સાવરકુંડલા શહેરમાં હિન્દુ મંદિરો તોડી પાડવા માટેની સરકારી નોટિસ સામે સ્થાનિક કોંગ્રેસ નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે. શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિએ રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર પાઠવીને આ નિર્ણય સામે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે વર્તમાન ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય હિન્દુ ધર્મને નુકસાન પહોંચાડે છે અને લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. તેમણે માંગ કરી છે કે મંદિરો યથાવત રાખવામાં આવે જેથી લોકોની આસ્થા અને શ્રદ્ધા જળવાઈ રહે. આવેદનપત્ર આપવામાં સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિજયભાઈ ડોડીયા, કાર્યકારી પ્રમુખ હસુભાઈ સૂચક, જિલ્લા કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ જયાણી સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.