સાવરકુંડલામાં ઉત્તરાયણની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી રહી છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ રિદ્ધિસિદ્ધિ ચોક ખાતે વિદ્યાર્થીઓને પતંગનું વિતરણ કરી ‘એક દેશ એક ચૂંટણી’નો સંદેશ આપ્યો હતો.આ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપના હોદ્દેદારો અને સંગઠનના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ જણાવ્યું કે, ઉત્તરાયણ સનાતન સંસ્કૃતિનું મહત્વપૂર્ણ પર્વ છે જે દરેક વર્ગના લોકો ધામધૂમથી ઉજવે છે. તેમણે વધુમાં કહ્યું કે વારંવાર આવતી ચૂંટણીઓ દેશના સંસાધનો અને આર્થિક વ્યવસ્થા પર બોજ બને છે, જે વિકાસના કામોમાં અવરોધરૂપ બને છે. આ પહેલથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. ધારાસભ્યએ જણાવ્યું કે વિશ્વના અન્ય દેશોની જેમ ભારતમાં પણ એક સાથે ચૂંટણી યોજવાની વ્યવસ્થા અંગે જનજાગૃતિ લાવવાનો આ એક પ્રયાસ છે. હાલમાં સમગ્ર અમરેલી જિલ્લામાં ઉત્તરાયણની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.