સાવરકુંડલા તાલુકાના ખેડૂતો અને જાગૃત નાગરિકો દ્વારા નાયબ કલેક્ટરને ખેડૂતોના ઓક્સિજન સમાન પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. સલીમભાઈ ઇસ્માઇલભાઈ માલવિયાએ પ્રાંત કચેરી મામલતદાર ઓફિસ નાયબ કલેક્ટરને પત્ર લખીને વિજયનગર રોડની ખરાબ હાલત અંગે રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ રોડ ખેડૂતો અને મજૂરો માટે માથાના દુઃખાવા સમાન છે, તેથી તેને પાકો ડામર રોડ બનાવવામાં આવે. આ ઉપરાંત, સાવર સામાપાદરના અમૃત સરોવર (ભેસાણ ડેમ)ને સૌની યોજનામાં જોડવાથી ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે અને તળ ઊંચા આવે, તેથી તેને સૌની યોજનામાં જોડવા વિનંતી કરવામાં આવી હતી. બાયપાસમાં ખેડૂતોની જમીન સંપાદન થયેલ છે, જેનું ૬૬ ખેડૂતોને નજીવું વળતર આપવામાં આવ્યું છે, તેથી તેમને નિયમિત વળતર ચૂકવવાની માંગણી કરવામાં આવી હતી.સાવર સામાપાદર ગામના ખેડૂતો અને ખેતમજૂરો વતી સલીમભાઈ ઇસ્માઇલભાઈ માલવિયાએ આ રજૂઆત કરી હતી.