રાજય સરકાર દ્વારા તાજેતરમાં જ વસ્તીને આધારે નગરપાલિકાઓનું અપગ્રેશન જાહેર કરવામાં આવેલ છે. જેમાં જિલ્લાની ત્રણ નગરપાલિકાઓને અપગ્રેશન મળ્યું છે. જિલ્લામાં ૧ લાખથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાઓનો ‘અ’ વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી હવે જિલ્લામાં અમરેલી નગરપાલિકા બાદ સાવરકુંડલા નગરપાલિકાનો પણ ‘અ’ વર્ગમાં સમાવેશ થયો છે. જેનાં કારણે સાવરકુંડલામાં સિટી મામલતદારની જગ્યા ઉભી થશે તેમજ હવે ૧૦ કરોડની ગ્રાન્ટ મળશે તેમજ ફાયર ઓફિસર સાથેની ટીમ પણ કાર્યરત થશે. આજ રીતે રાજુલા નગરપાલિકાનો હવે ‘ક’ વર્ગમાંથી ‘બ’ વર્ગમાં સમાવેશ કરાયો છે. લાઠી નગરપાલિકાનો ‘ડ’ વર્ગમાંથી ‘ક’ વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ જિલ્લામાં હવે અમરેલી અને સાવરકુંડલા ‘અ’ વર્ગની નગરપાલિકા ગણાશે.