સાવરકુંડલા એ.પી.એમ.સી.માં ખેત જણસો વેચવા આવતા ખેડૂતોના માલનો વહેલી તકે તોલ થાય તે માટે વધારાના વે-બ્રિજની સુવિધા શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના હસ્તે આ વે-બ્રિજનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ જણાવ્યું હતું કે, સિઝન દરમિયાન કપાસ અને અન્ય જણસોની ભારે આવક થતી હોવાથી એક જ વે-બ્રિજ હોવાથી વાહનોની લાંબી લાઈનો લાગતી હતી. આ વધારાના વે-બ્રિજની સુવિધા શરૂ થવાથી ખેડૂતોને તેમના માલના તોલ માટે લાંબો સમય લાઈનમાં ઊભા રહેવું નહીં પડે. આ ઉપરાંત, સાવરકુંડલા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા મહુવા રોડ પર બનેલા નવા ૧૦૦ મેટ્રિક ટન ક્ષમતાવાળા વે-બ્રિજનું પણ ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એ.પી.એમ.સી. અને તાલુકા સંઘના ચેરમેન દિપકભાઈ માલાણી, વાઈસ ચેરમેન મહેશભાઈ લખાણી, તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ ખાત્રાણી, જિલ્લા પંચાયત સભ્ય શરદભાઈ ગૌદાણી સહિત અનેક આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.