સાવરકુંડલા સ્થિત શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ, કે.કે. હાઈસ્કૂલ ખાતે આગામી તા. ૧૨મી એપ્રિલ, ૨૦૨૫ (શનિવાર) ના રોજ શ્રી રામ ભક્ત મહાબલી હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ ભક્તિભાવ અને ઉલ્લાસભેર ઉજવવામાં આવશે. વિનામૂલ્યે એક્યુપ્રેશર નિદાન અને કુદરતી ઉપચાર કેમ્પ બપોરે ૪ઃ૦૦ થી સાંજે ૬ઃ૦૦ કલાક દરમિયાન યોજાશે. આ કેમ્પમાં કમર તથા સાંધાના દુઃખાવા, સાઇટીકા, માઈગ્રેન, જૂની શરદી, પેરાલીસીસ અને અનિદ્રા જેવા રોગોનું તદ્દન નિઃશુલ્ક નિદાન એક્યુપ્રેશર તથા મેગ્નેટ પદ્ધતિ દ્વારા કરવામાં આવશે. આ સેવા યજ્ઞમાં જાણીતા ચિકિત્સકો ગોપાલભાઈ ભરખડા અને હીનાબેન ભરખડા પોતાની અમૂલ્ય સેવાઓ પ્રદાન કરશે. તેમજ સાંજે ૬ઃ૦૦ કલાકે પક્ષીઓ માટે માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંપૂર્ણ સહયોગથી રાત્રે ૬ઃ૦૦ થી ૯ઃ૦૦ કલાક દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે ૭ઃ૦૦ કલાકે ભગવાન શ્રી હનુમાનજી મહારાજની ભવ્ય અને મંગલમય દિવ્ય આરતી યોજાશે. આરતી સંપન્ન થયા બાદ તમામ ઉપસ્થિત ભક્તો, સંતો, મહંતો ભાઈઓ અને બહેનો તેમજ નાના બાળકો એકસાથે મહાપ્રસાદનો લાભ લેશે.