સાવરકુંડલામાં રામનવમીનો તહેવાર રાષ્ટ્રીય પર્વની જેમ તમામ ધર્મ અને જ્ઞાતિના લોકોએ સાથે મળીને ઉજવ્યો હતો. સાવરકુંડલા શહેરને કેસરી રંગથી શણગારવામાં આવ્યું હતું અને અવનવા પતાકાં, ફ્‌લોટ્‌સ તથા રામાયણના દ્રશ્યોએ આકર્ષણ જમાવ્યું હતું. રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમ, રામનવમીની આરતી અને વિવિધ જ્ઞાતિઓના સેવા સ્ટોલે તહેવારમાં અનેરો રંગ ભર્યો હતો. આ પ્રસંગે સાવરકુંડલા આહિર સમાજે રામનવમીને પોતાની સંસ્કૃતિથી ઉજવવા બે અનોખા આયોજન કર્યા હતા. શોભાયાત્રામાં આહિર સમાજની સંસ્કૃતિ દર્શાવતું એક ટ્રેક્ટર પરંપરાગત પોશાક, ભાષા, છબીઓ, શણગાર, ગીત-સંગીત અને
નૃત્ય સાથે જોડાયું હતું. વધુમાં, આહિર સમાજે ગોરસ પરબનો સ્ટોલ ઊભો કરી ભાવિકોને છાશનું વિતરણ કર્યુ હતુ. આ તકે, ધારાસભ્ય કૌશિક વેકરીયા સહિતના આગેવાનો પણ હાજર રહ્યાં હતા.