મને બીક લાગે છે.” રૂપા બોલતી બોલતી ફરીવાર ધારણાની ઊંડી ખાઇમાં ખાબકી: રાઘવ ? સાધુના વેશમાં તો એ નહીં હોય ને ? અરે એ કયાંક હરિદ્વારમાં ભટકાશે તો ?
માંડ માંડ શાંત થયેલા જીવન સરોવરના પાણીમાં કાંકરા ફેંકાયા જાણે. એક સાથે કંઇ કેટલાયે વમળો ઉડયા. વમળ પર વમળ…. એ કંપી ઉઠી અને અચાનક હરિદાસની છાતી ઉપર માથું મૂકી દેતા બોલી ઉઠી: “હવે એવી વાતુ બંધ કરોને ભૈશાબ.”
હરિદાસથી અનાયાસ એક હાથ રૂપાની પીઠ ઉપર મૂકાઈ ગયો બીજા હાથ તેના માથા ઉપર પણ હરિદાસને લાગ્યું કે રૂપાની ભીતર જાણે કોઇ મોટો ફડકો પેઠો છે. રૂપાનું શરીર આછું આછું કંપી રહ્યું હોય એમ હરિદાસે અનુભવ્યું.
રાત આખી ટમકિયું બળતું રહ્યું. સાથોસાથ રૂપાનું કાળજુ પણ ! ઊંઘ તો બન્નેમાંથી કોઇને આવી ન હોતી. પંદર વીસ મિનિટ પછી રૂપા હરિદાસથી વેગળી તો થઇ પણ ભય હજી રૂપાથી વેગળો થયો નહોતો. આમ ને આમ જ સવાર પડી. નહાઇ ધોઇને હરિદાસે લાગલું જ કહ્યું: “ભગત, તૈયાર થઇ જાવ, આજે તો આપણે હારોહાર જ હરદ્વારના દર્શને નીકળીએ. અહીંયા કેટકેટલા મંદિર છે ? આત્માનંદ બાપુએ મને કહ્યું હતું કે હરદ્વારમાં તો મહિનોય ઓછો પડે. ભગત, હજી આપણે મનસાદેવીનું મંદિર, ચંડીદેવી, પાતાળમુખી શિવલીંગ વાળુ, દક્ષ મહાદેવ મંદિર કે માયાદેવી મંદિર તો જાયા જ નથી. એમાંયે ખાસ કરીને મનસાદેવીના દર્શન ! બાપુએ કહ્યું હતું કે મનસાદેવી તો ખાસ જજા. મનસાદેવી – આપણી મનસા પુરી કરશે.”
“હવે મારી કોઇ મનસા અધૂરી નથી રહી ભગત…” રૂપાએ સાવ ક્ષીણ અવાજે જવાબ વાળ્યો: “હવે આપણે આપણા ગામ ભણી નીકળી જઇએ.”
“હેં?” હરિદાસ ચમક્યો. રૂપાના ચહેરા સામે તાકી રહ્યો. એ ચહેરા ઉપર દુઃખ, દર્દ અને પીડાની આછી આછી રેખા અંકાયેલી હતી. જેવી રેખા એણે ઘરઘરણું કર્યાના શરૂઆતના દિવસોમાં જાઇ હતી.
તેને થયું: નક્કી કૈંક તો રૂપાને થયું છે. જ્યારથી પેલા સાધુની વાત કરી છે. ત્યારથી એ બદલાઇ ગઇ છે, અસ્વસ્થ થઈ ગઇ છે. એટલે એનો કદાચ ભય હોય શકે. હરિદાસને થયું કે એ ભય ઉડાડી દેવો જોઇએ.
એણે લાગલું જ પૂછયું: “તમને બીક છેને ?”
“કોની?” રૂપાએ પતિ સામે મીટ માંડી: “કોની બીક ? પણ એટલું પૂછયા પછી કાળજે થડકો તો લાગ્યો જ. જવાબમાં હરિદાસ ખડખડાટ હસ્યો: “ પેલા સાધુની તમને બીક છે કે કયાંક રસ્તામાં મળી જાય તો ?”
રૂપાનું હૃદય ધબકારો ચૂકી ગયું. એ જાણે પળભર પૂતળું બની ગઇ મૂઢ બની ગઇ.
હરિદાસ નજીક આવ્યો. બોલ્યો: “હું છું ને તમારી સાથે ?” અને પછી તેના ખભા ઉપર હાથ મૂક્યો એ સ્પર્શમાં હુંફ હતી, સલામતીનું સંવેદન હતું. હરિદાસે રૂપાની આંખોમાં આંખો પરોવીને કહ્યું: “ તમે બીવોમાં ભગત ! હું છું તમને કંઇ નહી થવા દઉ તમે મારી ઉપર વિશ્વાસ અને ભરોસો રાખો આખી દુનિયા તમારાથી વેગળી થઇ જશે ત્યારે હું તો તમારી પડખે જ ઊભો હોઇશ. એટલે મનમાં કોઇપણ જાતની બીક રાખ્યા વગર ચાલો, આપણે હવે આવ્યા જ છીએ તો હરદુવાર ફરી વળીએ. ભોળિયોનાથ કોણ જાણે ફરીવાર અહીંયા આપણને કયારે બોલાવશે કોને ખબર ? એ તો એને જ ખબર…”
રૂપાને કૈંક ધરપત થઇ જીવ હેઠો બેઠો છતાં પણ તેણે કહ્યું કે ભગત, હવે આજે નહીં કાલે જઇશું આજે આપણે ગંગાના ઘાટે જઇને બેસીએ.
