સાવરકુંડલાના ભુવા ગામે એક મહિલા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. શાંતુબેન કેશુભાઇ વાઘેલા (ઉ.વ.૪૫)એ ગોપાલભાઇ બાઘાભાઇ વાઘેલા, બાવકુભાઇ ધનાભાઇ વાઘેલા, બાઘાભાઇ ધનાભાઇ વાઘેલા સહિત ચાર મહિલા મળી કુલ સાત લોકો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ ભુવા ગામે ખડકાળા રોડ ઉપર આવેલ રમેશભાઇ ગામેચાની દુકાનેથી અનાજ કરિયાણું ઉધારમાં લેતા હતા અને ત્યાંથી પાણી ભરવા જતા હતા. જેથી આરોપીઓને સારૂ નહી લાગતા તેનું મનદુઃખ રાખી આ કામના આરોપી ગોપાલભાઇ બાઘાભાઇ વાઘેલા તથા અન્ય આરોપીઓએ તેમની સાથે ઝગડો તકરાર કરી હાથમાં રહેલી લોખંડની પાઇપ વડે તેમના સસરા કરમશીભાઇને ખભાના ભાગે તથા માથાના ભાગે પાઇપ મારતા પાંચ ટાંકાની ઇજા થઈ હતી. ઉપરાંત તેમના જેઠ ભુપતભાઇ તથા તેમના દીકરા દેવચંદભાઇને માર મારીને ઇજા પહોંચાડી હતી. તેમને ગાળો આપીને ઝપાઝપી કરી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ગોપાલભાઇ બાઘાભાઇ વાઘેલા (ઉ.વ.૨૨)એ શાંતુબેન કેશુભાઇ વાઘેલા, કેશુભાઇ કરમશીભાઇ વાઘેલા, ભુપતભાઇ કરમશીભાઇ વાઘેલા, કરમશીભાઇ જેરામભાઇ વાઘેલા તથા દેવચંદભાઇ કેશુભાઇ વાઘેલા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ ભુવા ગામે ખડકાળા રોડ ઉપર આવેલ રમેશભાઇ ગામેચાની દુકાને તેમની પાસેથી દુકાનદાર પૈસાની ઉઘરાણી કરતા હતા. જેથી આરોપી શાંતુબેન કેશુભાઇ વાઘેલાએ તેમની ઠેકડી ઉડાડતા તેમણે આમ કરવાની ના પાડતા આરોપીઓને સારું નહોતું લાગ્યું. આ વાતનું મનદુઃખ રાખી ઝઘડો કરી ઢીકાપાટુનો મુંઢમાર મારી ગાળો બોલી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.પી. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.