મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નવાગામ જાંબુડા ગામના વતની અને હાલ સુરત રહેતા જયસુખ લાખા વાણીયાએ તેની પત્ની નમ્રતાના ગળા પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા સાવરકુંડલા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મૃતકના પિતરાઈ ભાઈ વિપુલ દેવાયતભાઈ કાતરીયા મૂળ ગામ જૂની કાતર તા.રાજુલા હાલ સુરતવાળાએ તેમના બનેવી સામે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા દેવદગામની સન્ડે લગુન હાઈટ્‌સમાં ૩૫ વર્ષીય મહિલા નમ્રતા જયસુખભાઈ વાણિયા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં સાસુ, સસરા, દેરાણી, પતિ, એક ત્રણ વર્ષની અને એક આઠ વર્ષની એમ બે દીકરી છે. જયસુખભાઈ ક્યારેક-ક્યારેક જ છૂટક મજૂરીએ જતા હતા. મોટાભાગે તેઓ કામ પર ન જવાના કારણે ઝઘડાઓ થતા હતા. જ્યારે નમ્રતાબેન સાડી અને ચણિયાચોળી સહિતની કામગીરી કરીને આર્થિક રીતે મદદરૂપ થતાં હતાં. રાત્રે સંયુક્ત પરિવારમાં જમ્યા બાદ તમામ પરિવારના સભ્યો પોતપોતાના રૂમમાં સૂવા માટે ગયા હતા. રાત્રિ દરમિયાન નમ્રતાબેન અને જયસુખભાઈને કોઈ બાબતે ઝઘડો થયો હતો. દરમિયાન રાત્રે એક વાગ્યા આસપાસ જયસુખભાઈએ ચપ્પુ વડે નમ્રતાબેનનું ગળું કાપી નાખ્યું હતું, જેના પગલે રૂમ લોહીલુહાણ થઈ ગયો હતો. બંને દીકરીઓની સામે જ પિતાએ માતાની હત્યા કરી હતી. મોટી દીકરી ઊંઘમાંથી જાગી જતાં માતાને લોહીલુહાણ જોતા બૂમાબૂમ કરી હતી.દીકરીએ દાદાને ઉઠાડ્‌યા બાદ નમ્રતાબેનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ નમ્રતાબેનને
મૃત જાહેર કર્યા હતા. આ અંગે તાત્કાલિક ગોડાદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ગોડાદરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આમ, બે દિવસમાં જ સાવરકુંડલા પંથકના બે શખ્સોએ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

 

આરોપીને દારૂ પીવાની ટેવ
મૂળ જૂની કાતર તા.રાજુલા ગામના વતની નમ્રતાબેનનાં પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, જયસુખભાઈ છૂટક મજૂરી કામ કરતા હતા, પણ મોટાભાગે કામ પર જતા ન હતા. ઘરેથી કાઢી મૂકવામાં આવે ત્યારે કામ પર જતા હતા અને દારૂ પીવાની ટેવ પણ ધરાવતા હતા. કામ પર ન જવાના કારણે પરિવારમાં અવારનવાર ઝઘડાઓ થતા હતા. નમ્રતાબેનને સાસરિયાંઓ દ્વારા પણ ત્રાસ આપવામાં આવતો હતો. એકવાર નમ્રતાબેન પિયર પણ આવી ગયાં હતાં અને ત્યારબાદ સમાધાન બાદ પરત ગયાં હતાં.

 

આરોપી વસઈ રહેતો હતો અને ત્યાંથી સુરત ગયો
જાણવા મળતી માહિતી મુજબ આરોપી જયસુખ લાખા વાણીયા વસઈ રહેતો હતો અને ત્યાંથી સુરત રહેવા આવ્યો હતો. જા કે કામ બાબતે માથાકૂટ થતા તેમણે તેની પત્નીની નિર્મમ હત્યા કરી નાખી હતી.

 

પતિ કમાતો ન હોવાથી પત્ની મદદ કરતી હતી
પતિ કમાતો ન હોવાથી નમ્રતાબેન કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ કરતાં હતાં. આ મામલે ભગીરથ ગઢવી (ડીસીપી)એ જણાવ્યું હતું કે, પતિ-પત્ની વચ્ચે નોકરી બાબતે ઝઘડો થયો હતો. પત્ની નોકરી બાબતે પતિને કહેતી હોવાથી આવેશમાં આવી જઈને ચપ્પુ વડે પત્નીનું ગળું કાપીને હત્યા કરી હતી. હાલ તો પતિની અટકાયત કરીને ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બે દિવસ પહેલા પણ નોકરી બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. જ્યારે ગતરાત્રે પણ આ બાબતે ઝઘડો થતાં આ પગલું ભર્યું હતું.

 

જયસુખને વતનમાં રપ વિઘા જમીન
સાવરકુંડલા તાલુકાના જાબુંડા ગામના વતની અને હાલ સુરત રહેતા જયસુખ લાખા વાણીયાને પોતાના વતન જાબુંડા ગામમાં રપ વિદ્યા જમીન હોવાનું જાણવા મળ્યુ છે.