સાવરકુંડલા તાલુકાના મોલડી ગામમાં ભારત જન વિજ્ઞાન જાથા અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને એક મહિલા ભુવાના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. ક્રિષ્ના નયનભાઈ પરમાર નામની મહિલા છેલ્લા ૪ વર્ષથી ગામમાં માતાજીનો મઢ બનાવીને લોકોની અંધશ્રદ્ધાનો લાભ લેતી હતી.
મહિલા દાવો કરતી હતી કે તેને સ્વપ્નમાં મોગલ માતાજી આવે છે અને તેના ઘરમાં રહેલા ઝાડમાં માતાજીનું સ્વયંભૂ પ્રાગટ્ય થયું છે. તે એવો પણ દાવો કરતી હતી કે તેના શરીરમાં મામાદેવ આવે છે. આ બહાને તે લોકોના દુઃખ-દર્દ દૂર કરવાનું, સંતાન પ્રાપ્તિ માટેની બાધા આપવાનું અને પારિવારિક ઝઘડા ઉકેલવાનું કામ કરતી હતી. સુરતથી પણ લોકો માનતા ઉતારવા આવતા હતા. સમય જતાં તેની પ્રવૃત્તિઓથી ગ્રામજનોમાં નારાજગી ફેલાઈ હતી. શિક્ષિત પરિવારોને પણ તે પોતાની જાળમાં ફસાવી રહી હતી.