“સારૂ ચાલો બસ, તમને જેમ ગમે એમ કરીએ.”
——-
અને એવું તો કશું જ ધાર્યું નહોતું કે આમ ભેટો થઇ જશે ! ત્રીજે દિવસે મનસાદેવીના દર્શન કરીને રાજીખુશીથી ઉછળતા હસતા – કુદતા દર્શનની ધન્યતા અનુભવતા અનુભવતા કાંખમાં લલ્લાને તેડીને હરિદાસ અને તેની જાડાજાડ જ ચાલતી રૂપા મંદિરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યાંજ , સામેથી ઢાળ ચડતી કોઇ સ્ત્રીએ રૂપાનું કાંડુ પક્યું : “રૂપાભાભી…”
રૂપા એ સ્ત્રીનો ચહેરો જોઇને સ્તબ્ધ બની ગઇ અને હરિદાસ એ
બન્નેને તાકી રહ્યો ત્યાંજ બે ડગલાં પાછળ રહેલો એક પુરૂષ પણ હરિદાસની સન્મુખ થયો. બે હાથ જોડીને કહે “ભગત, ઓળખાણ પડે છે ?” અને પછી જવાબની રાહ જાયા વગર ઓળખાણ આપતો બોલ્યો: “ હું એભલ અને આ મારી ઘરવાળી થોડાંક દિ’ મૌર્ય સાંજે તમારી વાડી પાસેથી અમો નીકળ્યા હતા અને અમારા ફટફટિયામાં પંચર પડયું હતું તે તમારી વાડીએ આવીને..”
“અરે હા…હા…, ભઇલા ! એ થોડું ભૂલાય ? પણ તમે ? અમેય તમારી જેમ જ હરદુવાર આવ્યા છીએ શું આ તમારા ઘરવાળા છે ?”
“હા, હા, ભાઇ…” હરિદાસને શું બોલવું તે સમજાયંં નહી એટલે તો એણે રૂપાને ઓળખાણ આપતા કહ્યું: “ભગત તે દિ’ સાંજે આવડા આ આપણી વાડીએ ફટફટિયું લઇને આવ્યા હતા. પણ તમે…. મળ્યા નહોતા ને ? એટલે ન ઓળખો.”“ પણ હું તમારી ઘરવાળીને સારી પેઠે ઓળખુ છું ભગત…” રેખાએ, હજીય રૂપાનું કાંડુ ઝાલી રાખ્યું હતું અને રૂપા આખેઆખી ધ્રુજી રહી હતી.: “તમારી ઘરવાળીને એમ થોડી ભૂલી જાઉ ? મારી એક વખતની ભાભી છે આ તો…” અને પછી રૂપા સામે ધારદાર નજરે જાતા કહે: “એ ભલે મને ભૂલી ગઇ હોય પણ અમુક માણસ તો જિંદગીભર યાદ રહી જાય કાં ને ? અને પછી હરિદાસે તેડેલા લલ્લાને પગથી માથા લગી માપી લેતા બોલી: “આ છોકરો તારો જ કે તમારા બેયનો ?”
હરિદાસ તેના વેણને પામવા મથ્યો અને પછી નીચી નજર કરીને, આખેઆખી ધ્રુજી રહેલી રૂપાને જોઇને એ આખી પરિસ્થિતિ પામી ગયો એ બોલ્યો: “ એ અમારા બેયનો છે બોલો, શું કહેવાનું થાય છે તમારૂં ?”
“કાંઇ નહીં. આ તો મારે ખાતરી કરવી હતી ભગતજી.”
“સતના પારખા અને શીલની ખાતરી કરવી સારી નથી મારી બેન ! એ ખાતરી મોંઘી પડે. સાચક માણસના જીવતરના ત્રાજવામાં ભલે કાટલાં ન હોય પણ એનું પલડું તો નમેલું જ રહે છે કારણ કે એ ખાલી પલડામાં મારો દ્વારકાનો નાથ બેઠો હોય છે પણ જેની આંખમાં વહેમના પડળ બંધાયા હોય ને એને થોડો ઇ દેખાવાનો છે ? હવે વાત કરો ખાતરીની તો કહી દો કે તમારે રૂવાડે રૂવાડે તમારા માવતરનું નામ વંચાય છે ? જા વંચાતુ હોય તો મને એકવાર વંચાવી દો એટલે આ લલ્લાના બાપનું નામ પણ તમને વંચાવી દઉ પણ તમે મને ખાતરી નહીં કરાવી શકો, પણ હું તમને ખાતરી કરાવી દઇશ એટલો ભરોસો મને મારા ઠાકર ઉપર છે…!”
અરે પણ તુંય શું આમ, આ ભગત સાથે ?” સારૂ લાગે છે ?” એભલે બાજી સંભાળી લીધી: “અરે, આ તો ઓલિયો માણસ છે અને તું એમની સાથે બાજી પડી ? શરમ આવવી જાઇએ. હાલ્ય, હાલ્ય તું આગળ થા…” પણ તોય એ રૂપાનું કાંડુ પકડીને જ ઊભી હતી એટલે હરિદાસના રૂવે રૂવે લ્હાય પ્રગટી તેણે ઝાટકો મારીને રેખાના હાથમાંથી રૂપાનું કાંડુ છોડાવી નાખ્યું. (ક્રમશઃ)