સાવરકુંડલાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર ટ્રસ્ટ સંચાલિત એમ.એલ. શેઠ સ્કૂલના પટાંગણમાં ગુજરાતી માધ્યમની નવી ઇમારતના શિલાન્યાસ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉલ્લાસભર્યા પ્રસંગે નવી ઇમારતના દાતાઓ, ટ્રસ્ટીગણ, ટ્રસ્ટી મંડળના માનનીય સભ્યો, સાવરકુંડલાના જ્ઞાતિ અગ્રણીઓ તેમજ શાળાના શિક્ષકવૃંદ અને સ્ટાફના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળાની વિકાસયાત્રાની ઝલક અને ભવિષ્યના વિઝન અંગે ચર્ચાઓ થઈ હતી. શાળા કેમ્પસ ડાયરેક્ટર સંદીપકુમાર ખડદિયાના જણાવ્યા અનુસાર, આ નવી ઇમારત વિદ્યાર્થીઓ માટે વધુ સુવિધાસંપન્ન અને આધુનિક શિક્ષણ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શાળાના શૈક્ષણિક વિકાસમાં મહત્વનું સીમાચિહ્ન બની રહેશે. શિલાન્યાસના આ પાવન પ્રસંગે શાળા પરિવારમાં નવા ઉત્સાહ અને શૈક્ષણિક ગૌરવની લાગણી જોવા મળી હતી.