અમરેલી જિલ્લામાં સતત વન્યપ્રાણીઓનો ત્રાસ વધવા પામ્યો છે. છેલ્લા બે દિવસમાં બે લોકોને સિંહે ફાડી ખાધાની ઘટના બનતા સમગ્ર રાજયમાં આ બનાવનાં કારણે અરેરાટી પ્રસરી જવા પામી છે. હજુ જાફરાબાદ પંથકમાં ખેડૂત પર સિંહણે હુમલો કરી ફાડી ખાધાની ઘટનાને ૪૮ કલાક વિત્યા છે ત્યાં ફરી એકવાર સાવરકુંડલાનાં ખાલપર ગામની સીમમાં એક યુવકને સિંહે મોતને ઘાટ ઉતાર્યો હોવાની માહિતી મળી છે. જાણવા મળતી માહિતી મુજબ સાવરકુંડલા પંથકના ખાલપર-હઠીલા ગામની સીમ વિસ્તારમાં માલધારીઓ ઢોર ચરાવવા ગયેલા ત્યારે ત્યાં એક માનવ મૃતદેહ મળી આવતાં માલધારીઓએ તાત્કાલિક ગામમાં જઈ આ ઘટનાની વાત કરી હતી. ગ્રામજનોએ તપાસ કરતા આ મૃતદેહ ખાલપર ગામના જમાઈ નદીમ નજીરભાઈ કુરેશીનો હોવાનું જાણવા મળેલ હતું. મૃતદેહનું અવલોકન કરતાં આ યુવકને સિંહ જેવા વન્યપ્રાણીએ હુમલો કરી ચૂંથી નાખી પગ સહિતના અંગો ખાધા હોવાથી તાત્કાલિક આ ઘટના અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. મૃતદેહથી થોડે દૂર મૃતકનું બાઈક અને ચપ્પલ મળી આવ્યા હતા. બાઈક પાસે સિંહના પગલાના સગડ મળી આવતા વન વિભાગે આ યુવકને સિંહે ફાડી ખાધો હોવાનું જણાવ્યું હતું. માનવભક્ષી બનેલા સિંહને પાંજરે પુરવા વનખાતા દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા છે. આવી ગંભીર ઘટના બન્યા બાદ ધારી ગીર પૂર્વના ડીએફઓ વિકાસ યાદવે ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી નથી.
મૃતક નદીમ કુરેશી બસમાં ક્લીનર તરીકે કામ કરતો હતો
મૃતક યુવક નદીમ નજીરભાઈ કુરેશી બસમાં ક્લીનર તરીકે કામ કરે છે એવું તેમના સસરાના ગામ ખાલપરમાંથી જાણવા મળ્યું છે. ગામમાં પોતાના સસરાનું ઘર હોવા છતાં ત્યાં રોકાવાને બદલે રાત્રીનાં બાઈક લઈને સીમ વિસ્તારમાં કંઈ રીતે પહોંચ્યો તે પણ તપાસનો વિષય છે.
માનવીઓ પર સિંહોનાં સતત વધતા જતા હુમલા રોકવામાં વનખાતુ નિષ્ફળ
એશિયાટીક સિંહોને ગીરનું ઘરેણું માનવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ગીરનાં ઘરેણા સમાન સિંહો માનવીઓ પર હુમલાઓ કરી રહ્યા છે. છેલ્લા ૧પ દિવસમાં સિંહોએ ત્રણ લોકોને ફાડી ખાધાની ઘટનાઓ બનવા પામી છે. આવી ઘટનાઓ બનવા છતાં વનખાતુ હજુ લોકજાગૃતિનાં કાર્યક્રમો યોજી રહ્યું છે. માનવીઓ પર સિંહોનાં સતત વધતા જતાં હુમલા રોકવામાં વનખાતુ સદંતર નિષ્ફળ નિવડ્યું છે. વનખાતાની કામગીરી બાબતે અનેક સવાલો ઉભા થયા છે. સિંહોનાં હુમલાને રોકવાને બદલે વન અધિકારીઓ લોકોને સિંહથી બચવા માટેની સલાહ આપી રહ્યાં છે.