રાજય પોલીસ વડા દ્વારા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યા બાદ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લાનાં વિવિધ પોલીસ સ્ટેશનનાં તાબા હેઠળ આવતા ગામોમાં સ્થાનિક પોલીસ અને પીજીવીસીએલ દ્વારા ગેરકાયદે વીજજાડાણની તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા તાલુકા પોલીસ દ્વારા વિવિધ ગામોમાં અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી તપાસ શરૂ કરવામાં આવી છે. સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક પ્રવૃત્તિ કરતા ઈસમોનાં રહેણાંક મકાને સાવરકુંડલા તાલુકા પોલીસ તથા વીજપડી પીજીવીસીએલ ટીમના કર્મચારીઓને સાથે રાખી ગેરકાયદેસર વીજજાડાણ અંગે તપાસ કરતા કિશોર બાઘા પરમાર રહે.ગોરડકા તા.સાવરકુંડલાવાળાનાં રહેણાંક મકાનમાંથી ગેરકાયદે વીજજાડાણ ઝડપાતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.