સાવરકુંડલા શહેરના નાવલી બજારમાં આજે એક અલ્ટો કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. કારમાં કોઈ વ્યક્તિ ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગને કારણે અલ્ટો કારને મોટું નુકસાન થયું છે. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આગ કાબુમાં આવ્યા બાદ નુકસાન પામેલી કારને બજાર વિસ્તારમાંથી દૂર ખસેડવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ સમયસર પહોંચતા મોટી દુર્ઘટના ટળી હતી.